Abtak Media Google News

રાજકોટ શહેરમાં ચાર અને જિલ્લામાં એક સહિત પાંચ કેસ

 

અબતક-રાજકોટ

રાજકોટ શહેરમાં રવિવારે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો ન હતો. દરમિયાન સોમવારે શહેરમાં કોરોના બ્લાસ્ટ થયો હતો. એક જ પરિવારમાં નવ વર્ષની બાળકીથી માંડી ત્રણ વ્યક્તિઓ જે જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે તે કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત અન્ય એક યુવાન પણ કોરોનાના સકંજામાં સપડાયા છે.

રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. રાજકોટમાં જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક પરિવારના ત્રણ સભ્યો કોરોનાથી સંક્રમીત થયા છે. તમામ હાલ હોમ આઇસોલેટ છે. શહેરના વોર્ડ નં.7માં પેલેસ રોડ પર રહેતા અને જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક જ પરિવારના 76 વર્ષના પુરૂષ, 67 વર્ષના મહિલા અને નવ વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. વૃધ્ધ દંપતીએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. જ્યારે બાળકી વેક્સિન લેવાની લાયકાત ધરાવતી નથી. હાલ ત્રણેય હોમ આઇસોલેટ છે. તેઓના સંપર્કમાં આવેલા 8 વ્યક્તિઓ હાઇ રિસ્કમાં અને 10 વ્યક્તિઓ લો-રિસ્કમાં છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.2માં રેસકોર્ષ રોડ પર વેક્સિનના બંને ડોઝ લેનાર એક 41 વર્ષીય યુવાન પણ કોરોનામાં સપડાયો છે. હાલ તે ખાનગી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. તે જેતપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેના સંપર્કમાં આવેલા 4 વ્યક્તિઓ લો-રિસ્ક હેઠળ છે. પરિવારના ત્રણ સભ્યો પૈકી એક વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ કોરોનાનો એક કેસ નોંધાયો છે. જેતપુરના 25 વર્ષનો યુવાન કોરોનાથી સંક્રમીત થયો છે. રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 18 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 12 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 5 કેસ, કચ્છમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, પાટણમાં 2 કેસ, સુરત કોર્પોરેશનમાં 2 કેસ, અમદાવાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક-એક કેસ નોંધાયા છે. ગઇકાલે 56 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.