Abtak Media Google News

આત્મીય યુનિવર્સિટીમાં સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા હેકેથોન

આરોગ્ય, પાણી વિતરણ, સિંચાઈ, એનર્જી, મેનેજમેન્ટ, ઘનકચરાના નિકાલ સહિતના વિષયોને આવરી લેવાયા

આત્મીય યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયાક હેકેથોન ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતુ આ હેકેથોનમાં સૌરાષ્ટ્રનીતમામ કોલેજો તથા યુનિવર્સિટીના ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લગભગ ૨૦૧ જેટલી ટીમ બનાવી આ વિદ્યાર્થીઓ દ્વારા અવનવાટેકનોલોજીનાં પ્રોજેકટસ તૈયાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારના વિવિધ વિભાગો, ખાતાઓ અને કચેરીઓ તરફથી પ્રાપ્ત થયેલ સમસ્યાઓનું ડિજિટલ સમાધાન કરવાનાં પ્રયાસો આ ઈવેન્ટમાં કરવામાં આવ્યા હતા. નોન સ્ટોપ છત્રીસ કલાક સુધી ચાલેલી આ ઈવેન્ટમાં વિદ્યાર્થીઓ એ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મુખ્યત્વે આરોગ્ય, ખાધ સામગ્રી, પાણી વિતરણ અને શુધ્ધિકરણ, સિંચાઈ રિન્યુએબલ એનર્જી, હોટેલ મેનેજમેન્ટ, હોસ્ટેલ મેનેજમેન્ટ, શિક્ષણ વ્યવસ્થા,ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા હતા.

વધારે માહિતી આપતા આત્મીય યુનિવર્સિટી ડેપ્યુટી રજીસ્ટ્રાર પ્રો. આશિષ કોઠારીએ જણાવ્યું હતુ કે આ પ્રકારની ઈવેન્ટ દર વર્ષે થતી હોય છે. પરંતુ રાજકોટમા આત્મીય યુનિવર્સિટી ખાતે પ્રથમવાર જ આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ આ ઈવેન્ટ માટે ખૂબજ ઉત્સાહ દેખાડયો હતો. વધુમાં જણાવતા તેમણે કહ્યું કે લગભગ પંચાવન જેટલા નિર્ણાયકો આ ઈવેન્ટમાં નિર્ણય આપશે જેમાં સાડત્રીસ જેટલા તજજ્ઞો કોમ્પ્યુટર અને આઈ.ટી.ના તેમજ સતર જેટલા તજજ્ઞો ઈન્ડસ્ટ્રીઝમાંના રહેશે.

આ ઈવેન્ટમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ પ્રકારની ઈવેન્ટમાં જોડાવવાની અમને તક મળી છે. ત્યારે સારામાં સારૂ પ્રદર્શન કરી શકીએ એજ અમારો હેતુ છે. અને હેકેથોન દ્વારા અમને અમારા આઈડીયા રજૂ કરવાનો મોકો મળે છે. વિદ્યાર્થીઓ માટે આ હેકેથોન ખૂબજ મદદરૂપ બની રહે છે.

આ ઈવેન્ટમાં આત્મીય યુનિવર્સિટીનાં એમ.સી.એ. ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓની ટીમે રાજકોટ મહાનગરપાલીકા માટે ‘પ્લાટન્ટ ટ્રી’ એપ્લીકેશન વિકસાવીને પ્રથમ અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની ટીમે તૃતીય ક્રમ મેળવ્યો હતો. બાયોકેમેસ્ટ્રી અને માઈકો બાયોલોજી ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીઓની ટીમને સ્પેશિયલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી હતી.

એલ.ડી. એન્જીનીયરીંગના પ્રા. ભાવિન સેદાણીએ જણાવ્યું હતુ કે આ ઈવેન્ટ કુલ સાત જગ્યાએ ઓર્ગેનાઈઝ થાય છે. જેને રિજયુનેલ રાઉન્ડ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાઈ છે. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડતનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતુ માર્ચ અથવા એપ્રીલ મહિનામાં આ હેકેથોનના સ્પર્ધકોનો ફાઈનલ રાઉન્ડ થશે તેમા વિજેતા પામેલા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તથા શિક્ષણ વિભાગ દ્વારા ઈનામો આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.