Abtak Media Google News

Table of Contents

વડાપ્રધાન મોદીને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ

શહેરમા રૂ,.234.08 કરોડના ખર્ચે મલ્ટીલેવલ ફલાય ઓવરબ્રિજ, લાઈબ્રેરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના વિકાસ કામોનું ઈ-લોકાપર્ણ કરશે વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલથી બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિંક 3ના  પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના  પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રીજ સહિતના   વિકાસ કામોની  ભેટ  આપવાના છે. ત્યારે વડાપ્રધાનને આવકારવા  સો કોઈ થનગની રહ્યા છે. વડાપ્રધાન મોદી આવતીકાલે રૂ. 2033 કરોડના વિકાસનું  લોકાર્પણ  કરશે.

આ કાર્યક્રમમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલ કેન્દ્રીય નાગરીક  ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય  સિંધિયા કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન રાજયમંત્રી ડો. વી.કે.સિંહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલ સહિતના  મંત્રીઓ, સાંસદો,  ધારાસભ્ય, જિલ્લા ભાજપના હોદેદારો શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો, ઔદ્યોગીક સામાજીક  ક્ષેત્રના અગ્રણી સહિત બહોળી  સંખ્યામાં લોકો હાજર રહેશે.

ત્યારે આજે કૃષિમંત્રી તથા રાજકોટ જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલે પત્રકાર  પરિષદ સંબોધતા  જણાવ્યું હતુ કે ગુજરાતમાં ભાજપે  156 બેઠકો પર  ભવ્ય વિજય મેળવ્યા બાદ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી પ્રથમ વખત  રાજકોટના આંગણે આવી રહ્યા છે.  ત્યારે સૌ કોઈમાં અનેરો ઉત્સાહ  જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આવતીકાલે  રૂ. 2033 કરોડના વિકાસ કામોનું  લોકાપર્ણ  કરશે. હિરાસર ખાતે દેશનું  12મું તથા ગુજરાતનું પ્રથમ ગ્રીફફીલ્ડ એરપોર્ટને વડાપ્રધાનના  હસ્તે લોકાર્પણ કરાશે. સમગ્ર એરપોર્ટ સંકુલ  2534 એકર જગ્યામાં   ફેલાયેલું છે. જે કાર્બોટર્મીનલ સાથે બનાવવામાં આવ્યુ છે. આ  ઈન્ટરનેશનલ એરપોર્ટ થકી 30 હજાર નાના મોટા ઉદ્યોગોને  ફાયદો થશે.  આંતરરાષ્ટ્રીય  ક્ષેત્રે  મુસાફરીમાં ઉપયોગી નિવડશે.  7 ઓકટોબર  2017માં વડાપ્રધાને હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય  એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતુ.

આવતીકાલે વડાપ્રધાન રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌની યોજના લિંક 3ના  પેકેજ  8 અને 9 સહિતના વિકાસ કાર્યોનું  લોકાપર્ણ કરશે. તથા રેસકોર્ષ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને  સંબોધીત કરશે.

વડાપ્રધાનને આવકારવા  સૌરાષ્ટ્રભરના ભાજપ કાર્યકરો, આગેવાનોમાં  અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આવતીકાલે સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત રાજકોટ જિલ્લાના સભ્યો, શહેર ભાજપના સભ્યો સહિત  સામાજીક, રાજકીય  અગ્રણીઓ એમ કુલ 1 લાખ કરતા વધુની જનમેદની ઉમટી પડશે.

આગામી 10 ઓગષ્ટથી  નવું એરપોર્ટ શરૂ થઈ જશે. અને એક વર્ષ બાદ  ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થશે. તેવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે  જણાવ્યું હતુ.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે  ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને વડાપ્રધાન નવા એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરશે ત્યારબાદ તેઓ ચાર્ટડ પ્લેનમાં જુના એરપોર્ટ પર ઉતરીને રેસકોષ  ખાતે   આવશે. જયાં તેઓ  રાજકોટના અનેકવિધ  વિકાસ કામોનું  લોકાપર્ણ કરીને જન સભા સંબોધશે.

ન્યારી-1 ડેમથી રૈયાધારમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટ સુધી 1219 એમ.એમ. ડાયામીટરની પાઇપલાઈન નંખાઈ

11 કિલોમીટર લંબાઈની આ પાઈપલાઈનથી ન્યારી-1 ડેમથી રૈયાધાર સુધી અંદાજે 80 એમ.એલ. પાણી વહન કરી શકાશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યત્વે વોર્ડ નં.1,8,9,10 તથા 13ના વિસ્તારમાં પાણી પહોંચાડાશે. અંદાજે 2,40,000 જેટલી વસ્તીને આ પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પડાશે.

24.72 કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ

આ પ્લાન્ટથી વોર્ડ નંબર 18 અને 12ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના અંદાજિત બે લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે.

વોર્ડ નં-6માં ગોવિંદ બાગ પાસે રૂ.8.39 કરોડના ખર્ચે લાયબ્રેરીનું નિર્માણ

  • 1596 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ.
  • વિવિધ ભાષામાં વિવિધ વિષયોના 33 હજાર પુસ્તકો, 200 જેટલા મેગેઝીન્સ તથા 20 જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે. ઉપરાંત ટોય લાઇબ્રેરી, ડિજિટલ ક્ધટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટર.

સૌની’ યોજના લિંક-3ના પેકેજ-8 તથા પેકેજ-9નું કાર્ય રૂપિયા 393.67 કરોડના ખર્ચે સંપન્ન

  • આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે.
  • ઉપરાંત રાજકોટ જિલ્લાના 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.
  • ‘સૌની’ યોજના લિન્ક-3ના પેકેજ-8ની કામગીરી રૂપિયા ર64.96 કરોડના ખર્ચે સંપન્ન.
  •  પેકેજ-8 દ્વારા 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે 10,568 ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.
  • ‘સૌની’ યોજનાની લિન્ક-3ના પેકેજ-9ની કામગીરી રૂ.128.71 કરોડના ખર્ચે સંપન્ન.
  •  આ પેકેજ-9 કાર્યાન્વિત થતાં 38 ગામોના 23 હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા 10,018 એકર જમીનને સિંચાઈની સુવિધાઓ  મળતાં ધરતી હરિયાળી બનશે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ

  • રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે રૂપિયા 1405 કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ.
  • 7 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ ભૂમિપૂજન થયું હતું.
  • રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.
  • સમગ્ર એરપોર્ટ સંકુલ 2534 એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે 14 વિમાનની પાર્કિંગ ક્ષમતા.
  • એરપોર્ટમાં 23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી  સીટી બસ  સેવા શરૂ કરાશે: મેયર

મેયર ડો. પ્રદીપ ડવ એ જણાવ્યું હતુ કે રાજકોટ માટે  રૂડો અવસર કહી શકાય.  આવતીક્ાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બનવાના છે.અને રાજકોટમાં અનેકવિકાસ કામોની ભેટ આપવાનાં છે. જેમાં રાજકોટમાં રૂ. 129.53 કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ  મલ્ટિલેવલ ફલાયઓવર બ્રિજનું  રિમોટ કંટ્રોલથી ઈ-લોકાપર્ણ કરાશે.

ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર  પ્લાન્ટ  સુધીની  1219 ડાયામીટરની  પાણીની પાઈપલાઈન, વોર્ડ નં.1માં રૈયાધારમાં  રૂ. 29.73 કરોડના ખર્ચે  વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ  18માં કોઠારીયામાં 15 એમ.એલ.ડી. ક્ષમતાના  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ  તથા વોર્ડ 6માં ગોવિંદ બાગ પાસે રૂ. 8.39 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું  પણ વડાપ્રધાન રિમોટથી લોકાપર્ણ કરી જનતાને  સમર્પિત કરશે.  રાજકોટથી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી જવા માયે સીટી બસ સેવાની  શરૂઆત કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર એસ.ટી. તંત્ર સાથે સંકલન  કરીને બસ સેવા શરૂ  કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.