Abtak Media Google News

આંદોલનકારીઓને ૨૬મી જાન્યુઆરીના તોફાનો નડી ગયા, કોઈ રાજકીય પક્ષ ‘ટેકા’માં આવવા તૈયાર જ નથી

‘યે આગ કબ બુઝેગી…’ વિના કૃષિ નહીં ઉદ્ધાર દેશના વિકાસ માટે અનિવાર્ય એવા કૃષિ ક્ષેત્રની કાયાપલટ અને ખેતી અને ખેડૂતોની આવક બમણી કરવા માટેના સરકારના લક્ષ્યને આસાન બનાવવા માટે જરૂરી એવા ત્રણ કૃષિ કાયદાઓ પર ખેલાઈ રહેલુ રાજકારણ હજુ શમવાનું નામ લેતું નથી. આંદોલનકારીઓ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી પડતી મુકવા તૈયાર નથી. સરકાર માટે આ કાયદો પાછો ખેંચવા શકય નથી. જો સરકાર આ કાયદો પાછો ખેંચી લે તો ડોશી મરે એનો વાંધો નહીં પરંતુ જમ ઘર ભાળી જાય… તેનો વાંધો હોવા જેવી પરિસ્થિતિમાં સરકાર માટે કૃષિ કાયદો અનિવાર્ય બન્યો છે. તો બીજી તરફ આંદોલનકારીઓ માટે પણ આ કાયદો કોઈપણ સંજોગોમાં પાછો ખેંચવો એકમાત્ર મુદ્દો બની રહ્યો છે ત્યારે ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલા પર ભારતીય ધ્વજ પર અન્ય ધ્વજ લહેરાવવાની રાજદ્રોહ જેવી ચેસ્ટા સામે આંદોલનકારીઓ પોતે જ આરોપીના કઠહરામાં મુકાયા હોય તેવી પરિસ્થિતિમાં હવે કોઈ રાજકીય પક્ષ પણ તેમનો હાથ ઝાલવા તૈયાર નથી.

Advertisement

આંદોલનકારીઓ અને ખાસ કરીને નેતા રાકેશ ટીકેતે હરીયાણાના ઝીંદમાં ભરાનારી કિસાન પંચાયતમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. તેઓ હવે પંચાયતના શરણે પડ્યા છે. ટીકેત ઉપરાંત અનેક ખાપ નેતાઓ પણ તેમાં ભાગ લેશે. આંદોલનકારીઓ માટે હવે ટકવું એ મુશ્કેલ બની ગયું છે અને રાજકીય ટેકાની અનિવાર્યતા ઉભી થઈ છે. હરિયાણા, પંજાબમાં આંદોલનકારીઓની સંખ્યા વધુ છે. ખાપના આંદોલનકારી ટેકરામ કંડેલાએ કૃષિ કાયદો પાછો ખેંચવા માગ કરી હતી. હરીયાણા ગુરૂનામસિંગ પણ પંચાયતના શરણે જવા તૈયાર થયા છે. વિપક્ષ દ્વારા જો કે આ મુદ્દો રાજકીય રીતે ઉઠાવીને લોકસભામાં વારંવાર સંસદ સ્થગીત કરવા સરકારને મજબૂર કરી છે. રાજ્યસભામાં પણ આ જ પરિસ્થિતિ ઉભી થઈ છે. અને બન્ને ગૃહોમાં ધમાલના કારણે સંસદ સ્થગીત કરવાની ફરજ પડી હતી. લોકસભામાં કોંગ્રેસ, ડીએમકે, તૃણમુલ કોંગ્રેસના વિપક્ષી આગેવાનોએ આ કાયદો રદ્દ કરવાની માંગ કરી હતી.ગૃહ મંત્રાલયે પણ આંદોલનકારીઓના ઉપદ્રવ સામે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા બળપ્રયોગ કર્યાનું કબુલ્યું હતું. ગાઝીપુરમાં પણ આંદોલનકારીઓને ધમકાવવાની વાતો આવી હતી. બીજી તરફ આંદોલનકારીઓએ કોંગ્રેસ, આપ સહિતના પક્ષો સામે મદદની પહેલ કરી છે પરંતુ કોઈ રાજકીય પક્ષ અત્યારે આંદોલનકારીઓનો હાથ ઝાલવા તૈયાર નથી તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં આ આંદોલન માટે સરકારે અનેક અપીલ કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આંદોલનકારીઓ માટે હવે રાજકીય સાથ અનિવાર્ય બન્યો છે પરંતુ ૨૬મી જાન્યુઆરીના તોફાનોને લઈ આંદોલનકારીઓ એકલા પડતા જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.