Abtak Media Google News

મોદી મંત્ર – 2

ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, એમપી, દિલ્લી મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તવાઈ

ભારત વિશ્વગુરુ બનવા બે મંત્રની સાથે આગળ વધી રહ્યું છે. 5 ટ્રિલિયનની ઇકોનોમી અને આતંકવાદનો ખાત્મો આ બે મંત્રોને કેન્દ્રમાં રાખી હાલ સરકાર દ્વારા તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે. હવે મોદી મંત્ર – 2 એટલે કે આતંકવાદની જો વાત કરવામાં આવે તો સરહદ પાર નહીં પણ સરહદની અંદર રહી દેશવિરોધી કૃત્યો આચરતા ગદ્દારોને ડામવા અતિ જરૂરી છે. ત્યારે દેશની અંદરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા દેશ વિરોધી કૃત્ય આચરનાર તત્વોને ડામી દેવા એનઆઈએ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએ દ્વારા 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના કુલ 324 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ બુધવારે સવારે ગેંગસ્ટરો, ખાલિસ્તાનીઓ અને તસ્કરોની સાંઠગાંઠ સામે મોટી કાર્યવાહી કરી હતી. ૯ રાજ્યોમાં ૩૨૪થી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા. એનઆઇએની ટીમે ગુજરાત, દિલ્હી, ચંડીગઢ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ગેંગસ્ટરો અને ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ સાથે સંકળાયેલા પુરાવાઓના આધારે દરોડા પાડયા હતા.

આ દરોડા લોરેંસ બિશ્નોઇ, ગોલ્ડી બરાડ, નીરજ બવાના સહિત ડઝનથી વધુ ગેંગસ્ટરના નજીકનાને સકંજામાં લેવા માટે પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓ, દિલ્હી પોલીસ અને અન્ય રાજ્યોની પોલીસે છેલ્લા સાત મહિનામાં દેશના વિવિધ હિસ્સાની સાથે સાથે પાકિસ્તાન, કેનેડા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશોમાં સક્રિય થઇ રહેલા આ સંગઠનોના અપરાધીઓ અને આતંકવાદીઓને પકડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અનેક ગેંગસ્ટર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાંચે છેલ્લા છ સાત મહિનામાં ગેંગસ્ટર, આતંકવાદી ગઠજોડના ૫૧ કટ્ટર ટોચના ગુર્ગાઓ અને ૨૧૭  મધ્ય સ્તરના અપરાધીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એકે-૪૭, એમપી-૫, ગ્રેનેડ લોંચર અને હેન્ડગ્રેનેડ સહિત મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળા જપ્ત કર્યા હતા. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં પોલીસે પુરા ગેંગસ્ટર નેટવર્કને ખતમ કરવા માટે ડઝન વખત દરોડા પાડયા હતા.

આ ઉપરાંત એનઆઇએએ ગયા વર્ષે છ-સાત મહિનામાં સાત રાજ્યોમાં પાંચ રાઉંડમાં ૨૦૦થી વધુ સ્થળે દરોડા પાડીને લગભગ ૩૦ ગેંગસ્ટરો અને તેના સહયોગીઓની ધરપકડ કરી હતી. અને ૧૩ જેટલી સંપત્તિને પણ જપ્ત કરી લીધી હતી. ૯૫ બેંક ખાતાને ફ્રીઝ કરી દેવાયા છે. ૨૦ લુક આઉટ સર્ક્યૂલર પણ જારી કરવામાં આવ્યા છે.  નોંધનીય છે કે પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં ગેંગસ્ટર્સ લોરેંસ અને ગોલ્ડીનું નામ સામે આવ્યું હતું. જે બાદ ગેંગસ્ટર્સની સામે એજન્સીઓએ તપાસ વધુ તેજ બનાવી દીધી હતી.

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થળોને આવરી લેતા ‘ઓપરેશન ધ્વસ્ત’ અથવા ‘ઓપરેશન ડિસ્ટ્રક્શન’ના ભાગરૂપે દિવસભરની શોધ અને અટકાયતનો હેતુ અર્શ દલ્લાના આતંકવાદી જોડાણને તોડવાનો હતો. લોરેન્સ બિશ્નોઈ, ચેનુ પહેલવાન, દીપક તેતર, ભૂપી રાણા, વિકાસ લગરપુરિયા, આશિષ ચૌધરી, ગુરપ્રીત સેખોન, દિલપ્રીત બાબા, હરસિમરત સિમ્મા, અનુરાધા વગેરે જેવા ખતરનાક ગેંગસ્ટરોના ઠેકાણાઓ દરોડા પાડવામાં આવ્યા હોય તેવી પ્રાથમિક વિગત હાલ સામે આવી છે.

આ કાર્યવાહી પાકિસ્તાન અને કેનેડા જેવા અન્ય દેશોમાં સ્થિત ડ્રગ સ્મગલરો અને આતંકવાદીઓ સાથે કામ કરતી હાર્ડકોર ગેંગ સાથે સંકળાયેલા હથિયાર સપ્લાયર્સ, ફાઇનાન્સર્સ, લોજિસ્ટિક પ્રદાતાઓ અને હવાલા ઓપરેટર્સ પર કેન્દ્રિત હતી.

ઓગસ્ટ 2022થી નોંધાયેલા ત્રણ કેસોની એનઆઈએ તપાસના ભાગ રૂપે આતંકવાદી-ગેંગસ્ટર-ડ્રગ માફિયા સાંઠગાંઠ પરના આવા ક્રેકડાઉનની શ્રેણીમાં બુધવારના દરોડા છઠ્ઠા છે, જેમાં લક્ષ્યાંકિત હત્યાઓ, ડ્રગ્સની દાણચોરી દ્વારા ખાલિસ્તાન તરફી સંગઠનોને ટેરર ​​ફંડિંગ અને  શસ્ત્રોના નેટવર્ક પર તૂટી પડવાનો ઉદેશ્ય હતો.

એનઆઈએએ બુધવારે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે 129 સ્થળોએ દરોડા પાડ્યા હતા, પંજાબ પોલીસે 17 જિલ્લાઓમાં 143 સ્થાનો અને હરિયાણા પોલીસે 10 જિલ્લાઓમાં ફેલાયેલા અન્ય 52 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ તમામ દરોડાની કાર્યવાહી એક સાથે સવારે 5.30 વાગ્યે શરૂ કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન રૂ. 39 લાખની રોકડ, હથિયાર અને દારૂગોળા સહિતનો મુદ્દામાલ કબ્જે

દરોડા દરમિયાન 60 મોબાઈલ ફોન, 5 ડીવીઆર, 20 સિમ કાર્ડ, 1 હાર્ડ ડિસ્ક, 1 પેનડ્રાઈવ, 1 ડોંગલ, 1 વાઈફાઈ રાઉટર સહિત એક પિસ્તોલ, જીવંત અને વપરાયેલ કારતુસ સહિતના હથિયારો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક ડિજિટલ ઘડિયાળ, બે મેમરી કાર્ડ, 75 ગુનાહિત દસ્તાવેજો અને રૂ. 39 લાખથી વધુ રોકડ પણ કબ્જે કરવામાં આવ્યા છે.

ભારતમાં રહી આતંકી પ્રવૃતિઓ માટે ભંડોળ પૂરું પાડનારાઓ ઉપર ધોસ

એનઆઈએને મળેલી માહિતી મુજબ ભારતમાં ગેંગસ્ટરોના મુખ્ય સૂત્રોધારો પાકિસ્તાન, કેનેડા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભાગી ગયા હતા, જ્યાંથી તેઓ ભારતભરની જેલોમાં બંધ ગુનેગારો સાથે મળીને ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આ જૂથો લક્ષ્યાંકિત હત્યાઓ કરી રહ્યા હતા અને ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી, હવાલા અને ગેરવસૂલી દ્વારા તેમની નાપાક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરી રહ્યા હતા. જે બાદ એનઆઈએ અગાઉ 231 સ્થળોએ તપાસ હાથ ધરી હતી અને 4 ઘાતક શસ્ત્રો સહિત 38 શસ્ત્રો અને 1,129 રાઉન્ડ દારૂગોળો જપ્ત કર્યો હતો.

અત્યાર સુધીમાં 87 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને 13 મિલકતો જપ્ત કરી છે, ઉપરાંત 331 ડિજિટલ ઉપકરણો, 418 દસ્તાવેજો અને બે વાહનો જપ્ત કર્યા છે. બે ફરાર ગેંગસ્ટરને આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને 10 વ્યક્તિઓ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને 14 અન્ય વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે.

ક્યાં ક્યાં ગેંગસ્ટરોના ઠેકાણા પર પડ્યા દરોડા?

લોરેન્સ બિશ્નોઈ, ચેનુ પહેલવાન, દીપક તેતર, ભૂપી રાણા, વિકાસ લગરપુરિયા, આશિષ ચૌધરી, ગુરપ્રીત સેખોન, દિલપ્રીત બાબા, હરસિમરત સિમ્મા, અનુરાધા વગેરે જેવા ખતરનાક ગેંગસ્ટરોના ઠેકાણાઓ દરોડા પાડવામાં આવ્યા હોય તેવી પ્રાથમિક વિગત હાલ સામે આવી છે. આ કાર્યવાહી પાકિસ્તાન અને કેનેડા જેવા અન્ય દેશોમાં સ્થિત ડ્રગ સ્મગલરો અને આતંકવાદીઓ સાથે કામ કરતી હાર્ડકોર ગેંગ સાથે સંકળાયેલા હથિયાર સપ્લાયર્સ, ફાઇનાન્સર્સ, લોજિસ્ટિક પ્રદાતાઓ અને હવાલા ઓપરેટર્સ પર કેન્દ્રિત હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.