Abtak Media Google News

વર્ષ 2021માં દેશભરમાં કુલ 29,272 હત્યાની વારદાત: NCRBના રીપોર્ટના અનેક ચોંકાવનારી વિગતો કરાઈ જાહેર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે કે એનસીઆરબીએ 2021માં દેશભરમાં બનેલા ગુનાના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ વર્ષ 2021 માં દેશભરમાં હત્યાના 29,272 કેસ નોંધાયા છે. એટલે કે 2021 માં દેશમાં દરરોજ 82 હત્યાઓ થઈ છે. 2020 ની સરખામણીમાં દેશમાં હત્યાના કેસોમાં 0.3 %નો વધારો થયો છે. આ રિપોર્ટમાં હત્યાના અલગ-અલગ કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુજબ, મોટાભાગની હત્યાઓ પરસ્પર વિવાદને કારણે થઈ છે. આ રિપોર્ટમાં હત્યા માટે 24 અલગ-અલગ કારણો આપવામાં આવ્યા છે.  જેમાં પ્રેમ પ્રકરણમાં હત્યાથી લઈને અવૈધ સંબંધોના કારણે હત્યા સુધીના કારણો સામેલ કરાયા છે. ખૂબ જ નોંધનીય બાબત છે કે, દેશભરમાં વર્ષ 2021માં થયેલી કુલ હત્યામાં સરેરાશ કાઢવમાં આવે તો દર 10 હત્યામાં એક હત્યા પ્રેમ સંબંધ અને અનૈતિક શારીરિક સંબંધ એટલે કે આડા સંબંધોને લીધે થયાનું સામે આવ્યું છે.

આવો જાણીએ, દેશમાં કેટલી હત્યાઓ થઈ.  કયા રાજ્યમાં કયા કારણોસર સૌથી વધુ હત્યાઓ થાય છે?  પરસ્પર અદાવતમાં મોટાભાગની હત્યાઓ ક્યાં થઈ?  જમીનના વિવાદમાં સૌથી વધુ હત્યા ક્યાં થઈ?  કૌટુંબિક વિવાદમાં સૌથી વધુ લોકો ક્યાં મૃત્યુ પામ્યા?  અને આવી કેટલી હત્યાઓ થઈ, જેનું કારણ જાણી શકાયું નથી?

દેશમાં થયેલી 29,272 હત્યાઓમાંથી સૌથી વધુ 9,765 હત્યા અલગ અલગ પ્રકારના વિવાદોના કારણે થઈ છે. એનસીઆરબીના રિપોર્ટમાં વિવાદમાં થયેલી હત્યાઓને લઈને છ અલગ-અલગ પ્રકારના વિવાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કૌટુંબિક વિવાદ, મિલકતનો વિવાદ, પૈસાનો વિવાદ, પાણીનો વિવાદ, માર્ગ અકસ્માતનો વિવાદ અને નાના તકરારને કારણે હત્યાનો સમાવેશ થાય છે. આમાંની મોટાભાગની હત્યા પારિવારિક વિવાદને કારણે થઈ છે. વર્ષ 2021 માં પારિવારિક વિવાદોને કારણે દેશભરમાં કુલ 3566 લોકો માર્યા ગયા હતા. તે જ સમયે નાના ઝઘડાને કારણે 2603 લોકોએ જીવ ગુમાવ્યો છે. મિલકત અથવા જમીન વિવાદમાં 2488 લોકોના જીવ ગયા છે. પૈસાની લેતી દેતીમાં દેશભરમાં 998 લોકોની હત્યા કરાઈ છે.

વિવિધ વિવાદો ઉપરાંત મોટાભાગની હત્યાઓ અંગત અદાવતના કારણે થયાનું પણ એનસીઆરબીના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. અંગત અદાવતમાં દેશભરમાં 3782 લોકોના મોત થયા છે. ઉપરાંત વર્ચસ્વ સ્થાપિત કરવા માટે 1692 લોકોની હત્યા કરવામાં આવી હતી.

દેશમાં  નાના વિવાદ લોહિયાળ બની જાય છે તેવું સામે આવ્યું છે. 2021માં આવા 2603 નાના વિવાદો હતા જે સમય જતા લોહીયાળ બન્યા હતા. આવી બાબતોમાં તમિલનાડુમાં સૌથી વધુ 397 લોકોએ નજીવા વિવાદને કારણે જીવ ગુમાવ્યા છે. તે જ સમયે નાની લડાઈમાં મહારાષ્ટ્રમાં 315, ઉત્તર પ્રદેશમાં 308, મધ્ય પ્રદેશમાં 251 અને ગુજરાતમાં 245 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાનું રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.

એનસીઆરબીના રિપોર્ટ અનુસાર વર્ષ 2021માં દેશભરમાં 2488 લોકોએ જમીન કે મિલકતના વિવાદને કારણે જીવ ગુમાવ્યો હતો. મિલકતના વિવાદમાં સૌથી વધુ હત્યાઓ બિહારમાં થાય છે. મિલકતના વિવાદને લઈને દેશમાં થયેલી કુલ હત્યાઓમાં બિહારનો હિસ્સો એક ચતુર્થાંશથી વધુ છે. અહીં સંપત્તિના વિવાદમાં કુલ 635 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વર્ષ 2021માં સર્વોપરિતા સ્થાપિત કરવા માટે દેશભરમાં 1692 હત્યાઓ થઈ છે. આ રીતે સૌથી વધુ 480 કેસ ઝારખંડમાં નોંધાયા છે. તે જ સમયે બિહારમાં આવી 452 હત્યાઓ થઈ હતી. તેલંગાણામાં 95, તમિલનાડુમાં 89 હત્યાઓ વર્ચસ્વ માટે કરવામાં આવી છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ પાંચમા નંબરે હતું. જ્યાં 80 હત્યાઓ થઈ હતી.

2021માં 1300 હત્યાઓ એવી થઈ હતી જેનું કારણ જાણી શકાયું નથી. બ્લાઈન્ડ મર્ડરની ઘટનાઓમાં બિહાર ટોચ પર છે. અહીં આવા 280 કેસ નોંધાયા હતા.  બિહાર પછી પંજાબ આવે છે. જ્યાં બ્લાઈન્ડ મર્ડરના 109 બનાવો બન્યા હતા. આવી ઘટનાઓમાં ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પણ ટોપ-5માં સામેલ છે. ઝારખંડ અને રાજસ્થાનમાં 83-84 હત્યાઓની કડીઓ મળી નથી. તે જ સમયે, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આવી 80-80 ઘટનાઓ બની હતી.

2021માં દહેજના કારણે મૃત્યુના કુલ 952 કેસ નોંધાયા હતા. દહેજ હત્યાના સૌથી વધુ કેસ ઓડિશામાં નોંધાયા છે. અહીં દહેજ માટે કુલ 275 હત્યાઓ થઈ હતી.  પશ્ચિમ બંગાળમાં 245, ઉત્તર પ્રદેશમાં 119 અને રાજસ્થાનમાં 71 મોત દહેજના વિવાદમાં થયા છે.

ઉપરાંત મેલીવિદ્યાના લીધે દેશભરમાં કુલ 68 હત્યાઓ થઈ હતી. માનવ તસ્કરીના કારણે 6, સાંપ્રદાયિક અને ધાર્મિક કારણોસર 10, જાતિવાદને કારણે 33, વર્ગ વિગ્રહને કારણે 99 હત્યાઓ થઈ હતી.  રાજકીય દુશ્મનાવટના કારણે 80, ઓનર કિલિંગના કારણે 33, ઉગ્રવાદને કારણે 86 હત્યાઓ થઈ છે. લૂંટ દરમિયાન 160, ગેંગ વોરમાં 65, સિરિયલ કિલરો દ્વારા 13 હત્યાઓ થયાનું એનસીઆરબીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.  પૈસાની લેતી દેતીના કારણે 998, પાણીના વિવાદને કારણે 67, માર્ગ અકસ્માતને લીધે ઉભા થયેલા વિવાદને કારણે 43ના મોત થયા છે. એક હત્યા શરીરના અંગોના વેચાણ માટે થઈ હતી. આસામમાં આ એકમાત્ર કેસ નોંધાયો છે.

પ્રેમ સંબંધના કરુણ અંતમાં ગુજરાત-યુપી મોખરે !!

વર્ષ 2021માં દેશમાં 1566 હત્યાઓ પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હતું. આ હત્યાઓમાં 21 ટકાથી વધુ કેસ એકલા ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. અહીં પ્રેમ પ્રકરણના કારણે 334 હત્યાઓ થઈ છે. જ્યારે ગુજરાતમાં પ્રેમ સંબંધમાં 179 હત્યાઓ થઈ છે. આ બે રાજ્યો પછી બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ હત્યાઓ થઈ છે. આ પાંચ રાજ્યોને સાથે લઈએ તો દેશમાં પ્રેમ પ્રકરણમાં હત્યાના લગભગ 62 ટકા કેસ આ રાજ્યોમાં નોંધાયા છે.

આડા સંબંધોને લીધે દેશભરમાં 1559 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયાં !!

એનસીઆરબીના રિપોર્ટ અનુસાર અનૈતિક શારિરીક સંબંધ એટલે કે આડા સંબંધોને કારણે વર્ષ 2021 માં દેશભરમાં કુલ 1559 હત્યાઓ થઈ છે. આડા સંબંધોના કારણે સૌથી વધુ હત્યા મહારાષ્ટ્રમાં થાય છે. અહીં આવા કુલ 232 કેસ નોંધાયા હતા. આ પછી આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં આડા સંબંધોના કારણે સૌથી વધુ હત્યાઓ થઈ છે. આંધ્રપ્રદેશમાં 186, મધ્યપ્રદેશમાં 161, કર્ણાટકમાં 152 અને તમિલનાડુમાં 140 લોકોએ આડા સંબંધોના કારણે જીવ ગુમાવ્યા છે.

અંગત અદાવત અને વર્ચસ્વની જંગમાં 3782 હત્યાની ઘટનાઓ બની !!

વર્ષ 2021 માં અંગત અદાવતના કારણે દેશભરમાં કુલ 3782 હત્યાઓ થઈ હતી. હત્યા પાછળ અંગત અદાવત મુખ્ય કારણ હતું. આ કારણે બિહારમાં સૌથી વધુ હત્યાઓ થઈ છે. પરસ્પર દુશ્મનાવટના કારણે એકલા બિહારમાં 591 હત્યાઓ થઈ છે. તે જ સમયે, વ્યક્તિગત દુશ્મનાવટના કારણે મધ્યપ્રદેશમાં 372 અને કર્ણાટકમાં 341 લોકોની હત્યા કરવામાં આવી હતી.

પારિવારિક વિવાદમાં સાડા ત્રણ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા !!

દેશમાં 29 હજારથી વધુ હત્યાઓમાં પારિવારિક વિવાદ પણ મુખ્ય પરિબળ હતો. 2021માં દેશભરમાં પારિવારિક વિવાદોને કારણે 3566 લોકોની હત્યા કરવામાં આવી હતી. એકલા ઓડિશામાં જ 535 લોકોની હત્યાનું કારણ પારિવારિક વિવાદ હતો. પારિવારિક વિવાદને કારણે તમિલનાડુમાં 388 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ આના કારણે 328 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યાદીમાં બિહાર અને ઉત્તર પ્રદેશ પણ ટોપ-5 માં સામેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.