Abtak Media Google News

આપણા દેશને પણ આ પાયાની વાત લાગુ પડે જ છે: આપણા શાસનકર્તાઓ આજની કસોટીઓ તેમજ કટોકટીને વખતે દેશની સવા અબજ જેટલી પ્રજાની વર્તમાન અતિ કફોડી હાલતમાં એની વધુમાં વધુ પડખે ઉભવાનો રાજધર્મ ચૂકી રહ્યા છે: કોરોનાગ્રસ્તતાનો આતંક ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, રોગચાળો તેમજ ગરીબાઈલક્ષી યાતનાઓને ઘણે અંશે વધારતો રહ્યો છે લોકશાહીમાં અનિવાર્ય લેખાતી પ્રજાભિમુખતાની હુંફને રાજપુરૂષો અને રાજકર્તાઓ લગભગ ધોળીને પી ગયો છે: શહેરો અને ગામડાઓ, આબાલ વૃધ્ધ સ્ત્રીઓ પુરૂષો બંને જાણે કે હડયહડય છે !… પ્રાત:સ્મરણીય અને પૂણ્યશ્ર્લોક રાજકર્તાઓ દુ:ખી પ્રજાની પાસે જઈને તેમની મુશ્કેલીઓનું નિવારણ કરવાનો જમાનો તો હાલના રાજકર્તાઓએ જાણે ગાદીલક્ષી-ચૂંટણીક્ષી રાજકારણમાં ધોઈધફોઈ નાખ્યો છે. જયાં ત્યાં બધે જ પ્રજાનો પૂણ્યપ્રકોપ ભભૂકે છે. રાજસત્તા અને ધર્મસત્તા જેટલા વહેલા ચેતશે એટલું આપણા સમાજના અને દેશના ભલામાં બનશે, એમ કહ્યા વિના છૂટકો નથી.

આપણા કમભાગ્યે આપણે ત્યાં રાષ્ટ્રની એકધારી અધોગતિની સામે અને કરોડો પ્રજાજનોની બેસુમાર હાડમારીઓ સામે અવાજ ઉઠાવે એવો ચાણકય જેવા નેતાની ખોટ છે. આપણી દેશની બેહુદી રાજપધ્ધતિને દેશના હિતમાં પડકારે એવી વતન પરસ્ત પ્રજા પણ નથી.

અહીં ગોલાઓ રાજા છે. પાપીઓ પ્રધાન થઈ બેઠા છે. આજેય રાવણ, કંસ અને અન્ય અસુરો-આતંકીઓની જમાત ચારેકોર ઘૂમી રહી હોવાનો અહેસાસ થતો રહ્યો છે.

કવિ સુંદરમ્એ તો એટલી હદે ટકોર કરી હતી કે નવનવ વાર અવતાર લીધો તોય આ ધરતીનો શો દી’ વાળ્યો ભગવાન, એમ નાસ્તિકોને કહેવાનો મોકો મળે છે.

કહે છે કે, અધર્મનો નાશ કરવા ભગવાન અવતર્યા કરે છે,ને તોય અધર્મ વધતો જ રહ્યો છે.

જો ભગવાન કઠ્ઠણ કાળજાનો ન હોત તો એને જરૂર એ વાતનું પારાવાર દુ:ખ થાત કે તેમણે જેને માનવરૂપે સર્જયા, તે જ તેમને વેચી નાખવા જેટલા નગુણા બની ગયા છે…

ભગવાને માનવજાતને શું નથી આપ્યું કે અને કોઈ વાતની ખોટ કે ઓછપ રહે?

ત્રણ ત્રણ તો મોસમ આપી ઉનાળો (ગ્રિષ્મ) ઋતુ આપ્યો, શિયાળો આપ્યો-શીતળતા આપી અને આપણે ત્યાં અત્યારે આરંભાઈ ચૂકી છે કે એવી વર્ષા ઋતુ આપી.

ગરમીની લાંબી અને થકવી દેનારી ઋતુ પછી જયારે ધરતી પર વરસાદનાં અમરછાંટણા થાય છે ત્યારે ધરતીનો ઉલ્લાસ અનેકગણો વધી જાય છે. જીવનદાયીની વર્ષા માત્ર લોકોના મનને જ પ્રસન્ન કરતી નથી, પરંતુ તે ધરતીને હરિયાળી ચાદરથી સુંદર બનાવી દે છે. એમાય શ્રાવણમાસ તો પ્રકૃતિને ચાર ચાંદ લગાડી દે છે. લોકોના મનને હર્ષ તથા ઉલ્લાસથી ભરી દેતી વર્ષાઋતું પોતાની સાથે અનેક તહેવારો લઈને આવે છે.

વર્ષા ઋતુ ફકત આનંદ આપનારી જ નથી. પરંતુ તે આપણને ત્યાગ તથા સેવાની પ્રેરણા પણ આપે છે. સૂર્યની ગરમીથી પાણીની વરાળ બને છે. સમુદ્ર પોતાનું ળ વાદળોને આપી દે છે. એ વાદળો ધરતીનાં તરસ્યાં પ્રાણીઓની સેવા કરવા માટે પાણીના મુંદોને પોતાની સાથે લઈને દૂર દૂર સુધી યાત્રા કરે છે. અને સમગ્ર ધરતી પર વરસાદ વરસાવીને પ્રાણીમાત્રની તરસ છિપાવે છે. જો તેઓ સમુદ્રના પાણીને દૂર દૂર સુધી લઈ જવાની સેવા ના કરે તો ધરતી તરસી અને સુકીભઠ્ઠ રહે. ધરતી પરનું જીવન સમાપ્ત થઈ જાય. વાદળોની સેવાભાવનાના કારણે જ આપણી ધરતી હરિયાળી રહે છે. વરસાદનું પાણી નદીઓમાં ભેગુ થઈને પાછુ સમુદ્રમાં ભળે આમ, સમુદ્રે કરેલો ત્યાગ નિષ્ફળ જતો નથી. ઉદારતાથી આપેલું જળ તેને પાછુ મળી જાય છે.

તમામ ધર્મોના આસ્તિકો જો વિશ્ર્વમાં એક જ ઠેકાણે એકત્ર થાય અને પરમેશ્ર્વરે માનવજાતને જે બધુ આપ્યું છે. તેના ઋણ રૂપે એકસામટી તેમની સ્તુતિ કરે તો એમ કહેવું જ પડે કે, હે કરૂણાના કરનારા, તારી કરૂણશનો કોઈ પાર નથી !

આપણા રાજપુરૂષો જો આ વાતને શુધ્ધ હૃદયે યાદ કરે તો કદાચ અત્યારના જેવો પાપાચાર આચરવાનું બંધ કરીને ગંગોત્રી-જમુનોત્રીનાં પ્રવાહમાં બેસી જાય, અને આપણા દેશની આજના જેટલી બેહાલી વધુ વણસતા અટકે !… દેશ અને માતૃભૂમિ આખરે આ અણમોલ છે, એ સનાતન સત્યને કોણ નહિ સ્વીકારે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.