Abtak Media Google News
  • રાજકોટ કોર્પોરેશનને ત્રણ વર્ષથી લબડાવનાવાર જમીન ખરીદનારને સ્ટેન્ડિંગ કમિટીએ વધુ એક તક આપતા ભારે આશ્ચર્ય

Rajkot News

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સ બિલ્ડીંગની સામે આવેલા કોર્પોરેશનની માલિકીના વાણિજ્ય વેંચાણ હેતુના પ્લોટની આજથી ત્રણ વર્ષ પૂર્વે હરાજી કરવામાં આવી હતી. ઇ-ઓક્શન દ્વારા આ પ્લોટ રૂ.118 કરોડમાં ખરીદી કરનાર ઓમ નાઇન સ્કેર એલએલપીના ભાગીદાર ગોપાલ ચુડાસમાએ માત્ર રૂ.18 કરોડની રકમ ભરપાઇ કરી દીધા બાદ છેલ્લા ત્રણ વર્ષથી કોર્પોરેશનને બાકીની રકમ જમા કરાવતા નથી.

આ જમીન વેંચાણ બાદ કોર્ટ કેસ થતાં વિવાદ ઉભો થયો છે. દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આજે પ્લોટની હરાજી રદ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી હતી. જેમાં ભાજપના શાસકોએ નવો ખેલ પાડ્યો છે અને દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કોર્પોરેશનની ટીપી સ્કિમ નં.3 (નાના મવા)ના અંતિમ ખંડ નં.4 પૈકીના વાણિજ્ય વેંચાણ હેતુ માટેના 9,438 ચોરસ મીટરનો પ્લોટ ઇ-ઓક્શનથી ઓમ નાઇન સ્કેર એલએલપીના ભાગીદાર ગોપાલ ચુડાસમા દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

જેમાં તેઓએ 18 કરોડની રકમ જમા કરાવી હતી. બાકીની રકમ 10 દિવસમાં જમા કરાવવાની હોય છે. જમીન વેંચાણ બાદ બે આસામીઓ દ્વારા આ જમીન પર માલીકી હકનો દાવો કરવામાં આવ્યો હતો. જેના કારણે જમીનની ખરીદી કરનાર ગોપાલ ચુડાસમા સહિતના લોકોએ 101 કરોડ રૂપિયા જમા કરાવ્યા ન હતા. વારંવાર નોટિસ આપવા છતાં આ રકમ ભરપાઇ કરવાની તસ્દી ન લીધી હતી. દરમિયાન કમિશનરે રૂ.18.09 કરોડની રકમ જપ્ત કરી નાના મવા સર્કલ પાસેના પ્લોટની હરાજી રદ્ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી હતી. જમીનની ખરીદી કરનાર ઓમ નાઇન સ્કેરના ભાગીદાર ગોપાલ ચુડાસમાએ એવું લેખિતમાં આપ્યું છે કે સામાન્ય રીતે સરકારી કે ખાનગી માલીકીની જમીન ખરીદવામાં આવે ત્યારે ખરીદનારને વેંચનારે જમીન ચોખ્ખી આપવાની રહે છે.

કોર્પોરેશન પાસેથી અમે જે જમીનની ખરીદી કરી છે તેમાં બે આસામીઓએ માલિકી હકનો દાવો કર્યો છે. હાલ કોર્ટ મેટર છે ત્યારે અમે ભરેલી રકમ જપ્ત કરી પ્લોટની ફાળવણી રદ કરવાની દરખાસ્તને બહાલી આપતા પૂર્વે અમને સાંભળવામાં આવે જેને ધ્યાનમાં રાખી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. હવે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્ત મળશે ત્યારે આ અંગે કોર્પોરેશનના હીતમાં કોઇ નિર્ણય લઇ લેવામાં આવશે.

સેક્રેટરી હરીશ રૂપારેલીયાની કોર્પોરેશનમાં વાપસી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પદેથી રાજીનામું આપ્યા બાદ ત્રણ મહિનાના લાંબા અંતરાલ બાદ સેક્રેટરી હરીશ રૂપારેલીયાની કોર્પોરેશનમાં ફરી વાપસી થવા પામી છે. તેઓને 1-ડિસેમ્બર,2023ની અસરથી સેક્રેટરી તરીકે હાજર લેવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવી હતી. છેલ્લા અઢી દાયકાથી કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં જવાબદારી નિભાવી રહેલા

હરીશ રૂપારેલીયા છેલ્લા આઠેક વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા તેઓની પસંદગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવ તરીકે કરવામાં આવી હતી. જ્યાં હાજર થવા માટે તેઓ કોર્પોરેશનમાં લીયોન પર હતા. દિવાળી પૂર્વે તેઓએ કુલસચિવ પદેથી રાજીનામું આપી દીધું હતું. કોર્પોરેશનમાં સેક્રેટરી તરીકે હાજર પણ થઇ ગયા હતા પરંતુ મ્યુનિ.કમિશનર દ્વારા તેઓને ફરી સેક્રેટરી પદે નિયુક્ત કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી ન હોવાના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી રજા પર ઉતરી ગયા હતા. દરમિયાન આજે તેઓના ફરી સેક્રેટરી તરીકે નિયુક્તી આપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવતા તેઓએ તાત્કાલીક અસરથી ચાર્જ સંભાળી લીધો હતો. જો કે, તેઓની પ્રતિ નિયુક્તીની ફરજ 1-ડિસેમ્બર, 2023થી ગણવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.