Abtak Media Google News

કોરોનામાં મૃત્યુદર ઘટતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા લેવાયો પ્રજાલક્ષી નિર્ણય: જો કે, મૃતકના પરિવારજનોને ઈલેકટ્રીક ભઠ્ઠી સુધી જવા નહીં દેવાય

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા છેલ્લા ત્રણેક માસથી શહેરના અલગ અલગ ચાર સ્મશાન ગૃહોમાં આવેલી ઈલેકટ્રીક ભઠ્ઠીઓ કોવિડ કે શંકાસ્પદ કોવિડથી મોતને ભેટતા મૃતકોની અંતિમવિધિ માટે અનામત રાખવામાં આવી હતી. કોઈ વ્યક્તિનું અન્ય બિમારી કે કુદરતી રીતે મોત થાય તો તેની અંતિમવિધિ ફરજિયાતપણે લાકડામાં કરવી પડતી હતી. દરમિયાન છેલ્લા એક સપ્તાહથી કોરોનાથી થતાં મૃત્યુના દરમાં ઘટાડો આવતા હવે નોન કોવિડ ડેથ બોડીની પણ ઈલેકટ્રીક ભઠ્ઠીમાં અંતિમવિધિ કરી શકાશે તેવી છુટ આપવાનો નિર્ણય મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા લેવામાં આવ્યો છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તથા જિલ્લામાં કોરોનાથી થતાં મોતના આંકમાં વધારો થયો હોવાના કારણે છેલ્લા ૩ માસથી શહેરના રામનાથપરા મુક્તિ ધામ, મોટા મવા મુક્તિ ધામ, સોરઠીયાવાડી (બાપુનગર) મુક્તિધામ અને મવડી ધામ મુક્તિધામ જ્યાં ઈલેકટ્રીક ભઠ્ઠીની સુવિધા છે તે તમામ કોરોના મૃતકો માટે અનામત રાખવામાં આવી હતી. કોઈ વ્યક્તિનું અન્ય બીમારી કે કુદરતી રીતે મોત થાય તો અત્યાર સુધી ફરજિયાતપણે તેની અંતિમવિધિ લાકડાથી કરવી પડતી હતી. જેમાં સમય અને પૈસાનો પણ વ્યય થતો હતો. છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાથી થતાં મૃત્યુના દરમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. જેને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી નોન કોવિડ ડેથ બોડીની પણ અંતિમવિધિ ઈલેકટ્રીક ભઠ્ઠીમાં કરી શકાશે.

તેઓએ ઉમેર્યું હતું કે, અલગ અલગ ચારેય સ્મશાન ગૃહોમાં જો ઈલેકટ્રીક ભઠ્ઠી ફાજલ પડી હશે અને કોવિડ હોસ્પિટલમાંથી કોઈ ડેથ બોડી અંતિમવિધિ માટે આવવાની નહીં હોય તો નોન કોવિડ ડેથ બોડીની અંતિમવિધિ ઈલેકટ્રીકમાં કરવાની છુટ આપવામાં આવશે. મૃતકના પરિવારજનોને ઈલેકટ્રીક ભઠ્ઠી સુધી આવવા દેવામાં આવશે નહીં. સ્મશાનના કર્મચારીઓ જ ડેથ બોડીની અંતિમવિધિની પ્રક્રિયા પૂર્ણ કરશે. મૃતકના પરિવારજનોનો આગ્રહ હશે તો જ ઈલેકટ્રીક ભઠ્ઠીમાં અંતિમવિધિ કરવા દેવામાં આવશે. આ માટે કોર્પોરેશન દ્વારા ભરત કાથરોટીયાની અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે જે હોસ્પિટલ અને સ્મશાન ગૃહો સાથે સંકલન કર્યા બાદ જ ઈલેકટ્રીક ભઠ્ઠીમાં અંતિમવિધિ કરવાની મંજૂરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર માસથી શહેરના મુખ્ય ચાર મુક્તિધામોમાં ઈલેકટ્રીક ભઠ્ઠીઓ કોવિડ ડેથ બોડી માટે અનામત રાખવામાં આવતી હોવાના કારણે અન્ય બિમારી કે કુદરતી રીતે મોતને ભેટેલા મૃતકની અંતિમવિધિ ફરજિયાતપણે લાકડા વિભાગમાં કરવી પડતી હતી જેના લીધે સમય અને પૈસાનો વ્યય થતો હતો. હવે કોરોનાના મૃત્યુદરમાં ઘટાડો નોંધાતા મ્યુનિ.કમિશનર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.