Abtak Media Google News

પોલીસે એક શખ્સની ધરપકડ કરી સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં રિપોર્ટ માટે મોકલ્યા

શાપર – વેરાવળ તાબેના પડવલા ગામની સીમમાંથી આયુર્વેદિક સીરપના ઓઠા તળે નશાયુક્ત પીણું બનાવતું કારખાના પર શાપર પોલીસ મથકના પીએસઆઇ એસ.જે. રાણા સહિતના સ્ટાફ દ્વારા દરોડો પાડી કુલ રૂ.6.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સલીમ કાનીયા નામના શખ્સની ધરપકડ કરી છે.

વિગતો મુજબ શાપર પી.એસ.આઇ રાણા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, બાતમી આધારે પડવલા ગામની સીમના રેવન્યુ સર્વે નં 93 પ્લોટ નં 23 માં દરોડા પાડતા ગોડાઉનમાંથી બીયરનો જથ્થો તો ન મળ્યો પરંતુ ગોડાઉનમાં ન આયુર્વેદિક હર્બલ સીરપના નામે નશાયુક્ત પીણું બનાવવાનું કારખાનું ધમધમતું હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉનમાં તપાસ કરતા અહીંથી આયુર્વેદિક હર્બલ સીરપના નામે નશીલું પ્રવાહી ભરેલી 4850 બોટલ, નશીલું પ્રવાહી બનાવવા માટે એસેન્સ ફ્લેવરની 25 બોટલ, પ્લાસ્ટિકની ખાલી બોટલો તેમજ ઢાંકણા, નશીલું પ્રવાહી બનાવવા માટેની મશીનરી વગેરે મળી કુલ રૂ.6.13 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જ્યારે ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકની પૂછપરછ કરતા રાજકોટના સલીમ કાણિયા અને તેનો ભાગીદાર મહેશ નામના શખ્સ પોણા ત્રણ મહિનાથી આ ગોડાઉન ભાડે રાખી આયુર્વેદિક સીરપના ઓઠા હેઠળ નશાયુક્ત પીણું બનાવવાનું કારખાનું ચલાવતા હોવાનું જણાવ્યું હતું. દરોડા બાદ પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને તેમજ એફએસએલને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા અને તેમને પૃથક્કરણ માટે કબજે કરેલા નશાયુક્ત પીણાના સેમ્પલ લીધા છે. જ્યારે એન્ડ ડ્રગ ફૂડ વિભાગે જરૂરી લાઇસન્સ મેળવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.હાલ શાપર પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી નશાયુક્ત પીણું બનાવવાની ફેક્ટરી ચલાવતા સલીમ કાણિયા અને તેના ભાગીદાર મહેશને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.