Abtak Media Google News

ગ્લોબલ હાઉસિંગ ચેલેન્જમાં સ્થાન પામેલ રૈયા સ્માર્ટ સિટી ખાતેના સ્થળનું નિરીક્ષણ કર્યું: મનપાની આવાસ યોજનાઓમાં વિવિધ સેવાઓના ઇન્ટીગ્રેશન અને પી.પી.પી. આવાસ યોજનાની કરી પ્રશંસા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગ સાથે હાઉસિંગ ક્ષેત્રે જે કામગીરી થઇ રહી છે તેનું નિરીક્ષણ કરવા દિલ્હીથી કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળની “નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી”ની એક ટીમ આજે રાજકોટની મુલાકાતે આવી હતી. દિલ્હીની ટીમે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જમાં સ્થાન પામેલ રાજકોટમાં હવે નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે જ્યાં નવી આધુનિક આવાસ યોજના આકાર પામવાની છે.

Advertisement

તે રૈયા સ્માર્ટ સિટી ખાતેના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી આવાસ યોજનાઓમાં વિવિધ સેવાઓને પણ સાંકળી લેવામાં આવી છે (ઇન્ટીગ્રેશન)તેનું પણ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે મહાનગરપાલિકાની પી.પી.પી. આવાસ યોજનાની મુલાકાત બાદ ટીમના સદસ્યે તેની પ્રશંસા પણ કરી હતી, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

વિશેષ માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીએ સને-૨૦૨૨ સુધીમાં દેશના સૌ ગરીબ નાગરિકોને ઘરનું ઘર મળી રહે તે માટે, દેશવિદેશમાં આવિષ્કાર પામતી અવનવી ટેકનોલોજીનાં ઉપયોગ વડે હાઉસિંગ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા અને ઝડપથી ગુણવત્તાપ્રદ કામ કરવા માટે હાથ ધરેલી ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જમાં રાજકોટ મહાનગરપાલિકા સ્થાન પામ્યું છે ત્યારે મહાનગરપાલિકાએ રૈયા સ્માર્ટ સિટી ખાતે નવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું જે આયોજન કર્યું છે તેમાં આવાસ યોજનાને પણ આવરી લેવામાં આવનાર છે. દિલ્હીની ટીમે રૈયા સ્માર્ટ સિટી ખાતે આવાસ યોજના જ્યાં બનાવવામાં આવનાર છે તે સ્થળની મુલાકાત કરી હતી.

આ ઉપરાંત, કમિશનરે એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પીપીપી આવાસ યોજનાઓ સાકાર કરાયેલી છે. દિલ્હીની ટીમે આજે રૈયાધાર, ભારતનગર અને મચ્છુનગર સ્થિત પીપીપી આવાસ યોજનાઓની સ્થળ મુલાકાત લીધી હતી અને આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે રૂબરૂ વાતચિત પણ કરી હતી. આ આવાસ યોજનાઓની ક્વાલિટી અને પ્લાનિંગથી ટીમ ખુબ જ પ્રભાવિત થઇ હતી.

વિશેષમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ તેની વિવિધ આવાસ યોજનાઓમાં ફાયર સિસ્ટમ એન્ડ સેફ્ટી, બાગ, આંગણવાડી, શોપિંગ ફેસિલીટી, લીફ્ટ, પાર્કિંગ, સહિતની વિવિધ સેવાઓનું ઇન્ટીગ્રેશન કરાયું છે. દિલ્હીની ટીમ દ્વારા આ પ્લાનિંગની પ્રશંસા કરી હતી.

અત્રે એ ખાર ઉલ્લેખ કરીએ કે, કેન્દ્રના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા “નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીને એક જવાબદારી સોંપવામાં આવેલી છે, જેમાં કેન્દ્ર સરકારની પોલિસીનાં અમલીકરણ અને તેમાં કોઈ મુશ્કેલી આવતી હોય તો તેના ઉકેલ લાવવા માટે શું કરી શકાય તેનો સતત અભ્યાસ અને મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જ્યાં જ્યાં સારૂ કામ થયું હોય તો તેનું દેશમાં અન્ય શહેરોમાં અનુકરણ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે. “નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી વતી આજે રાજકોટ આવેલા કનિકા ગુપ્તા અને  તન્વી બ્રાહ્મી રાજકોટ મહાનગરપાલિકાએ હાઉસિંગ સેક્ટરમાં જે ઝડપથી અને જે ઉચ્ચ ગુણવત્તા સાથે કાર્ય કર્યું છે તેનાથી પ્રભાવિત થયા હતાં. દિલ્હીની ટીમ મુકાલાત દરમ્યાન સિટી ઇન્જી. સ્પેશિયલ અલ્પનાબેન મિત્ર હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.