Abtak Media Google News

ટોપ-100 પાવરફુલ બિઝનેસ વુમનનો ખિતાબ મેળવનાર

હળવદના વિકાસનો રોડ મેપ તૈયાર કરવા જ્ઞાતિ બંધુઓને જવાબદારી સોંપી

અબતક,રાજકોટ

ફોર્બ્સની યાદીમાં સામેલ ટોપ -100 પાવરફુલ બિઝનેસ વુમન તરીકેનો ખિતાબ મેળવનાર નાયકા ઇ કોમર્સ કંપનીના ચેરપર્સન એવા ફાલ્ગુની નાયર મોરબી જિલ્લાના હળવદ શહેરના દીકરી હોવાને નાતે અવાર નવાર અહીં આવેલ પીઠડ માતાજીના મંદિરે અને પોતાના દાદાના નિવાસસ્થાને અવશ્ય મુલાકાત લે છે. આજે તેઓએ હળવદની મુલાકાત દરમિયાન તેઓએ હળવદ સાથે જોડાયેલી યાદોને તાજા કરી બચપણને વાગોળ્યું હતું સાથો સાથ હળવદના ચૂરમાના લાડુ અને વાલનું શાક યાદ કર્યું હતું.

નાયકા ઇ કોમર્સ કંપની આજે ઘર ઘરમાં જાણીતી છે ત્યારે ભાગ્યે જ કોઈને ખબર હશે કે નાયકા કંપનીના ચેરપર્સન એવા ફાલ્ગુની નાયર હળવદના દીકરી છે. ફાલ્ગુની નાયરે (મહેતા)તેમની કારકીર્દિમાં અનેક સન્માન મેળવ્યા છે. 2019માં તેમણે ફોર્બ્સ એશિયાનો પાવર બિઝનેસ વુમન વોગ બિઝનેસપર્સન ઓફ ધ યર, આંત્રપ્રિન્યોર ઓફ ધ યર (સ્ટાર્ટઅપ કેટેગરી) જેવાં ઇનામો મેળવ્યા હતા. આ ઉપરાંત, ફેમિના પાવલિસ્ટમાં પણ તેમનો સમાવેશ થયો હતો. 2020માં ર્ફોર્ચ્યુન ઇન્ડિયાની એન્યુઅલ રેન્કિંગ- 50 મોસ્ટ પાવરફુલ વુમન ઇન બિઝનેસમાં પણ તેમને સ્થાન મળ્યું છે. મજાની વાત એ છે કે માદરે વતન હળવદને તેઓ ક્યારેય ભૂલ્યા નથી. હળવદ ખાતે આવેલ પ્રાચીન પીઠડ માતાજીના મંદિર પ્રત્યે અપાર શ્રદ્ધાને કારણે તેઓ નિયમિત રૂપે હળવદ આવતા રહે છે. હાલમાં હળવદ ખાતે તેમનું પુરખાઓનું એટલે કે એમના દાદાનું મકાન આવેલ છે.બચપણમાં ફાલ્ગુની મહેતા હળવદમાં દરેક ઉનાળાના વેકેશનમાં આવતા અને અહીંના મંદિરો અને નૈસર્ગીક વાતાવરણને તેઓ આજે પણ એટલા જ યાદ કરે છે.

હળવદના વતની કમલાબેન રતિલાલ મહેતાના પૌત્રી, સ્વર્ગસ્થ વિનોદચંદ્ર અને રશ્મિ મહેતાના પુત્રી અને સ્વર્ગસ્થ ડો. હેમંત મહેતાના બહેન ફાલ્ગુની નાયરનો ઉછેર મુંબઇમાં થયો હતો. પિતાને નાની બેરિંગ્સ કંપની ચલાવતા જોયા હોવાથી ફાલ્ગુનીના મગજમાં નાનપણથી જ વેપારનાં બીજ રોપાઇ ગયા હતા. તેણે ન્યુ એરા સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ અને સિડનહામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. IIM-અમદાવાદમાંથી પોસ્ટ-ગ્રેજ્યુએટ ડીપ્લોમા કર્યો. IIMમાં પતિ સંજય નાયર સાથે પરિચય થયો. મંજય નાયર પ્રતિષ્ઠીત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને હાલમાં નાયકાના પ્રમોટર પણ છે.

ફાલ્ગુની નાયર (મહેતા) કોટક મહિન્દ્રા બેન્કમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કારકીર્દિ શરૂ કરી અને યુકે તથા યુએસમાં તેની કામગીરી સંભાળી. કોટક મહિન્દ્રા કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમણે કોટકને ભારતની અગ્રણી IPO બેન્કર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કંપનીમાં 18 વર્ષની કામગીરી અને અનેક સફળ ઉદ્યોગ સાહસિકોથી પ્રેરાઇને તેમણે અલગ કેડી કંડારી અને પોતાનું સાહસ શરૂ કર્યું, 50 વર્ષની ઉમરે ફાલ્ગુનીને ભારતમાં એવા મલ્ટી-બ્રાન્ડ રિટેલ ફોર્મેટની જરૂર લાગી જે ગ્રાહકોને ઘેર બેઠાં બ્યુટી પ્રોડક્ટ્સ પૂરી પાડે અને તેમને શિક્ષિત પણ કરે. આ વિચાર સાથે તેમણે NAYKA.COMનો પ્રારંભ કર્યો, જે આજે ઇ-કોમર્સ અને લાઇફસ્ટાઇલનો પર્યાય છે. સંસ્કૃત શબ્દ નાયક ઉપરથી લેવાયો છે.

નાયકાને ઇ-કોમર્સ પ્લેટફોર્મમાંથી મલ્ટી-બ્રાન્ડ કન્ઝ્યૂમર ટેક કંપનીમાં પરિવર્તિત કરવામાં ફાલ્ગુનીના બે સંતાનો-અદ્વૈત અને અંચિત નાયરે મહત્વની ભૂમિકા ભજવી છે. કોટક મહિન્દ્રા ખાતે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગમાં અનુભવ અને સિધ્ધાતોએ તેમને સાતત્યપૂર્ણ અને ભવિષ્ય માટે તૈયાર ચપળ બિઝનેસ ઊભી કરવામાં મદદ કરી. આજે, આ સિંધ્ધાતોએ નાયકને નવી દુનિયા સાથે ઝડપથી અનુકૂલન સાધવામાં મદદ કરી છે. બ્યુટી, ફેશન, રિટેલ, ટેકનોલોજી અથવા ઇ કોમર્સમાં પૂર્વ અનુભવ વગર ફાલ્ગુનીએ નફાકારક અને ટકાઉ બિઝનેસ ઊભો કર્યો છે અને નવ વર્ષના ટૂંકા સમયગાળામાં મહત્વપૂર્ણ કદ અને કદર હાંસલ કર્યા છે.

નાયકાના સ્થાપક અને CEO તરીકે ફાલ્ગુની ભારતમાં લાઈફ સ્ટાઈલ ઈ-કોમર્સના પરંપરાગત અને માર્ગોને બદલવા માટે કટિબધ્ધ છે. ગ્રાહકો અને તેમની સમજણ, સહજ ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસના મહત્વના પાસાઓમાં તેમની ભાગીદારીએ નફાકીય વૃધ્ધિને વેગ આપવામાં મદદ કરી છે. બ્યૂટ, પર્સનલ કેર અને ફેશન પ્રોડક્ટસના વૈવિધ્યસભર પોર્ટફોલિયો સાથે નાચકાએ ભારતીય બ્યુટી માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે. નાણાકીય વર્ષ 2020-21માં વેચાયેલી પ્રોડક્ટ્સના મૂલ્યના સંદર્ભમાં નાયકા હવે ભારતનું સૌથી મોટું સ્પેશ્યાલિટી બ્યુટી અને પર્સનલ કેર પ્લેટફોર્મ છે.

કેટલીક પ્રસિધ્ધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ્સ ભારતીય બજારમાં વેચવા માટે નાયકા પર પસંદગી ઉતારી છે. બ્યુટી સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવ્યા બાદ નાયકાએ તેના પોર્ટફોલિયોમાં ફેશનનો પણ ઉમેરો કર્યો છે. નાયકા ફેશને કિડ્સવેર અને મેન્સવેર જેવી નવી કેટેગરીમાં પ્રવેશ કર્યો છે અને તેમાં પણ મજબૂત વૃધ્ધિ નોંધાવી રહી છે. આમ નાયકા, વન સ્ટોપ ફેશન ડેસ્ટીનેશન બની રહી છે અને ” સેગમેન્ટ ઉમેરાશે.ઉલ્લેખનીય છે કે, માદરે વતન હળવદ પ્રત્યે સન્માન ધરાવતા ફાલ્ગુની નાયરે અહીંના મોઢ વણિક જ્ઞાતિના અગ્રણી ભાવેશભાઈ શાહ પાસેથી હળવદના મહત્વપૂર્ણ સ્થાનો, સગવડતા અને ખૂટતી કડીઓ વિશે માહિતી પણ માંગી છે તે જોતા આવનારા દિવસોમાં નાયકાની હળવદના પણ ભાગ્ય ખૂલે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.