Abtak Media Google News

બે વર્ષના ખોટા વેચાણ વ્યવહારો બતાવી સાત કરોડથી પણ વધુ રકમના બોગસ બિલોનું કોૈભાંડ આચર્યુ : વેપારી સામે નોંધાતો ગુનો

તા. ૨: શહેરના ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં રહેતાં અને ટાગોર માર્ગ પર જે. પી. ટાવરમાં આવેલી ઓફિસના સરનામે નટબોલ્ટનો વેપાર કરતાં વેપારીએ વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫માં વેંચાણ વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી કાયદાની જોગવાઇનો ભંગ કરી રૃા. ૭,૪૭,૧૮,૫૫૪નો વેરો ગેરકાયદે ઉઘરાવી કરચોરી કરી સરકાર સાથે છેતરપીંડી કર્યાનો ગુનો નોંધાતા કરચોરી કરનારાઓમાં ડર નો માહોલ છવાઈ રહ્યો છે.

Advertisement

આ બારામાં બહુમાળી ભવનમાં આવેલી સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી ઘટક-૨ યુનિટ ૮૯માં રાજ્ય વેરા નિરિક્ષક (ઇન્ચાર્જ) તથા વેરા નિરિક્ષક તરીકે ફરજ બજાવતાં મધુબેન કિશોરભાઇ દુધાત્રા (રહે. ગવર્નમેન્ટ કવાર્ટર કાલાવડ રોડ)ની ફરિયાદ પરથી ગોંડલ રોડ વિજય પ્લોટમાં રહેતાં અને ટાગોર રોડ જે. પી. ટાવરમાં મે. નિલકંઠ સેલ્સ કોર્પોરેશન નામે ઓફિસ નં. ૨૧૯માં બેસી ધંધો કરતાં ગોવિંદભાઇ જીતેન્દ્રભાઇ પંચાલ સામે ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમ ૮૫ (૧) (છ) તથા ૮૫ (૨) (૮) મુજબ નટ બોલ્ટના ફેર વેંચાણ અંગેની નોંધણી કરી વેંચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી તેમાં વેરો ઉઘરાવી વેટ કાયદાની જોગવાઇની ભંગ કરી રૂ.૭,૪૭,૧૮,૫૫૪નો વેરો ગેરકાયદેસર ઉઘરાવી કરચોરી કરી સરકાર સાથે છેતરપીંડી કરવા સબબ ગુનો નોંધ્યો છે. વેરા નિરિક્ષક અધિકારી એમ. કે. દુધાત્રાએ ફરિયાદમાં આગળ જણાવ્યા મુજબ ગોંડલ રોડ પર વિજયપ્લોટના ગોવિંદભાઇ પંચાલ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવા અરજી આપી હતી તેના અનુસંધાને પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગોવિંદભાઇ પંચાલને જે. પી. ટાવરમાં ઓફિસ નં. ૨૧૯માં મે. નિલકંઠ સેલ્સ કોર્પોરેશન નામે ધંધો છે. તેમાં બેસી તે નટ બોલ્ટનો વેપાર કરે છે. આ વેપારી વિરૂધધ કાર્યવાહી કરવા અમારી કચેરીના રાજ્ય વેરા ઘટક-૨ યુનિટ-૮૯ રાજકોટના શ્રી એમ. સી. ફુલતરીયાના આદેશથી જાવક નં. ૨૨૩૩ તા. ૧૦/૫/૧૮થી કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ વેપારીના ઉપરોકત ધંધાના સ્થળે ૨૯/૧૦/૧૭ના રોજ આકારણી આદેશ તથા માંગણાની નોટીસ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.

તે વખતે ધંધાની જગ્યા બંધ હતી અને માલિક ગોવિંદભાઇ પંચાલ એ સ્થળે મળી આવ્યા નહોતાં. તાળુ મારેલુ હતું. આજુબાજુમાં પુછતાછ કરતાં કોઇ વિગતો મળી નહોતી. આમ છતાં ધંધાના સ્થળે કોઇ પણ પ્રકારનો ધંધો કરતાં હોવાનું માલુમ પડ્યું નહોતું. તેમજ ધંધાના સ્થળે કોઇપણ પ્રકારના ધંધાનું અસ્તિત્વ પણ જણાયું નહોતું. તપાસ થતાં તેણે માત્ર બિલીંગ પ્રવૃતિ આચરી સરકારી આવકને નુકસાન કરવાનું કૃત્યુ કર્યાનું જણાયું હતું. નોંધણી નંબર મેળવ્યા બાદ કાયદાની કલમ ૨૯ હેઠળ પત્રકો ભરવા માટે જવાબદાર હતાં. નોંધણી નંબર મેળવ્યા બાદ ઓનલાઇન પત્રકો તથા વેટીસના રિવર્સ રિપોર્ટના આધારે વર્ષ ૨૦૧૩-૧૪ના સમય દરમિયાન ભરેલા પત્રકોમાં ખરીદ વેંચાણના વ્યવહારો ખરેખર કર્યા ન હોવા છતાં કુલ રૃા. ૧૫,૬૩,૯૬,૭૮૦ના વેંચાણો દર્શાવી (ઉપજાવી) તેના બીલમાં કુલ રૃા. ૭,૭,૯૪,૮૩૮નો વેરો ગેરકાયદેસર ઉઘરાવ્યાનું માલુમ પડ્યું હતું.

તેમજ વર્ષ ૨૦૧૪-૧૫ના સમયમાં ૮૯૧૦૩૮૫૫૦ના વેંચાણો દર્શાવી તેના બીલમાં કુલ રૃા. ૨૯૫૫૧૯૩૯નો ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવ્યો હતો. આમ તા. ૧-૪-૧૩ થી ૩૧-૩-૨૦૧૫ સુધીમાં આ વેપારીએ ખરીદ વેંચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી તેમાં વેરો ઉઘરાવી વેટ કાયદાની જોગવાઇનો ભંગ કરી દંડ સહિત કુલ રૂ. ૭,૪૭,૧૮,૫૫૪ની વસુલાત વેપારીઓ પાસેથી બાકીમાં છે. આમ આ વેપારીએ કરોડોની કર ચોરી કરી હોઇ તેની સામેં ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવાઇ છે.પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.