Abtak Media Google News

૨૫ વર્ષથી જૂના અને ખખડધજ બિલ્ડિંગની જગ્યાએ ૭૫ ટકા રહેવાસીની સહમતિથી ‘રી ડેવલપ’ શક્ય

જર્જરીત મકાનોનાં પુન:નિર્માણ અથવા પુન: વિકાસ માટે જોગવાઈ કરતાં ગુજરાત સરકારનાં વિદ્યયકને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરીની મહોર મારવામાં આવી છે. એક તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર એક પણ વ્યકિત છત વિહોણો ન રહે તે માટે અથાગ પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજયની સંસ્થાનાં અધિકારીઓ બિલ્ડરો સાથે ભેદી સાંઠગાંઠ ધરાવતાં હોવાનાં કારણે સરકારનું આ સપનું અધુરું રહે છે.

પીપીપી યોજના હોય કે યોજના તમામમાં અધિકારીઓ ઘર વિહોણા ગરીબોનું નહીં પરંતુ લખ-લુંટ-અમીરાતમાં આળોટતા બિલ્ડરોનું જ હિત જોતા હોય છે. કેવાં નિયમો બનાવવામાં આવે તો બિલ્ડરોને વધુ મલાય મળે તે વિચારમાં સતત મગ્ન રહે છે. પરીણામે કેન્દ્ર સરકાર હોય કે રાજય સરકાર કોઈનું ગરીબોને આવાસ આપવાનું સપનું કે યોજના ૧૦૦ ટકા પરીપૂર્ણ થતી નથી.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માલિકી ફલેટ (સુધારા) વિદ્યયક-૨૦૧૮માં મકાનમાં પુન:નિર્માણ, પુન:વિકાસ માટેની વર્ષો જુનાં નિયમમાં સરળતા લાવવા માટે ગત તા.૧૯/૯/૨૦૧૮નાં રોજ વિધાનસભામાં વિદ્યયક પસાર કરવામાં આવ્યો હતો. અગાઉ એવો નિયમ હતો કે પુન: નિર્માણ કે પુન:વિકાસમાં ૧૦૦ ટકા મકાન માલિકો રાજી હોય તો જ યોજનાની અમલવારી થઈ શકતી હતી પરંતુ નવા નિયમમાં ફલેટના માલિકો, એપાર્ટમેન્ટનાં માલિકોનાં ૭૫ ટકા જેટલા સભ્યો સહમત હોય તો યોજના લાગુ કરી શકાય છે.

આ યોજનામાં સરકારનો મુખ્ય ધ્યેય એવો હતો કે, જર્જરીત મકાનો સમયસર પુન: નિર્માણ કે પુન: વિકાસ પામે તો તેમાં રહેનારા લોકો પર જીવનું જોખમ ઓછું થાય. આ વિદ્યયકને વિધાનસભામાં પસાર કરાયા બાદ તા.૯/૧૦/૨૦૧૮નાં રાજયપાલે મંજુરીની મહોર મારી આખરી અનુમતી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલ્યો હતો જેને ગત ૨૫મી એપ્રીલનાં રોજ રાષ્ટ્રપતિ દ્વારા અનુમતી આપવામાં આવી છે.

જર્જરીત મકાનોનાં પુન:નિર્માણ અથવા પુન:વિકાસ માટે જોગવાઈ કરતો સુધારો લોકો માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ અધિકારીઓ કાયદાનું ખોટુ અર્થઘટન કરી લોકોને સરળતા અને સુખાકારી માટે બનાવવામાં આવેલા કાયદાને એવો ભેદભરમભર્યો બનાવી દે છે કે તેનો ફાયદો લોકોને મળવાનાં બદલે બિલ્ડરોને મળે છે.

રાજકોટ સહિત રાજયમાં અમલમાં મુકવામાં આવેલી પીપીપી આવાસ યોજનામાં જેટલો લાભ ઝુંપડામાં વસવાટ કરતાં લોકોને નથી મળતો તેનાથી ૪ ગણો લાભ બિલ્ડરોને મળે છે. આ માટે સંપૂર્ણપણે સ્થાનિક સ્વરાજયની સંસ્થાનાં ઉચ્ચ અધિકારીઓની મિલીભગતની નીતિ જવાબદાર છે. યોજનાનું સરળીકરણ વાસ્તવમાં લાભાર્થીઓ માટે થવું જોઈએ પરંતુ બિલ્ડરનાં પડખે બેસનાર અધિકારીઓ બિલ્ડરને આ યોજનાથી શકય તેટલો વધુ લાભ કઈ રીતે થઈ શકે તેવું કરવામાં જ રચ્યા પચ્યા રહે છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પીપીપી આવાસ યોજનામાં ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતાં લોકો માટે જેટલી જમીનમાં પાકા એપાર્ટમેન્ટ ટાઈપ આવાસ બનાવવામાં આવ્યા છે તેનાથી અનેકગણી જમીન બિલ્ડરને ખુલ્લી મળી છે. આ માટે તંત્રની ભેદી નીતિ જ જવાબદાર છે.

રાજય સરકારની પીપીપી અને ત્યારબાદ હવે આવી રહેલી સ્કીમ વાસ્તવમાં લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. વર્ષો જુના અને જર્જરીત મકાનો જીવનાં જોખમતળે જીવતાં લોકોને યોજના હેઠળ પાકુ ઘરનું ઘર મળી રહે તેવી આ યોજના છે પરંતુ સરકારી અધિકારીઓ દ્વારા આ યોજનાને એવી સાપસીડી જેવી બનાવી દેવામાં આવશે કે તેનો ખરો લાભ લાભાર્થીને મળવાને બદલે બિલ્ડરને મળતો થઈ જશે. આવાસને લગતી તમામ યોજનામાં જાણે બિલ્ડરો સરકાર પર ઉપકાર કરી રહ્યા હોય તેમ નિયમોમાં ફેરફાર, એફએસઆઈમાં છુટછાટ સહિતની માંગણીઓ કરે છે અને અધિકારીઓ સહર્ષ બિલ્ડરોની આ માંગણીનો સ્વિકાર પણ કરી લે છે.

પીપીપી આવાસ યોજનાની વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત જે-તે સ્થળે ઝુંપડપટ્ટી ખાલી કરાવ્યા બાદ અન્ય સ્થળે રહેવા માટે લાભાર્થીને બિલ્ડર દ્વારા ભાડુ પણ ચુકવવામાં આવે તેવી સ્પષ્ટ જોગવાઈ છે પરંતુ બે-ચાર મહિના ભાડુ ચુકવ્યા બાદ અનેક કિસ્સાઓમાં બિલ્ડરોએ પોતાનાં હાથ ખંખેરી નાખ્યા હોવાની ઘટના પણ સામે આવી છે. સમયસર પીપીપી યોજના પુરી થતી ન હોવાનાં કારણે ગરીબોને દાઝયા પર ડામ પડતા હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક આવાસ યોજનાઓ મુકવામાં આવી છે. એક પણ કાગળ કે ડોકયુમેન્ટ ઓછું હોય તો લાભાર્થીને વારંવાર ધકકા ખવડાવતાં સરકારી અધિકારીઓ બિલ્ડરોને કરોડો-અબજો પ્રોજેકટ બિલ્ડરોની મનસુબી મુજબ ચરણે ધરી દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.