Abtak Media Google News

સૂચિત સોસાયટીઓ રેગ્યુલાઈઝડ કરી પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં રાજકોટ અવ્વલ

સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લાની નમુનેદાર કામગીરી: હવે સૂચિત સોસાયટીના રહીશોને લોનનો માર્ગ મોકળો

રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં આવેલી સુચિત સોસાયટીઓની મિલકતોને રેગ્યુલાઈઝડ કરવાની કાર્યવાહી અંતર્ગત સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી નમુનારૂપ બની છે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હવે સુચિત મિલકત ધારકોને કમ્પાઉન્ડ ફી ભર્યા બાદ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યાં છે જેથી તેઓને હવે બેંક લોન મળવાનો માર્ગ મોકળો બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજય સરકાર દ્વારા ખાસ વટહુકમ બહાર પાડી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં આવેલી સુચિત સોસાયટીઓની રહેણાંક હેતુની મિલકતોને રેગ્યુલાઈઝડ કરવા કાર્યવાહી હાથ ધરી છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં જે જે સુચિત મિલકત ધારકોએ કમ્પાઉન્ડ ફી ભરી છે તેઓને ફટાફટ પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુચિત સોસાયટીમાં મિલકત ધરાવતા લોકોને કમ્પાઉન્ડ ફી ભર્યા બાદ સોફટવેરના બહાના હેઠળ સિટી સર્વે વિભાગ દ્વારા પ્રોપર્ટી કાર્ડ કાઢી દેવામાં આવતા ન હતા. તેવામાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સિટી સર્વે વિભાગને તાકીદ કરી પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું શરૂ કરતા હાલમાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજયમાં સુચિત મિલકતો રેગ્યુલાઈઝડ કરવાની કાર્યવાહીમાં અવ્વલ બન્યો છે.

વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, સુચિત સોસાયટીમાં મિલકત ધરાવતા લોકોની મિલકત હવે કાયદેસર બનતા તેઓને બેંક લોન મળી શકે તે માર્ગ પણ મોકળો બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.