ઉત્તરાખંડમાં કુદરતનો કહેર: જળ તાંડવમાં 64ના મોત

પ્રકૃતિના કહેર જેવા ઉત્તરાખંડના જળપ્રલયમાં વધુ 9 ટ્રેકરોના મૃતદેહ મળી આવતાં જાનહાનિનો આંકડો 64એ પહોંચ્યો છે. આ જળ પ્રલયમાં અત્યાર સુધી અંદાજે સાતેક હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. ગઇકાલ સુધીની સ્થિતિમાં નૈનીતાલમાં સૌથી વધુ મૃત્યુ થયાં હતાં. જિલ્લામાં કુલ 34 મોત બાદ ચંપાવતમાં 11 લોકોના મોત નીપજ્યાં હતાં.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ, પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં સાતેક હજાર કરોડનું નુકશાન થયું છે. નુકશાનનો આંક 10,000 કરોડને આંબે તેવી જહેશત પણ વ્યક્ત કરી હતી. સુંદરઠુંગામાં કોલકત્તાથી આવેલા 9 ટ્રેકરો ભેખડો ધસી પડવાની ઘટનામાં મૃત્યુ પામ્યાં હતાં.

હિમાલયન ક્ષેત્રના બે રાજ્યોમાં પ્રકૃતિના પ્રકોપ જેવી ભારે વરસાદની સ્થિતિમાં પશ્ર્ચિમ બંગાળ, દિલ્હી અને હિમાચલ પ્રદેશથી ફરવા આવેલા 80થી વધુ પ્રવાસીઓ ફસાઇ ચુક્યાં છે. ભારે વરસાદમાં પ્રવાસીઓની વ્યવસ્થા કરવામાં તંત્રને પગે પાણી આવી ગયા હતાં. અત્યારે ઉત્તરાખંડના ધર્મા અને બિયાસ ગામમાં 100થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યાં છે. સમગ્ર રાજ્યમાં બચાવ રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્સના કારણે બે દિવસથી ભારે વરસાદ અને જમ્મુ-કાશ્મિર, લદાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે સતત સંપર્ક સંવાદ સાથે બચાવ રાહત કામગીરીની સતત વિગતો મેળવીને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને કામે લગાડવાના આદેશ આપ્યા છે.

ઉત્તરાખંડમાં આભ ફાટ્યા જેવી સ્થિતિમાં 485% વરસાદ

વરસાદને કુદરતની કૃપા ગણવામાં આવે છે પરંતુ ઉત્તરાખંડ માટે આ વખતે મેઘમહેર પ્રકૃતિનો પ્રકોપ બનીને તૂટી પડી હોય તેમ ઉત્તરાખંડમાં આખા વર્ષનો કુલ વરસાદથી 485% વધુ વરસાદ ખાબકી ગયો હતો. હિમાલયન રાજ્યમાં 7,500 મીમી વરસાદએ ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. 2019માં વિશ્ર્વના 200થી વધુ વૈજ્ઞાનિકોએ કરેલા ખાસ અહેવાલમાં હવામાન અને ખાસ કરીને દરિયાઇ હલન-ચલનની અસર ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં કેવી થશે તેનું અહેવાલ તૈયાર કર્યો હતો અને 1.5 સેન્ટીગેઇટ તાપમાન વધે તો પર્યાવરણમાં મોટી ઉથલ-પાથલના સંકેત આપ્યા હતા. આ વખતે ભારે વરસાદે વૈજ્ઞાનિકોના રિપોર્ટને સત્ય પૂરવાર કરી દીધું છે. ભારે વરસાદથી ઉત્તરાખંડમાં ભારે તબાહી મચી પામી છે.