Abtak Media Google News

રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ કચ્છ જિલ્લા અને મહીસાગર જિલ્લામાં

રાજયમાં શિક્ષણ વિભાગ પાછળ રાજ્ય સરકાર 43651 કરોડ રુપિયાનું બજેટ ફાળવ્યુ છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે હવે શાળાઓમાં કાયમી શિક્ષકોની સ્થાને જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કર્યુ છે. પરંતુ વિધાનસભા સત્રમાં રાજ્યના શિક્ષણ વિભાગની કથળતી સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની માહિતી વિધાનસભા સત્રમાં સામે આવી છે. ગુજરાત તમામ ક્ષેત્રે અવ્વલ છે છતાં ગુજરાતની 926 સ્કૂલ છે જેમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ કચ્છ જિલ્લા અને મહીસાગર જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત તાપી, નર્મદા અને બનાસકાંઠામાં પણ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા 50 કરતાં વધારે છે. રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાતો કરવામાં આવે છે જ્યારે શાળાઓમાં અપૂરતા શિક્ષકોને લઇને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકતુ નથી.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સરકારી શાળામાં અલગ અગર રેસીયા પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે.

60 બાળકો ધરાવતી શાળામાં બે શિક્ષકોની ફાળવણી થવી જોઇએ. 60 થી 90 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 3 શિક્ષકો હોવા જોઇએ. 120 થી 200 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 4 શિક્ષકો હોવા જોઇએ. સૌથી વધુ શિક્ષકોની ઘટ ઘોરણ 1 થી 5 જોવા મળી છે. જ્યારે ઘોરણ 6 થી 8માં અગ્રેજી અને ગણિક વિષયના 4 થી 5 હજાર શિક્ષકોની ઘટ રાજ્યમાં જોવા મળે છે

રાજ્યમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાની બે દિવસમાં માહિતી આપવા આદેશ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાને ગેરબંધારણીય ગણાવી તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી: વિગતો મળ્યા બાદ પ્રાથમિક વિભાગમાં શિક્ષણ વિભાગ જ્ઞાન સહાયકની ભરતી કરશે

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાને ગેરબંધારણીય ગણાવી ભાજપ સરકાર તાત્કાલિક રદ કરે તેવી માગણી કરી હતી જેને લઈને રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતી માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવાઈ છે. શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાને લઈને વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી અને સ્કૂલોને તેમની ખાલી જગ્યાની વિગતો મંગાવવામાં આવી છે. સ્કૂલોએ ખાલી જગ્યાની વિગતો 18મી સુધીમાં મોકલવાની રહેશે. આ વિગતો મળ્યા બાદ પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા કાયમી ધોરણે ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ કરાવવાનું નક્કી કર્યું છે. જેના પગલે 11 માસની કરાર આધારીત જ્ઞાન સહાયકની જગ્યાઓ ભરવા માટે પરીક્ષા લેવામાં આવ્યા બાદ હાલમાં ભરતી માટે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે.

જેમાં પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે 19 હજાર કરતા વધુ ફોર્મ ભરાયા છે. આમ, હજુ 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ રહેશે. ત્યારે રાજ્યની સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો એકત્ર કરી તેના આધારે જ્ઞાન સહાયકની ભરતી કરવા માટેની કવાયત શરૂ કરાઈ છે. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓમાં તેમની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો મંગાવવામાં આવી છે. જે જિલ્લાઓમાં હાલ ચાલી રહેલી નવી વિદ્યા સહાયક ભરતીમાં ઉમેદવારો ફાળવેલા નથી તે જિલ્લા- નગર પ્રાથમિક સમિતિઓએ 14 સપ્ટેમ્બરની સ્થિતિએ અને જે જિલ્લાઓમાં વિદ્યાસહાયક ફાળવાયેલા છે તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિએ 16 સપ્ટેમ્બરની સ્થિતિની ખાલી જગ્યાઓની વિગતો દર્શાવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.