ઐતિહાસિક ઈડરિયા ગઢને બચાવવા આંખ આડા કાન કરતાં તંત્ર સામે નવું અભિયાન, શરુ થયું પત્રિકા વિતરણ

સાબરકાંઠા, હિતેશ રાવલ: સમગ્ર ભારત વર્ષમાં અજય ગણાતો ઈડર ગઢ જાણે કે માલેતુજાર લોકોના હાથે પરાજિત થયો હોય, તેમ ખનન માફિયાઓ દ્વારા નિશ્ચિત નાબૂદ થઇ રહ્યો છે. જો કે ઇડરની સ્થાનિક જનતાએ હવે તંત્રની સામે અહિંસક આંદોલનની ચિમકી આપી છે. ઇડરગઢ એ સાબરકાંઠા નું અભિન્ન અંગ છે. એક ઐતિહાસિક મહત્વ ધરાવતું ઇડરગઢ હવે ખનન પ્રવૃત્તિની ચરમસીમાઓ પર પહોંચી ગયું છે. વારંવાર આવેદનપત્રો આપવા છતાં તંત્ર તરફથી કોઈ સારો પ્રતિભાવ ન મળતાં ઇડરગઢ બચાવો સમિતિએ અભિયાન છેડ્યું.

એક તરફ ઈડર ગઢ ઉપર ખનન પ્રવૃત્તિ માટે થઈ રહેલા બ્લાસ્ટને પગલે તળેટીમાં પથ્થર પડવાની પણ શરૂઆત થઇ છે. જોકે તંત્ર આ મામલે તદ્દન અજાણ હોય તેમ જણાઈ રહ્યું છે. ઈડર ગઢ ઉપર શ્રીમદ રાજચંદ્ર થી લઈ રાજા વચ્છરાજ સુધી કેટલીયે જગ્યાઓ પૌરાણિક બની રહી છે. અમૂલ્ય વારસો ધરાવતી આ જગ્યા માટે કેટલાય પ્રવાસીઓ અને સહેલાણીઓ કુદરતી સૌંદર્ય સહિત પૌરાણિક ઝલક મેળવવા આવતા હોય છે, ત્યારે ખનન પ્રવૃત્તિના પગલે દિન-પ્રતિદિન વન્ય પ્રાણીઓ સહિત સ્થાનિક કક્ષાએ વસવાટ કરતા લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે.

સમિતિએ પત્રિકા અભિયાન શરૂ કર્યું છે. ઇડરગઢ બચાવો સમિતિ દ્વારા આંજે ઇડરનાં ખુબ પ્રખ્યાત ટાવરચોકથી દુકાને દુકાને જઈ પત્રિકાનું વિતરણ શરુ કરાયું હતું. ઇડર ગઢ બચાવો સમીતી દ્વારા લોકોને ઇડર ગઢ બચાવો અભિયાન માં જોડાવા આહવાન કરવામાં આવ્યું. પત્રિકા વિતરણમાં ઇડર ગઢપ્રેમીઓ મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા. શહેરનાં તમામ નાગરિકો સુધી આ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.