Abtak Media Google News

પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 23મી રાષ્ટ્રકથા શિબિરમાં શિક્ષણશાસ્ત્રી જે.એસ.રાજપૂત, જનરલ રણધીરકુમાર મહેતા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા પ્રાંસલા મુકામે યોજાયેલી રાષ્ટ્રકથા શિબીરના ચતુર્થ દિવસના   પ્રવચન સત્રમાં લેફટનન્ટ ગવર્નર મનોજસિંહા, જનરલ રણધીરકુમાર મહેતા,  શિક્ષણશાસ્ત્રી જે.એસ. રાજપુત, તામિલનાડુના વાઇસ ચાન્સેલર સંતોષ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.   ત્યારે સ્વામી ધર્મબંધુજીએ  જણાવ્યું હતુ કે રાષ્ટ્ર માટે પ્રત્યેક નાગરિકની  દરેક સમયે અને દરેક સ્થળે જવાબદારી છે. જેમકે, કોરોનાના સમયગાળામાં  સર્વ નાગરિકોની ફરજ. વધુમાં તેમણે શિબીરાર્થીઓને સારા નાગરિક બનવાના સિધ્ધાંતો વિશે વિસ્તારપુર્વક ઉદાહરણોથી સમજાવ્યું હતું.

શારિરીક રીતે સક્ષમ અને માનસિકપણે દ્રઢ બનો,  આંતરિક શક્તિઓને સશકત કરો અને તેને ફેલાવો, પહેલા વિચારો પછી કાર્ય કરો, જે કાર્ય પસંદ કરો તેના માટે ખંતપુર્વક પ્રયાસ કરો, હંમેશા પોતાના શરીર, મન, ભાવના અને આજુબાજુના પર્યાવરણને સ્વરછ રાખો, કોઇપણ વ્યક્તિ હોય નાના કે મોટા તેની અવગણના ના કરો, આપના સ્વભાવ- વ્યવહારમાંથી ક્રોધ-ક્રુરતાને દુર કરો, આપની આસપાસ થતા અન્યાય, અત્યાચાર, શોષણ સામે અવાજ ઉઠાવો, પોતાની સહાયતા સ્વયં કરો, મહાન લોકોના સાનિધ્યમાં રહો. આ સાથે તેમણે ઉમેર્યુ કે,  કાંઇ બની શકો તો જરૂર બનો પરંતુ કાર્યના પરિણામથી કયારેય હતાશ ના થાવ.

કયારેય પોતાની નજરમાંથી નીચે ના ઉતરો.વધુમાં તેમણે સારા- હોંશિયાર વિદ્યાર્થીઓ બનવાના ચાર નિયમ આપ્યા હતા. સમયસર વર્ગમાં પહોંચો, વર્ગમાં ધ્યાનથી અભ્યાસ કરો, ઘરે આવીને નિયમિત લેશન કરો અને આવતીકાલે શાળા-કોલેજમાં જે અભ્યાસ ચાલવાનો હોય તેનો પુર્વ અભ્યાસ કરીને જાવું. આ તકે  જમ્મુ-કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજસિંહા એ શિબીરાર્થીઓને  સંબોધન કરતાં જણાવેલ કે, વિશ્ર્વમાં સૌથી વધુ 65% યુવા આબાદી ધરાવતું આપણું રાષ્ટ્ર આઝાદીના અમૃતકાળથી સુવર્ણકાળ તરફ  આગળ ધપી રહ્યું છે ત્યારે  વિકસિત રાષ્ટ્ર બનવા માટે યુવા ધન અને જ્ઞાન અર્થતંત્રને સંયોજવાના નવા આયામ શોધવાની આવશ્યકતા છે અને જેના માટેના યથાર્થ પ્રયાસ અત્રે રાષ્ટ્રકથા શિબીરના માધ્યમથી થઇ રહ્યા છે.

Img 20230214 Wa0053 1

શિબીરાર્થીઓને તેમણે પ્રત્યેક ક્ષણે બદલતા વિશ્ર્વમાં કેવી રીતે માનવતાનો સંચાર કરવો, કેવી રીતે મુુલ્યવાન પરંપરાને સરંક્ષિત રાખીને નવું સર્જન કરવા બાબતે રાષ્ટ્રચિંતન કરવા આવહાન કર્યું હતું. જીવન માત્ર સંજોગ નથી તે એક ઉદ્દેશ છે પોતાની ઉર્જા, કાબેલિયત, સ્પર્ધાત્મકતા અને સહુને સાથે રાખીને આગળ વધવાની કૂનેહથી પોતાના સ્વપ્નો સાકાર કરવાની સાથે-સાથે સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે પ્રત્યેક વ્યક્તિએ પોતાના અંતરધ્વનીને અનુસરીને તેને અનુરૂપ નિષ્ઠાભર્યા પરિશ્રમ કરીને તેને પ્રયોગમાં લાવવા જોઇએ. જેમ કે, સંત કબીર, ગાંધીજી, તેંડુલકર, ગણિતજ્ઞ રામાનુજ, વૈજ્ઞાનિક ન્યુટન મહાનુભાવો કોઇ વિશેષ શૈક્ષણિક યોગ્યતાઓ ધરાવતા ના  હોવા છતાં પોતાના અંતરધ્વનીને અનુસરીને પોતપોતાના ક્ષેત્રમાં વિશ્ર્વમાં પોતાનું નામ કરી ગયાનું સમજાવ્યું હતું.

શિક્ષણશાસ્ત્રી જે.એસ. રાજપુત : શિક્ષણશાસ્ત્રી પદમશ્રી જે.એસ. રાજપુત એ શિબીરાર્થીઓને અત્રે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પાસેથી જે રાષ્ટ્રીય ચિંતન સાંભળવા મળે છે તેના પર મનન કરવાનો અને તેમાંથી જે શીખો તે પોતાના જીવન વ્યવહારમાં અને સ્વભાવમાં પ્રદર્શિત થાય તો જ તેની સાર્થકતા છે તેમ સમજાવેલ.

વધુમાં તેમણે જણાવેલ કે, આપણું જીવન સુલભ થાય તેવી સેંકડો શોધ શોધકો કરી ગયા છે જે તેમના સંકલ્પના, નવા વિચારોને આવિષ્કાર કરવાનું પરિણામ છે. આ જ રીતે આપણા સહુમાં પણ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરએ કહ્યું છે તેમ અપાર વિચારો કરવાની સ્વતંત્રતા સંકલ્પના કરવાની શક્તિ, જેનો ઉપયોગ જીવનમાં માનવહિતમાં કરજો

પ્રત્યેક પરિસ્થિતિમાં આત્મ સન્માન આત્મવિશ્ર્વાસ અને હકારાત્મક રહેવું જોઈએ: લેફટનન્ટ જનરલ રણધીર મહેતા

ભારતની પેરાશુટ રેજીમેન્ટમાં તેમજં સંયુકત રાષ્ટ્રમાં સુરક્ષા સલાહકાર તરીકે વિવિધ દેશોમાં શાંતિસેનાના સંચાલનની જવાબદારી સંભાળનાર નિવૃત લેફટનન્ટ જનરલ રણધીરકુમાર મહેતાએ શિબીરાર્થીઓને પ્રત્યેક પરિસ્થિતીમાં આત્મ સમ્માન જાળવો, ભરપુર આત્મવિશ્ર્વાસ ધરાવો અને હકારાત્મક વિચારસરણી રાખો તેમજ કદાપી અશિસ્ત કે નકારાત્મક વિચારસરણીને તમારી નજીક ફરકવા ના દેવાની શિખામણ આપી હતી. કયારેય કોઇના બ્રાહ્ય સ્વરૂપથી તેનું મુલ્યાંકન ના કરો, તેના જ્ઞાનનો આદર કરો.

પ્રત્યેક કાર્યો, વિચારસરણીમાં રાષ્ટ્રપ્રેમને સ્થાન આપવા અનુરોધ:  સંતોષકુમાર (વાઇસ ચાન્સેલર)

વાઈસ ચાન્સેલર સંતોષકુમારએ જણાવ્યું હતુ કે  તામિલનાડુથી 300 જેટલા વિદ્યાર્થીઓ સાથે આવેલ ડૉ.આંબેડકર લૉ યુનિવર્સિર્ટીના વાઇસ ચાન્સેલર સંતોષકુમાર એ  શિબીરાર્થીઓને  આ શિબીર આયોજનનો હેતુ આવનાર સમયમાં આપણા રાષ્ટ્રની આકાંક્ષાઓને અનુરૂપ આપનું વ્યકતિત્વ ઘડતર માટેનો છે. તેમણે શિબીરાર્થીઓને જેમ  આપ પ્રત્યેક દિવસે અભ્યાસ માટે સમય ફાળવો છો તેમ આપણા રાષ્ટ્રની ઉન્નતિ માટેના વિચાર કરવા પણ સમય ફાળવવા અને આપના પ્રત્યેક કાર્યો, વિચારસરણીમાં રાષ્ટ્રપ્રેમને સ્થાન આપવા અનુરોધ કર્યો હતો.

આજે પુલવામા આંતકી હુમલામાં 40 જવાનો શહિદ થયાની ત્રીજી વરસી હોય સહુએ એક મિનીટ જાળવીને સ્મરણાંજલી આપી હતી. આ પ્રસંગે સ્થાનિક ટીવી પત્રકાર અશરફ ખાનએ જણાવેલ કે, પત્રકાર સામાન્યત: કોઇના વખાણ કરવાના બદલે ખામી શોધવાનું કાર્ય કરે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના લેફટનન્સ ગવર્નર મનોજસિંહાએ જમ્મુ-કાશ્મીરનો હવાલો સંભાળ્યા પછી આ છેલ્લી મોટી આંતકી ઘટના હતી જે તેમના કુશળ વહિવટનો પુરાવો આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.