Abtak Media Google News

મેડિકલ પ્રવેશમાં હવે માત્ર ધોરણ-12 પાસ હોય પણ લાયક: અત્યાર સુધી ધોરણ-12માં 50% જરૂરી હતા, હવે માત્ર પાસ હોય પણ નીટના મેરિટના આધારે પ્રવેશ મળશે

નેશનલ મેડિકલ કમિશન દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ગેજેટમાં મેડિકલમાં પ્રવેશ, પરીક્ષા, પ્રેક્ટીસ સહિતના નવા નિયમો જાહેર કરાયા છે. જેમાં મેડિકલમાં પ્રવેશ માટે નીટ આપવા માટે હાલમાં ધોરણ-12માં 50 ટકા માર્ક્સ જરૂર છે. આ મર્યાદા હવે દૂર કરી દેવામાં આવી છે. ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-12માં માત્ર પાસ થયેલા કોઇપણ વિદ્યાર્થીઓ નીટ આપી શકશે. આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયા પણ કેન્દ્ર સરકાર હસ્તક કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા થનારા કાઉન્સેલીંગના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો પ્રમાણે હવે ધોરણ-12માં માત્ર પાસ હોય તેવા વિદ્યાર્થીઓ નીટ આપીને મેડિકલમાં પ્રવેશ માટે લાયક બની શકશે. અત્યાર સુધી કોઇપણ વ્યક્તિ નીટ આપી શકતા હતા પરંતુ મેડિકલમાં પ્રવેશ સમયે નીટ આપનારા વિદ્યાર્થીને ધોરણ-12માં 50 ટકા છે કે નહિં તેની ચકાસણી કરવામાં આવતી હતી. જો વિદ્યાર્થીને 50 ટકા ન હોય તો તે પ્રવેશ માટે લાયક ગણવામાં આવતા ન હતા. હવે પછી નવી વ્યવસ્થામાં માત્ર નીટ પાસ થયા પછી ધોરણ-12માં 50 ટકા છે કે નહિં તેની કોઇ ચકાસણી થશે નહિં. માત્ર પાસ હોય તો પણ તેને માન્ય કરી દેવામાં આવશે. આમ મેડિકલમાં પ્રવેશ માટે ધોરણ-12માં 50 ટકાની મર્યાદા કાઢી નાંખવામાં આવી છે.

આજ રીતે પ્રવેશની પ્રક્રિયા હવે માત્ર કેન્દ્ર સરકાર હસ્તક જ કરવામાં આવશે. એટલે કે હાલમાં રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા જ કરવામાં આવશે. કોમન કાઉન્સેલીંગ એનએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી સીટ મેટ્રીક્સના આધારે કરવામાં આવશે. કોઇપણ કોલેજ આ પ્રક્રિયા સિવાય આ મેડિકલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવે તો તેના સામે કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

વિદ્યાર્થી ઇન્ટનશીપ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ પહેલા વર્ષ પછી કોલેજ ટ્રાન્સફર માટે અરજી કરી શકતા હતા. તે પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે એટલે કે એક મેડિકલ કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ બીજી કોલેજમાં જવા માટે માઇગ્રેશનની માંગણી કરી શકશે નહિં. આમ મેડિકલમાં જાહેર કરાયેલા નવા નિયમોના કારણે મેડિકલ અભ્યાસમાં દુરોગામી અસર પડે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.