Abtak Media Google News

નિતીશ કુમારનો અસ્ત?

સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી… રાજકારણમાં કહેવાય છે કે, નથી હોતા કોઈ સદાય શત્રુ કે, નથી હોતા કોઈ મિત્ર, હોય છે તો બસ હિત…! દેશના પ્રવર્તમાન રાજકારણમાં ફિનીક્સ પક્ષીની જેમ કોંગ્રેસના દાયકાઓ જુના શાસનના અંત બાદ ઉભરી આવેલા ભારતીય જનતા પક્ષ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તપતા સૂર્યમાં કેટલાયે પ્રવાહો અને વ્યક્તિઓ ભૂતકાળની યાદી બનીને રાજકારણના પ્રવાહમાં લુપ્ત થઈ ગયા છે. બિહારના રાજકારણમાં દોમ-દોમ સાયબી અને એકહથ્થુ વર્ચસ્વ ધરાવતા નિતીશ કુમારે એકાએક પોતાના રાજકીય સન્યાસના અણસાર સાથે કેરીયર ફૂલ પોઈન્ટનો નિર્દેશ આપતા રાજકીય ક્ષેત્રે ભારે ચકચાર સાથે સળવળાટ ઉભો થયો છે.

સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી…ની આ ઉક્તિ નિતીશ કુમાર ઉપર અત્યારના સંજોગોમાં ખુબજ બંધ બેસતી છે. બિહારના રાજકારણમાં એકહથ્થુ શાસન અને એક સમયના વડાપ્રધાનના દાવેદાર નિતીશ  કુમાર સામે રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવનો અસ્ત થયા બાદ નિતીશ કુમારનો હાથ જાલીને ભાજપે બિહારના રાજકારણમાં પગપેસારો ર્ક્યો હતો. અત્યારે સમય, સ્થિતિ અને સંજોગો પારખી ગયેલા નિતીશ કુમારે છેલ્લા તબક્કાના મતદાનમાં ગુરૂવારે આશ્ર્ચર્યજનક જાહેરાત કરતા જણાવી દીધું હતું કે, આ પોતાની છેલ્લી ચૂંટણી છે અને હવે તે રાજકારણમાંથી વિદાય લેશે. પૂર્ણિયામાં ચૂંટણીસભા સંબોધતા નિતીશ કુમારે જણાવ્યું હતું કે, આજે છેલ્લા તબક્કાના મતદાનના પ્રચારનો છેલ્લો દિવસ છે. આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આ વખતની ચૂંટણી મારી છેલ્લી ચૂંટણી બની રહેશે.

‘અંત ભલા તો સબ ભલા’ની કહેવત સાથે નિતીશ કુમારે પોતાની નિવૃતિના અણસાર આપી દીધા હતા. બિહારમાં ૭મી નવેમ્બરે ત્રીજા તબક્કામાં ૭૮ બેઠકો માટે મતદાન થશે. જેમાં મોટાભાગે મુસ્લિમ બહુમતીવાળા સીમાંચલ ઉત્તર પૂર્વ બિહારમાં ચૂંટણી થશે. નિતીશ કુમારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની જેમ ચૂંટણી દરમિયાન જ પોતાની નિવૃતિના અણસાર આપીને અનેક આશ્ર્ચર્ય સર્જયા છે. નિતીશ કુમારની આ જાહેરાતને કેટલાક વિચક્ષણ પ્રબુધો નિતીશના અને તેમના પક્ષના અસ્તના આરંભ તરીકે મુલવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહારના વિકાસવાદ અને નિતીશને સાથે રાખીને ચાલવાના અભિગમ વચ્ચે પણ નિતીશ કુમારે છેલ્લે ચાલુ ચૂંટણીમાં પોતાની રાજકીય ક્ષેત્ર સંન્યાસની જાહેરાત કરીને મોટા આશ્ર્ચર્ય સર્જયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.