Abtak Media Google News

પ્રવાસ વાહનની તપાસણી પણ ફરજિયાત: અગાઉ અકસ્માત સર્જનાર ડ્રાઈવર વાહન ચલાવી નહીં શકે: વા.વ્ય. કમિશનરે પરિપત્ર જારી કર્યો

રાજયનાં આર.ટી.ઓ તંત્ર દ્વારા હવે કોઈપણ સ્કૂલ કે, કોલેજનાં શૈક્ષણીક પ્રવાસ વખતે આગોતરી મંજૂરી લેવાનું ફરજીયાત બનાવાયું છે. અને, આ અંગે રાજયનાં વાહન વ્યવહાર કમિશ્નર વી.પી.પટેલે રાજકોટ સહિત રાજયનાં દરેક આર.ટી.ઓ અધિકારીને પરિપત્ર જારી કરી તેનો ફરજીયાત અમલ કરાવવા આદેશ કર્યો છે.

આ અંગે વાહન વ્યવહાર ખાતાએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે, કે ગુજરાત રોડ સેફટી ઓથોરીટીએ અવલોકન કર્યું હતુ કે રાજયમાં તાજેતરમાં શૈક્ષણિક સંસ્થા તેમજ ટયુશન કલાસમાં અ્ભ્યાસ કરતા બાળકોને પ્રવાસમાં લઈ જતી વેળાએ ગંભીર માર્ગ અકસ્માતો થયા છે. દા.ત. તા.૨૫.૧૨.૧૮ના રોજ અમદાવાદની એક શાળાના બાળકોને ઉજજૈન ઓમકારેશ્ર્વરના પ્રવાસે લઈ જતી વખતે વિદ્યાર્થીઓ ભરેલી બસને ગોધરા પાસે માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૨૮ જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોચી હતી.

જયારે, કંડકટરનું મૃત્યુ થયું હતુ. આ બસ સ્લીપર પ્રકારની હતી. આ અકસ્માતમાં ૪૦ મુસાફરોની ક્ષમતાની સામે ૧૦૭ જેટલા મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. અને વળાંકમાં પણ બસ ડ્રાઈવર દ્વારા પૂરપાટ ઝડપે બસ ચલાવાતી હતી. તેવી હકિકતો ધ્યાનમાં આવી હતી. પોલીસ દ્વારા શાળા સંચાલકો, ડ્રાઈવર, બસ માલીક વિગેરે સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દુ:ખદ બનાવ અગાઉ સુરતના એક ટયુશન કલાસના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતી વેળાએ ડાંગમાં ગંભીર માર્ગ અકસ્માત થયો હોવાની હકિકત પણ ઓથોરીટીએ ધ્યાનમાં લીધી હતી.

આ તમામ હકિકતોની ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા કરી ઓથોરીટીએ અવલોકન કર્યું હતુ કે શૈક્ષણીક સંસ્થા કે ટયુશન કલાસ દ્વારા યોજાતા પ્રવાસમાં પૂરતી, કાળજી લેવાતી નથી. જેનો ભોગ વિદ્યાર્થીઓ બને છે. વિદ્યાર્થીઓ રાજય અને દેશનું ભવિષ્ય છે. એક પણ વિદ્યાર્થીનું મૃત્યુ થાય કે વિદ્યાર્થીને ઈજા થાય તે રાજય માટે ગંભીર બાબત છે. આવા પ્રવાસ વખતે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત થાય તે માટે ૧. શૈક્ષણીક સંસ્થા કે ટયુશન કલાસના સંચાલકો, ૨. વાહનના માલીક કે વાહનના નિયંત્રક કે વાહનના કબજેદાર કે ટ્રાવેલ્સ ઓપરેટર, ૩. વાહન અને ૪. વાહનના ડ્રાઈવર એમ ચારેય પરિબળોને જવાબદાર ગણવા જોઈએ. આથી ઓથોરીટીએ કાળજી પૂર્વકની ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે રાજયમાં શૈક્ષણીક સંસ્થા તથા ટયુશન કલાસ દ્વારા કે અન્ય કોઈપણ સંસ્થા કે વ્યકિત દ્વારા વિદ્યાર્થીઓ માટેના પ્રવાસના આયોજન વખતે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા આદેશો કર્યા છે.

જેમાં રાજયમાં શૈક્ષણીક સંસ્થા તથા ટયુશન કલાસ દ્વારા કે અન્ય કોઈપણ સંસ્થા કે વ્યકિત દ્વારા વિદ્યાર્થીઓ માટેના પ્રવાસના આયોજન વખતે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ર્ચિત કરવા ૧. શૈક્ષણિક સંસ્થા કે ટયુશન કલાસના સંચાલકો અને ૨. વાહનના માલીક કે વાહનના નિયંત્રક કે વાહનના કબજેદાર કે ટ્રાવેલ્સ ઓપરેટરોએ શૈક્ષણીક પ્રવાસ કરતા પહેલા, વાહનની યાંત્રિક તપાસણી સંબંધી આરટીઓ કચેરીના મોટર વાહન નિરીક્ષક દ્વારા ફરજીયાત પણે કરાવવી, તથા વાહનના સંબંધીત કાગળો જેવા કે વાહનનું ફીટનેશ સર્ટીફીકેટ, પરમીટ, પીયુસી, વિમો વિગેરે માન્ય વેલીડ છે. તથા ડ્રાઈવર અધિકૃત ડ્રાઈવીંગ લાયસન્સ તથા બેઝ ધરાવે છે. તે બાબત સુનિશ્ચિત કરવા સંબંધીત આરટીઓ કચેરીના મોટર વાહન નિરીક્ષક દ્વારા ફરજીયાતપણે તપાસણી કરાવવી.

સ્પીડ ગર્વનર, રીફલેકટીવ ટેપ વગેરે અંગેનાં નિયમોની જોગવાઈનું પાલન થયેલ છે કે, નહી તે સુનિશ્ચિત કરવું. આવી તપાસ કર્યા બાદ સંબંધીત આરટીઓ કચેરીના મોટર વાહન નિરીક્ષકને વાહન, વાહનના દસ્તાવેજ તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ અંગે સંતોષકારક પ્રમારપત્ર મળ્યું હોય તે સિવાયનું કોઈ પણ વાહન પ્રવાસમાં લઈ જઈ શકાશે નહી. તથા બસમાં બેઠક ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં નહી આવે.

રાત્રીનાં ૧૨ થી સવારના ૬ સુધી પ્રવાસ કરવામાં નહી આવે. જે ડ્રાઈવરો અકસ્માતમાં સંડોવાયેલા હોય તેમને વાહન ચલાવવા દેવામાં આવશે નહી. આ આદેશોનાં અનાદર અથવા તેના અમલીકરણમાં નિષ્ફળતા બદલ જવાબદારો સામે ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એકટ, ૨૦૧૮ની કલમ ૧૭ તેમજ કલમ ૨૩ હેઠળ દંડનીય પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.