Abtak Media Google News

લોકસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ પોતાના અડીખમ ગઢ મનાતા રાજકોટની બેઠક પર પસંદગીનું કળશ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પર ઢોળે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે  સૌરાષ્ટ્ર-કચ્છની  લોકસભાની 8 બેઠક પૈકી એકમાત્ર રાજકોટ બેઠક જ એવી છે કે જ્યાં કડવા પટેલ સમાજને ટિકિટ આપી શકાય તેમ છે. છેલ્લી બે ટર્મથી મોહનભાઈ કુંડારીયા  રાજકોટ બેઠક પરથી તોતિંગ લીડ સાથે વિજેતા બની રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મવડી મંડળ સમક્ષ રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.જેના કારણે હવે નવા જ સમીકરણો રચાયા છે.જો કે રાજકોટ બેઠક માટે અન્ય પાંચ નામોની ચર્ચા થઈ રહી છે.મહિલાને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવે તો પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવાનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે.

Advertisement

રાજસભાના સાંસદ તરીકે રૂપાલાની મૂદત એપ્રીલ-2024માં પૂર્ણ થઈ રહી છે: રિપીટ કરવાના બદલે હવે ચૂંટણી મેદાનમાં ઉતારાશે: રાજકોટ બેઠક માટે અન્ય ચાર નામો પણ ચર્ચામાં

લોકસ ભાની આગામી ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો સતત ત્રીજી વાર જીતવાના લક્ષ્યાં સાથે તમામ  બેઠકો પાંચ લાખથી વધુ લીડથી જીતવાનો ટારગેટ પ્રદેશભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સેટ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પૈકી ભાજપ પાંચ બેઠકોપર ઉમેદવારો બદલે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જ્ઞાતીના  સમિકરણોને ધ્યાનમાં  રાખતા રાજકોટ બેઠક પર કડવા પાટીદાર સમાજમાંથી આવતા નેતાને ટિકીટ આપવામાં  આવે છે. છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે  ચૂંટાતા મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરવામાં આવેતેવી શકયતા ખુબજ નહિવત છે.

બીજી તરફ હાલ ભાજપના નેતાઓમાં એવી ચર્ચાઓ  ચાલી રહી છે કે, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં  ઉતારવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે. જોકે અન્ય  ત્રણથી ચાર નામો પણ ચર્ચામાં છે. રાજયસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને પુરૂષોતમભાઈ રૂપાલા ઉપરાંત  કોંગ્રેસના બે સાંસદ  અમીબેન યાજ્ઞીક અને નારણ રાઠવાની મૂદત આગામી એપ્રીલ  2024નાં રોજ પૂર્ણ થઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના  ધારાસભ્યોની સભ્ય સંખ્યાના આધારે હવે  ચારેય બેઠકો ભાજપના ફાળે આવશે. ભાજપ સીનીયર નેતા ડો. માંડવીયા અને રૂપાલાને  રાજયસભામાં રિપીટ કરવાના બદલે લોકસભાની  ચૂંટણીજંગમાં મેદાનમાં ઉતારે તેવી સંભાવના જણાય રહી છે.  આ બંને કેબીનેટ મંત્રીઓને સૌરાષ્ટ્રની  બેઠકો  પરથી ચૂંટણી લડાવવામાં આવે તેવું મનાય રહ્યું છે.

જ્ઞાતીના સમીકરણોને જોતા કડવા પાટીદાર સમાજને  રાજકોટ બેઠક ફાળવવામાં આવે છે છેલ્લી બે ટર્મથી મોહનભાઈ કુંડારીયા ચૂંટાઈ  રહ્યા છે. હવે તેઓને રિપીટ કરવામાં ન આવે તેવું પણ ચર્ચાય રહ્યું છે. આવામાં   2009ની ચૂંટણીના અપવાદને બાદ કરવામાં આવે તો રાજકોટ બેઠક ભાજપ માટે  હંમેશા અડીખમ ગઢ  રહી છે. વિધાનસભાની ગત ચૂંટણીમાંભાજપે રાજકોટની ચારેય બેઠકો પર નવા ચહેરાને મેદાનમાં  ઉતાર્યાહતા. છતા તમામ ચારેય ઉમેદવારોનો રેકોર્ડ  બ્રેક લીડથી  વિજય  થયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો માટે ભાજપ નવા  ચહેરાની શોધમાં છે. બાન લેબના સર્વેસર્વા અને કદાવર કડવા પાટીદાર અગ્રણી મૌલેશભાઈ ઉકાણીને દિલ્હી લઈ જવાની તૈયારી ખૂદ ભાજપના  પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દર્શાવી છે. તેઓના આ નિવેદન પરથી એક વાત ફલીત થઈ જવા પામી છે. કે હવે મોહનભાઈ કુંડારિયાનાબદલે રાજકોટ બેઠક પર ભાજપ નવો જ  ચહેરો મેદાનમાં ઉતારશે. બીજી તરફ ગુજરાતના રાજયસભાના  સિનિયર સાંસદોને  ઘણા સમય પહેલા હાઈ કમાન્ડ દ્વારા લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા  પણ જણાવી  દેવામાં આવ્યું છે.

આવામાંજો સમય સંજોગો  જોવામાં આવે તો કેન્દ્રીય કેબીનેટ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા માટે રાજકોટ બેઠક સૌથી સલામત  હોવાનું મનાય રહ્યું છે. કડવા પટેલ સમાજને અન્ય કોઈ બેઠક પરથી ટિકિટ આપવાનું જોખમ ભાજપ ઉઠાવી શકે નહી આવું કરવામાં આવે તો ભાજપના  ઉમેદવારને જીતાડવા માટે ખૂબજ મહેનત કરવી પડે સાથોસાથ પાચ લાખની લીડનો  લક્ષ્યાંક કોઈ કાળે પૂરો ન થાય. રાજકોટ જિલ્લાની  વિધાનસભાની  તમામ આઠેય બેઠકો ભાજપ પાસેહોય આવામાં રાજકોટ બેઠક પરથીનવો ચહેરો  ઉતારવાનું  જોખમ  ભાજપ ઉઠાવી શકે છે.

પુરૂષોતમભાઈ રૂપાલા ભાજપના કાર્યકરો કે ગુજરાતની જનતા માટે  અજાણ્યું નામ નથી કારણકે તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂકયા છે.અને ઘણા સમયથી મોદી મંત્રી મંડળમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.તેઓને  રાજકોટમાંથી લડાવવામાં ભાજપને એક જ  વાતનો  વિચાર કરવાનો રહે છે કે, સૌરાષ્ટ્રના  રાજકારણના એપી સેન્ટર ગણાતા રાજકોટમાં આયાતી ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું જોખમ ભાજપ લેવા માંગેછે કે સંપૂર્ણ પણે સલામતી સાથે આગળ વધવા માંગે છે.બીજી તરફ કેન્દ્રીય  આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાને અમરેલી અથવા ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવું હલા લાગીરહ્યું છે.

રાજકોટ બેઠક માટે કડવા પાટીદાર સમાજના અન્ય ત્રણથી ચાર આગેવાનોના નામો પણ ચાલી રહ્યા છે. જેમાં મૌલેશભાઈ ઉકાણી ઉપરાંત  સ્ટેન્ડીંગ  કમિટક્ષના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સાપોવડિયા પરિવારના કોઈ સભ્યના નામોની ચર્ચા થઈ રહી છે. જોકે ભાજપમાં જયાં સુધી હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરવામાં ન  આવે ત્યાં સુધી કશું જ  નકકી  હોતું નથી. છેલ્લી ઘડી સુધી પ્રબળ દાવેદારો મનાતા આગેવાનોને  માર્ગદર્શક બનાવી ભાજપના  ઉમેદવારને  જીતાડવા માટે કામે લગાડી દેવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપને જે રીતે રેકોર્ડ બ્રેક લીડ મળી છે તે જોતા રાજયમાં સતત ત્રીજી વખત લોકસભાની  તમામ 26 બેઠકો જીતવી કોઈ મોટો પડકાર નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પાંચ લાખની લીડનો  ટારગેટ સેટ કરવામાં આવ્યો છે તેને નજર સમક્ષ રાખી ટકોરા મારી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. હજી ચૂંટણીના આડે છ મહિનાનો સમય બાકી છે. ચૂંટણી ટાંકણે  તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં  રાખક્ષ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

રાજકોટ લોકસભા બેઠક માટેના મજબૂત દાવેદારો

  • પુરૂષોતમભાઈ રૂપાલા
  • ડો દિપીકાબેન સરડવા
  • જગદીશ કોટડીયા
  • મોહનભાઈ કુંડારિયા
  • મૌલેશભાઈ ઉકાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.