Abtak Media Google News

કહેવાય છે કે લોઢું ગરમ હોય ત્યારે તેના ઉપર હથોડો ઠોકીઐ તો તેને ધાર્યા પ્રમાણે વાળી શકાય. યુક્રેન-રશિયા યુધ્ધનાં કારણે યુરોપે રશિયા ઉપર પ્રતિબંધો લગાવ્યા બાદ યુરોપને પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે ભારત ભણી વહાણો લાંગરવા પડ્યા છે. ખેર આ મોકે ભારતને યુરોપમાં ધંધો વધારવાની તક મળે અને ભારત તે ઝડપી લે તો એમાં ખોટું પણ શું છે? અગાઉ કહ્યું તેમ લોઢું ગરમ છે ધાર્યા પ્રમાણે વાળી શકાશે..! ભારત તથા યુરોપ વચ્ચે દ્વિપક્ષીય વ્યવસાયિક સંબંધોનાં કરાર  લગભગ આઠ વર્ષથી માત્ર ચર્ચા હેઠળ હતાં જે વાટાઘાટ આગળ ચાલી નહોતી, હવે આ પ્રસ્તાવિત કરારોને આખરી ઓપ આપવા માટે ગત સપ્તાહે બન્ને દેશો વચ્ચે ફરી બેઠક શરૂ થઇ છે.

આમ તો યુરોપનાં 27 દેશોનાં સમુહ સાથે વ્યવસાયિક સંબંધો સુધારવા માટેનો મુસ્સદ્દો 2007 મા તૈયાર થયો હતો. જેમાં બન્ને દેશો વચ્ચે વ્યવસાય ઉપરાંત મુડરિોકાણનાં કરાર થવાના હતા. પરંતુ ઓટોમોબાઇલ તથા આલ્કોહોલ ઉપરની કસ્ટમ ડ્યુટી અને વ્યવસાયિકોની બન્ને દેશોમાં પ્રવાસ કરવાની સુવિધા જેવા મુદ્દાઓ ઉપર સુમેળ સાધી ન શકાયો એટલે ગૂંચ પડી હતી. 2013 માં આ કરારોનું કામ અટકી ગયું હતું. હવે નવેસરથી શરૂ થયેલી વાટાઘાટમાં ભારત પોતાને આધુનિક ટેકનોલોજી સાથે વિશ્વ સાથે જોડાવાની ઇચ્છા, તથા પોતાના દેશમાં મુડીરોકાણ વધારવાની દરખાસ્ત ઉપર ભાર આપશે. જો કે ભારતે આ વખતે એમ પણ ક્હયું છે કે દરેક વખતે સોદા માગણી અને ફાયદા માટે જ હોવા જરૂરી નથી હોતા. બન્ને દેશોની જનતાનાં લાભ થતા હોય અને અમને નુકસાન થતું ન હોય તો અમે કરાર કરવા તૈયાર રહીશું.

આમે ય તે યુરોપિયનો બોલવામાં મીઠાં પણ મતલબી હોય છે. તેઓ વર્ષોથી ભારતને વિશ્વની સૌથી ઝડપી વિકસી રહેલી ઇકોનોમી ગણાવે છે તથા  વૈશ્વિક ઇકોનોમીનાં વિકાસમાં ભારતનો રોલ બહુ મહત્વનો હોવાનું કબુલ કરે છે. ભારતનો ૠઉઙ વિકાસ આઠ ટકાના દરે થવાનું અનુમાન પણ મુકે છે પણ હજુ સુધી પોતાની જરૂરીયાતોમાં બાંધછોડ કરવા તૈયાર નહોતું. પરંતુ રશિયા-યુક્રને યુધ્ધનાં કારણે તેનો પુરવઠો ખોરવાા છેલ્લા થોડા મહિનામાં ભારતનો યુરોપ સાથેનો કારોબાર ઘણો વધ્યો છે.  2021-22 માં યુરોપમાં ભારતની નિકાસ 65 અબજ ડોલરની થઇ હતી જ્યારે આયાત આશરે 51.4 અબજ ડોલર ની રહી હતી. યુરોપનાં દેશો ભારતનાં ત્રીજા ક્રમનાં ટ્રેડિંગ પાર્ટનર છે. ભારતનાં કુલ વિદેશ વેપારમાં યુરોપનો હિસ્સો 10.8 ટકા જેટલો હોય છે. જ્યારે અમેરિકાનો હિસ્સો 11.6 ટકાનો હોય છૈ. તથા ચીનનો 11.4 ટકાનો હોય છે. જ્યારે નિકાસનાં મામલે યુરોપ અમેરિકાનાં 18.1 ટકાના હિસ્સા બાદ 14.9 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે રહે છે. જો કે ભારતની નિકાસ ચીનમા માત્ર 5.8 ટકા જેટલી હોય છે. તેથી ભારત પણ ચીનની સરખામણીઐ યુરોપ સાથે વ્યવસાય વધારવા વધારે ઉત્સુક રહે તે સ્વાભાવિક છે.

2021 માં ભારતીય સ્ટોક માર્કેટમાં યુરોપનું મુડીરોકાણ 87.30 અબજ ડોલરનું હતું જેના કારણે યુરોપ ભારતમાં મુડીરોકાણનાં મામલે ટોચ ઉપર હું આમછતાં ચીનમાં યુરોપનું રોકાણ   201 અબજ યુરોનું છે જે ભારત કરતાં બમણાથી પણ વધારે હોવાથી ભારતને આ હિસ્સો વધારવાની ઇચ્છા હોય તે પણ સ્વાભાવિક છે. જો આમ થાય તો વધુ યુરોપિયન કંપનીઓ ભારતમાં આવશે અને સ્થાનિક રોજગારમાં વધારો થશે. હાલમાં આશરે 6000 યુરોપિયન કંપનીઓ ભારતમાં છે જે 17 લાખ ભારતીયોને સીધી તથા 50 લાખ ભારતીયોને આડકતરી રોજગારી આપે છે.

ભારતનાં બાસમતી ચોખા, દાર્જિલિંગની ચા, મૈસુરનું સિલ્ક, કુલુની શાલ, અલ્હાબાદનાં સુરખા તથા કાશ્મીરનો મેવો મોટાપાયે યુરોપમાં વેચાય છે.  આ ઉપરાંત ભારત હવે એવી ઘણી વસ્તુઓ યુરોપને આપવા શક્તિમાન છે જે  અગાઉ યુરોપને રશિયા તરફથી મળતી હતી.

હાલમાં શરૂ થયેલી વાટાધાટ કદાચ બન્ને પ્રાંતો માટે આગામી એક દાયકાનાં કારોબારની દિશા નક્કી કરશે. કારણ કે ચીનનાં વધી રહેલા પ્રભૂત્વ અને યુરોપીયન દેશોમાં સતત ચાલતી રાજકિય અનિયમિતાનાં કારણે યુરોપ ભારત સાથે લાંબાગાળાની વ્યવસાયિક નીતિ ઘડવા માગે છે. હવે પછીની બીજી બેઠક નવી દિલ્હીમાં ભારતનાં યજમાન પદે 27 મી જુન થી 1 લી જુલાઇ-2022 દરમિયાન યોજાશે. વાટાઘાટોનો દૌર ચાલતો રહેશૈ. જો કે બન્ને દેશોનું લક્ષ્યાંક 2023 નાં અંત સુધીમાં કરારો ઉપર અમલ ચાલુ કરી દેવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.