Abtak Media Google News

શ્રી આનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજનો દીપ પ્રજ્જવલન અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો: મંત્રી રાઘવજી

પટેલ સહિત અનેક મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીમાં ટોપર વિદ્યાર્થીઓને  શિલ્ડ આપી સન્માનિત કરાયા

કૃષિ અને પશુપાલન મંત્રી  રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટની શ્રી આનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજનો દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.

રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગલને યાદ કરી નર્સિંગમાં પ્રવેશનાર નવા વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, આ માત્ર વ્યવસાય નથી પરંતુ સેવા, સારવાર, સમર્પણ અને મમતાનું ઉત્તમ કાર્યક્ષેત્ર છે,

ડોક્ટરના નિદાન બાદ દર્દીને મોતના મુખમાંથી ઉગારવાની અગ્રીમ જવાબદારી નર્સિંગ સ્ટાફના હાથમાં રહેલી છે ત્યારે આ ક્ષેત્રમાં કામગીરી કરનાર નર્સિંગ સ્ટાફ એટલો જ મહત્વનો છે તેમ  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. કોરોના કાળમાં ખૂબ જ કપરા સંજોગોમાં જાનના જોખમે દર્દીઓની કરેલી સેવાને આ તકે મંત્રીએ  બિરદાવી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીને યાદ કરી રાજ્યમાં તેમણે આરોગ્ય ક્ષેત્રે  લીધેલા વિવિધ ક્રાંતિકારી પગલાંઓને યાદ કરતા જણાવ્યું હતું કે, બાળકના જન્મ પૂર્વે જ સગર્ભા માતાઓની ખેવના કરી બાળકના જન્મ બાદ પોષણ યુક્ત ખોરાક ,રસીકરણ, આંગણવાડીમાં આરોગ્ય ચકાસણી નિદાન અને સારવાર સહિત અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.

આયુષ્માન કાર્ડમાં જરૂરિયાતમંદ નાગરિકોને રૂપિયા પાંચ લાખની નિશુલ્ક સારવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધારાના રૂપિયા પાંચ લાખની સારવાર સહાય ઉમેરી લોકોના આરોગ્યની ખેવના આ સરકારે કરી હોવાનું  રાઘવજીભાઈએ ગૌરવ સાથે જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે લેમ્પ લાઈટનીંગ પ્રક્રિયાના ભાગરૂપે મહાનુભાવો દ્વારા કેન્ડલ પાસ દ્વારા એન્લાઇટન્મેન્ટ પ્રક્રિયા કરવામાં આવી હતી. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીમાં ટોપર વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી કિશોરસિંહ  સોઢાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય  ડો. દર્શિતાબેન શાહ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશ ભીમાણી, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.આર એસ ત્રિવેદી, કોર્પોરેટર  મનીષભાઈ રાડિયા,  મહાનુભાવો સર્વેશ્રી સરદારસિંહ જાડેજા, બ્રિજવાલ સોનવાણી, ડોક્ટર ગૌરાંગ, કોલેજના પ્રિન્સિપલ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.