Abtak Media Google News

નવી વિદેશ વેપાર નીતિમાં ઈ-કોમર્સ સંબંધિત નિકાસ પર વધુ ભાર મુકાશે!!

હાલ, દેશના એક ખુણેથી બીજે ખુણે ઓનલાઈન ડીલવરી થાય છે પરંતુ હવે આ ખ્યાલને વધુ વિસ્તારી વિદેશમાં પણ ઈ-કોમર્સ સર્વિસ શરૂ કરાશે!!

ઈ-કોમર્સ સંબંધિત નિકાસ ધમધમતા આત્મનિર્ભર ભારત ઝૂંબેશ વધુ વેગવંતી બનશે

સ્થાનિક ચીજ-વસ્તુઓની નિકાસની સાથે વ્યક્તિગત ઓનલાઈન ડીલવરી શરૂ થતા ઉત્પાદકો, વેપારીઓ અને સપ્લાયર્સને થશે મોટો ફાયદો

આજના ૨૧મી સદીના આધુનિક યુગમાં નવીનતમ ટેકનોલોજી વિકસતા ડીજીટલ સેવાઓનો વ્યાપ ખૂબ વધ્યો છે. બેંકીંગ, પોસ્ટલ, હોસ્ટિલીટી સહિતની મોટાભાગની સેવા ઘેર બેઠા મસમોટા કામ આંગળીના ટેરવે થતા થયા છે. આથી જ આજના આ ડિજીટલ યુગમાં ઓનલાઈન બિઝનેશ દીન પ્રતિદિન વધુ વર્ચસ્વ જમાવતો થઈ રહ્યો છે. ઓનલાઈન બીઝનેશને બીજા શબ્દોમાં ઈ-કોમર્સ કહી શકાય. આ ક્ષેત્રે રહેલી ઉજળી તકોને હડપી દેશનો વધુ ઝડપી સર્વાંગી વિકાસ કરવા સરકારે પણ ધ્યાન દોર્યું છે. આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૬ સુધીની નવી વિદેશ વેપાર નીતિમાં ઈ-કોમર્સ સંબંધીત નિકાસ પર વધુ ભાર મૂકાશે તેમ વેપાર-વાણીજય મંત્રાલયે જણાવ્યું છે. જે મુજબ, હવે ઓનલાઈન વેપાર દેશના સીમાડા વટાવી દેશે.

ઉલ્લેખનીય છે કે, ઈ-કોમર્સ બીઝનેશ અત્યારના સમયમાં પણ ચાલુ જ છે. આપણે ઓનલાઈન ખરીદ-વેચાણ કરીએ જ છીએ પરંતુ હાલ આ ખ્યાલ સિમિત છે.અત્યારે દેશના એક ખૂણેથી બીજા ખૂણે ઓનલાઈન ડીલવરી થાય છે.પરંતુ માત્ર દેશ પુરતુ જ સિમિત ન રાખી આ ખ્યાલને વધુ વિસ્તારી વિદેશમાં પણ ઈ-કોમર્સ સર્વિસ શરૂ કરાશે. ઓનલાઈન વેપાર દેશના સિમાડા વટાવી વિદેશોમાં પણ ધમધમશે. એટલે કે, અમેરિકા, લંડન, બ્રિટન વગેરે જેવા દેશોનાં કોઈપણ ખૂણે બેઠેલો ગ્રાહક ભારતના કોઈપણ ખૂણેથી જ ચીજ વસ્તુઓ ઓનલાઈન મંગાવી શકશે દા.ત., યુએસએનાં વર્જિનિયા સ્ટેટમાં કોઈ વ્યકિતને સૌરાષ્ટ્રની વખણાતી કોઈ ચીજ વસ્તુ મંગાવી હશે તો ઓનલાઈન ઓર્ડર કરી શકશે અને સૌરાષ્ટ્રના જે તે સ્થળેથી તેની ઓનલાઈન ડીલવરી કરાશે જમ અત્યારે એમેઝોન, ફલીપકાર્ટ, શોપીફાય જેવા ઈ-કોમર્સ જાયન્ટસના માધ્યમથી ઓનલાઈન ઓર્ડર અપાય છે. અને મુંબઈથી અમદાવાદ, તો અમદાવાદથી રાજકોટ, ઉત્તર ભારતથી દક્ષીણ ભારત, પૂર્વ ભારતથી પશ્ર્ચિમ ભારત એમ દેશભરમાં ચીજ વસ્તુઓ ઘેર બેઠા મળતી થઈ છે. એમ હવે, રાજકોટથી અમેરિકા વસ્તુ ઈ-કોમર્સ જાયન્ટસ થકી પહોચાડવી શકાય બનશે. સરકાર આ માળખા માટે આગામી નવી વિદેશ વેપાર નીતિમાં મહત્વની જોગવાઈઓ લાગુ કરવાની છે.

ઈ-કોમર્સના ખ્યાલને વધુ વિસ્તાર વિદેશોમાં પણ સંબંધીત નિકાસ કરવાની સરકારની વ્યુહરચનાથી સ્થાનિક ઉત્પાદકો, વેપારીઓ, સપ્લાયર્સને તો મોટો ફાયદો થશે જ પરંતુ આસાથે આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં પણ મદદ મળશે. ગુજરાત સહિત દેશભરની ચીજ વસ્તુઓની વિદેશોમાં વ્યકિતગત ઓનલાઈન ડીલેવરી થતા વિદેશી ભંડોળમાં વધારો થશે, ભારતની સ્થાનિક ચીજ-વસ્તુઓની બોલબાલા વિશ્ર્વભરમાં ગુજશે.

શું છે ઈ-કોમર્સ

આજની ડીજીટલ સેવાઓએ ખરીદ-વેચાણની પ્રક્રિયા અને વેપારની પધ્ધતિ જ બદલી નાખી છે. પ્રત્યક્ષ દુકાનોમાં જવાને બદલે ઈન્ટરનેટ દ્વારા ખરીદી કે વેચાણ કરવું અથવા ઓનલાઈન મની ટ્રાન્સફર કે ડેટા શેર કરવાએ ઈ-કોમર્સ છે.ટુંકમાં, ઓનલાઈન શોપીંગ એટલે ઈ-કોમર્સ, જેને ઈ-બીઝનેશ પણ કહી શકાય છે.

ઈ-કોમર્સના ફાયદા

  • *  ખરીદી માટે દુકાન કે કોઈ સ્થળ પર જવું પડતુ નથી.
  • * માલ-સામાનની પસંદગીની વિશાળ તકો,
  • * ઝડપી ખરીદી-વેચાણ
  • * સમયનો બચાવ
  • * ૨૪*૭ શોપિંગ

શા માટે સરકાર ઈ-કોમર્સ પર વધુ ભાર મુકી રહી છે

ડીજીટલ સેવાનો વ્યાપ વધતા ઈ-કોમર્સ બિઝનેશ ક્ષેત્રે ઘણી ઉજળી તકો રહેલી છે. ગ્રાહકોની વર્તુણક હવે, ઓનલાઈન તરફ વધુ ખેંચાઈ છે. આ તકને હડપી દેશના ઝડપી વિકાસ માટે સરકાર ઈ-કોમર્સ પર વધુ ભાર મૂકી રહી છે.ઈ-કોમર્સ સંબંધીત નિકાસના ખ્યાલથી ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ વેગવંતુ બનશે. આનાથી દેશની સ્થાનિક ચીજ વસ્તુઓની વૈશ્ર્વિક માંગનો ખરો ખ્યાલ સમજાશે. વિશ્ર્વના કયા ખૂણે ભારતીય ઉત્પાદનની માંગ વધુ છે તેને વ્યકિતગત રીતે સંતોષાશે આ વ્યુહરચનાથી ભારતનાં ઉત્પાદકો, વેપારીઓ અને સ્પલાયર્સને મોટો ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.