Abtak Media Google News

સાહેદોના નામ જાહેર ન કરવાના કોર્ટના હુકમ છતાં ખંડણી આપનાર સાહેદોના નામ ઇન્કમટેકસ ખાતાને આપી ગુપ્તતાનો ભંગ કર્યો

જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ અને તેના 1પ સાગરીતો સામે ગુજસીટોકના કેસમાં સ્પેશ્યલ કોર્ટે વર્ષ 2020 માં હુકમ કરેલો હતો કે પ્રોસીકયુશનના દરેક સાહેદના નામ ગુપ્ત રાખવા જેથી આરોપીઓ સાહેદોની ડરાવી ધમકાવી પોતાની સામેનો કેસ નબળો ન પાડી શકે. આમ છતાં જયેશ પટેલના પત્ની ધૃતીબેન પટેલે આ સાહેદોના નામ ઇ.ડી. અને ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટને જણાવી તેઓ વિરુઘ્ધ કાર્યવાહી કરવા જણાવેલું હતું. આથી કોર્ટના હુકમનો અનાદર કરતા રાજકોટની ખાસ અદાલતે ધૃતીબેન પટેલ અને તેમના વકીલ ગીરીરાજસિંહ જાડેજા વિરુઘ્ધ કારણદર્શક નોટીસ પાઠવેલી છે.આ કેસની વિગત જયેશ પટેલે વેપારીઓ પાસેથી ખંડણીની કરોડો રૂપિયાની રકમ ઉઘરાવેલી હતી પરંતુ જયેશ પટેલના ડરના કારણે આ સાહેદો પોલીસ તપાસ દરમ્યાન ખંડણી બાબતે નિવેદન આપવા માટે હિંમત દાખવી શકતા ન હતા. આ સાહેદોના નામો ગુપ્ત રાખવાની બાંહેધરી મળતા તેઓએ ખંડણીની વિગતો અને ખંડણીની રકમો જણાવેલ હતી. આ મુજબની ગુપ્તતા જાળવવા માટે તપાસનીશ અમલદારે ખાસ અદાલત સમક્ષ અરજી આપેલ હતી જે હેઠળ અદાલતે સાહેદોના નામ કોઇપણ પ્રકારે જાહેર ન કરવાનો હુકમ કરેલો હતો. આ મુજબનો હુકમ હોવા છતાં ધૃતીબેન જયેશભાઇ પટેલે આ સાહેદોના નામો ઇ.ડી. અને ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટને વિગતો સાથે જણાવેલું હતું.જામનગરના ગુજસીટોકના કેસમાં સ્પે. પી.પી. એસ. કે. વોરા મારફત ખાસ અદાલત સમક્ષ અરજી રજુ કરી રજુઆત કરેલી કે હાલનો કેસ આરોપીઓ વિરુઘ્ધ ત્હોમતનામું ફરમાવવાના તબકકે છે ત્યારે ધૃતીબેન જયેશભાઇ પટેલે જે સાહેદોના જે નામો જાહેર કરેલા છે.કેસના સાહેદો નિર્ભયતાથી જુબાની આપવા હિંમત દાખવી શકશે નહી આ કારણે ધૃતીબેન પટેલ અને વકીલ ગીરીરાજસિંહ  જાડેજા વિરુઘ્ધ કોર્ટના હુકમના અનાદરની કાર્યવાહી કરવી અનિવાર્ય છે. ખાસ અદાલતના જજે સ્પે. પી.પી. ની રજુઆત અને અરજી તથા અગાઉનો ગુપ્તતાનો હુકમ વંચાણે લઇ કોર્ટના હુકમના અનાદર સબબ શા માટે કાર્યવાહી ન કરવી તે જણાવવા ધૃતીબેન પટેલ અને વકીલ ગીરીરાજસિંહ  જાડેજાને કારણદર્શક નોટીસ આપી પોતાનો જવાબ રજુ કરવા હુકમ ફરમાવેલો છે.આ કેસમાં સરકાર તરફે સ્પે. પી.પી. સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.