Abtak Media Google News

કોરોના વિદ્યાર્થીઓનું ભાવિ બદલી નાખશે?

શિક્ષણના ૨૨૦ દિવસોમાંથી ૧૦૦ દિવસો સ્કૂલે રહી, ૧૦૦ દિવસો ઘરે રહી છાત્રોને શિક્ષણ અપાશે: ૨૦ દિવસો ડોકટર અને કાઉન્સીલર માટે ફાળવાશે

કોરોના મહામારીના પગલે વિદ્યાર્થીઓના શિક્ષણનું ભવિષ્ય કંઈક જુદુ જ હોઈ શકે છે. કોરોના મહામારીના કારણે સમગ્ર શિક્ષણ મોડલ જ બદલાવવાની તૈયારી થઈ છે. હવે સ્કૂલોમાં ૫૦ ટકા છાત્રોની હાજરીથી કામ ચલાવી લેવા તખ્તો ગોઠવાયો છે. અત્યાર સુધી ૨૨૦ દિવસો-૧૩૨૦ કલાકનો અભ્યાસ સ્કૂલોમાં થતો હતો. હવે આ મોડલના સ્થાને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલય નવું મોડલ અમલમાં મુકવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સ્કૂલમાં ૧૦૦ દિવસ – ૬૦૦ કલાકનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ બાકીના ૧૦૦ દિવસો – ૬૦૦ કલાક ઘરે રહીને જ અભ્યાસ કરવાનો થશે.

બાકીના વધતા ૨૦ દિવસો એટલે કે, ૧૨૦ કલાકમાં ડોકટર અને કાઉન્સીલર માટેનો સમય ફાળવાશે. બાળકની સંવેદના સમજવા આ સમયનો ઉપયોગ થશે. નવા સ્ટડી ફ્રોમ હોમ મોડલનને અપનાવવામાં કેટલાક પડકારો પણ છે. જેમ કે, ઘરનું વાતાવરણ અનુકુળ બનાવવું પડશે. નવા કોર્ષની ડિઝાઈન કરવી પડશે. કેટલીક શાળાઓને અત્યાધુનિક શાળાને વાઘા પહેરાવવા પડશે.

સ્થળાંતરિત બાળકોનું શિક્ષણ: સામાન્ય રીતે વર્ષોથી સેન્ટ્રલ સ્કૂલનો કોન્સેપ્ટ અમલમાં હતો. જ્યારે તે સરકારી અધિકારીનું ટ્રાન્સફર થાય ત્યારે તેના બાળકોની સ્કૂલ બદલાય તો તેને અભ્યાસમાં વધુ વિઘ્ન ન પડે. આવી જ રીતે હવે એકંદર અભ્યાસક્રમ પણ એક સરખો થઈ શકે છે. સ્થળાંતરીતોના બાળકોને સ્ટડી ફ્રોમ હોમનો લાભ લેવામાં અનુકુળતા રહેશે.

અભ્યાસક્રમમાં સુધારો: આ સાથે જ શૈક્ષણિક વર્ષમાં પણ કેટલાક ફેરફાર આવે તેવી શકયતા છે. પેન અને પેપર આધારીત અભ્યાસક્રમના સ્થાને વિદ્યાર્થીઓ તણાવમાં ન આવે તેવી રીતે રોલ પ્લેઈંગ, ક્વિઝ, પ્રેઝન્ટેશન સહિતના આધારે શિક્ષણ આપવામાં આવશે. બાળકોનું સ્ટ્રેસ લેવલ ઘટાડવા માટે નવી શિક્ષણ પદ્ધતિમાં ખાસ જોગવાઈ કરવામાં આવશે.

હાજરી: માનવ સંશાધન મંત્રાલય દ્વારા ઘડાયેલા તખ્તામાં એક સમયે માત્ર ૩૦ થી ૫૦ ટકા જ વિદ્યાર્થીઓ હાજર રહે તેવી દરખાસ્ત થઈ છે. સ્કૂલને બે શિફટમાં ચલાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. જે બાળકો ધો.૧ થી ૫માં ભણતા હોય તેમને અઠવાડિયામાં બે વખત સ્કૂલે જવાનું રહેશે. જ્યારે ૬ થી ૮ ધોરણમાં ભણતા બાળકને ૨ થી ૪ વખત અને ધો.૯ થી ૧૨માં ભણતા બાળકને ૪ થી ૫ વખત સ્કૂલે જવાનું રહેશે. સામાન્ય રીતે એક પીરિયડ ૪૫-૪૬ મિનિટનો રહે છે. હવે તે ઘટાડી ૩૦ મિનિટનો કરવાની દરખાસ્ત થઈ છે.

શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ: શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓને લાવવા, મુકી જવા માટેના વાહનો, રમતના મેદાનોમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. મધ્યાહન ભોજન માટે અલગથી ગાઈડ લાઈન થોડા સમયમાં બહાર પાડવામાં આવશે. જેમાં હળદરથી સાફ કરેલા શાકભાજી, મીઠાના પ્રમાણ અને રસોઈ બનાવનાર રસોયા તેમજ હેલ્પરનું થર્મલ સ્ક્રીનીંગ કરવા સહિતની જોગવાઈ થઈ શકે છે. હોસ્ટેલમાં ટેમ્પરરી પાર્ટીશનની પદ્ધતિ અપનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.