Abtak Media Google News

આવેલી સમસ્યાને તકમાં તબદીલ કરવાનું કોઇ મોદીજી પાસેથી શીખે..! પુલવામાનો ત્રાસવાદી હુમલો તાજો દાખલો છે.હુમલા વખતે સરકારની નાલેશી થઇ રહી હતી અને આજે માત્ર એક પખવાડિયામાં વાહ.. વાહ થઇ રહી છે.હવે ૧૦ દિવસમાં ચૂંટણીઓ જાહેર થશે.

સરકારનાં અગાઉના સર્વે પ્રમાણે જેટલી સીટો ઘટવાની હતી તેટલી હવે પાકિસ્તાનને નીચુ નમાવ્યા બાદ પાછી NDAના ખાતામાં પાછી આવી જશે એવી ગણતરી NDAવાળા કરી રહ્યા છે. હવે સરકાર RBIમારફતે ડિવીડન્ડ મેળવશે. અને માર્કેટમાં લિક્વીડિટી લાવશે. ભલે ૨૦૦૪ ની જેમ ફીલ ગુડ નો પ્રચાર ન થાય પણ લોકોને તેનો અહેસાસ જરૂર કરાવાશે.

વિકાસની વાત કરીએ તો સરકાર હમણાં એ મુદ્દાનો GDPના મામલે બહુ પ્રચાર કરી શકે તેમ નથી. કારણ કે ઓક્ટોબર-૧૮ થી ડિસેમ્બર-૧૮ ના સમયગાળામાં GDP ઘટીને ૬.૬ ટકા આવ્યો છે. પરિણામે આ વર્ષનો GDPમાંડ ૭.૦ ટકા કે વધીને ૭.૨ ટકા આવી શકે છે. કૄષિ અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો દર નીચો રહ્યો હોવાથી ઇકોનોમીની ગાડી ધીમી પડી છે.

આવા સંજોગોમાં વ્યાજ દરમાં ઘટાડો કરીને નાણાનો પ્રવાહ વધારવો કે કેમ એ વિચારવું પડે તેમ છે. જો કે સરકારને હાલમાં વિકાસની નહીં વિકાસના નામે વોટની ચિંતા છે. તેથી વિકાસ થયો હોય કે નહીં પણ દેખાડવો અને તેનો કામચલાઉ પણ અનુભવ કરાવવો જરૂરી છે. કદાચ આજ કારણ છે કે મોટા ભાગની સરકારી તથા પ્રાઇવેટ બેંકોએ ૧ માર્ચ-૧૯ થી બેંક રેટમાં ૦.૧૦ ટકા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે.

નબળા પરિબળો વચ્ચે દેશની ઇકોનોમી FY૨૦૧૯-૨૦ માં પ્રવેશી રહી છે. ક્રુડતેલના ભાવ ૬૫ ડોલરની સપાટીએ કંટ્રોલમાં હોવા છતાં પણ..! વ્યાજના દર પણ નીચા છે. એક માત્ર સારા સંકેત છે કેપેક્ષ સતત સુધારો દેખાડે છે.જે FY ૧૯-૨૦ માં GDP૭.૩ ટકા થી વધારે લઇ જઇ શકે છે. ફૂગાવો અગાઉના પ્રોજેક્શન કરતાં નીચો છે તેથી એપ્રિલ મહીના પહેલા એટલે કે ચૂંટણીઓ વખતે જ હજુ ૦.૨૫ ટકા સુધીનો વ્યાજદરનો ઘટાડો આવી શકે છે.

માથે ચૂંટણી હોય ત્યારે ઇકોનોમિસ્ટોનું પોલિટીકલ લોબીંગ ચાલે તે પણ સ્વાભાવિક છે. મોદીજીની નીતિઓ થી ખુશ અર્થશાસ્ત્રીઓ એકતરફ કબુલે છે કે આંકડા ભલે ઉત્સાહજનક નથી પણ દેશનો એકંદર વિકાસ ૭.૦ ટકા જેટલો રહે એટલે વાંધો નથી. કારણકે આ આંકડો ભારતને વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકસી રહેલી ઇકોનોમી તરીકે માન્યતા આપે છે.સામાપક્ષે વૈશ્વક સ્તરે ઇકોનોમી ડાઉન જઇ રહી છે.

ભારત માટે એક પોઝીટીવ સંકેત એ પણ છે કે સરહદે ઉભી થયેલી તનાવની પરિસ્થિતી વધુ આર્થિક નુકસાન વિના થાળે પડી રહી છે.જે આગામી વર્ષના GDP માટે લાભદાયક સાબિત થઇ શકે. મોદીજીને તેનો લાભ તો જ મળે જો તેમની સરકાર ફરી સત્તા પર આવે..! બીજીતરફ સરકારની નીતિનો વિરોધ કરનારાઓ કહે છે કે છેલ્લા પાંચ ત્રિમાસિકમાં આ સૌથી નીચો વિકાસ દર હોવાથી ચૂંટણીઓમાં તેની વિશેષઅસર પડી શકે છે.

પણ તેમનો આ તર્ક NDA ની પ્રચાર નીતિ ચાલવા નહી દે. કારણ કે GDPની અસર દરેક દેશવાસીના ખિસ્સાને પડતી હોવા છતાં આમજનતાને તેના ગણિતની વિશેષ જાણકારી નથી. ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રુપિયા જમા થયા છે. મધ્યમ વર્ગીયોને હોમ કે કાર કે વ્હીકલ લોન સ્સતી થાય, બાકી હોય તો બજારમાં રૂપિયા ફરતા થાય એટલે વેપારીઓ પણ રાહત અનુભવે એટલે GDPનાં આંકડા કામચલાઉ ભુલાઇ જાય એવું પણ બને. અને સરકારની આજ રણનીતિ છે.

ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગત વર્ષના ૫.૭ ટકાથી  ઘટીને ૨.૪ ટકાના નીચલા સ્તરે પહોંચ્યો વિરોધિઓનો દાવો છે તો સરકાર રોજગારી વધી હોવાનો દાવો કરીને પીઠ થાબડવાના પ્રયાસ કરવાની છે.ટૂકમાં કહીએ તો વિકાસના નામનું હુકમનું પત્તું જો જોકર સાબિત થતું હોય તો તેને ઉતરવાને બદલે દેશભક્તિ અને સુરક્ષાને હુકમનું પત્તું બનાવી દેવાની આ વ્યુહરચના છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.