Abtak Media Google News
  • મુખ્યમંત્રી બંને યોજનાનો ઘાટલોડિયામાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલ ખાતે કાલે સવારે 9 વાગ્યે શુભાંરભ કરાવશે

રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શિક્ષણ વિભાગ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્ત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થિનીઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના શરૂ કરાઇ હતી. રાજ્યના મુખ્યમંત્રી આ બંને યોજનાનો ઘાટલોડિયામાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલ ખાતે કાલે સવારે 9 વાગ્યે યોજનાનો શુભાંરભ કરાવશે.આ પ્રસંગે શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકારના બજેટમાં આ વખતે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહનાં શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને તેમાં પણ કન્યાઓ ધોરણ-12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” અને “નમો સરસ્વતી” યોજનાઓનો સમાવેશ કરાયો હતો. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ-9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરાઇ છે. જેમાં ધોરણ-9થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને કુલ રૂ.50,000ની સહાય મળશે.

ધોરણ- 9 અને 10 માટે વાર્ષિક રૂ.10,000 જેમાં હાજરીના આધારે માસિક રૂ.500 અને બાકી 50 ટકા ધોરણ-10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરાશે.જ્યારે ધોરણ 11-12 માટે વાર્ષિક રૂ.15,000 જેમાં હાજરીના આધારે માસિક રૂ.750 અને 50% ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરાશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ-9થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને મળશે. આ યોજના અંતર્ગત સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-9માં પ્રવેશ લેનારી તમામ કન્યાઓને આવરી લેવાશે. તે ઉપરાંત વાર્ષિક રૂ. 6 લાખની કૌટુંબિક આવક મર્યાદાના આધારે ખાનગી શાળાઓમાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-9માં પ્રવેશ લેનાર કન્યાઓને પણ આ યોજનાનો લાભ અપાશે.

નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ અંતર્ગત લાભ લેનાર વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. ધોરણ- 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્તવી વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવાની જોગવાઇ પણ બજેટમાં કરાઇ છે. જેમાં વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ-10ની બોર્ડ પરીક્ષા 50 ટકાથી વધુ ગુણ સાથે પાસ કરનારા વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ. 25 હજારની સ્કોલરશીપ મળશે. જેમાં ધોરણ-11 માટે વાર્ષિક રૂ. 10 હજાર તેમજ ધોરણ-12 માટે વાર્ષિક રૂ. 15 હજાર અપાશે. જેમાં 50 ટકા રકમ વર્ષની શરૂઆતમાં પ્રવેશ લેવા પર અને બાકીની 50 ટકા રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની હાજરીને આધારે ખાતામાં જમા કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.