Abtak Media Google News

અગાઉ ૪ વખત રૂલ લેવલ જાળવવા ન્યારી ડેમનાં દરવાજા ખોલાયા હતા: પ્રથમ વખત ૨૫.૧૦ ફુટની પૂર્ણ ક્ષમતાથી ડેમ ભરાશે

ન્યુ રાજકોટની જળજરૂરીયાત સંતોષતો અને મહાપાલિકાની માલિકીનો એકમાત્ર ન્યારી ડેમ ૯૭ ટકા જેટલો ભરાઈ ગયો છે. આજ સાંજ સુધીમાં ડેમ ગમે ત્યારે ઓવરફલો થાય તેવી સંભાવના જણાઈ રહી છે. અગાઉ ૪ વખત રૂલ લેવલ જાળવવા માટે ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમની સંગ્રહશકિત વધારાયા બાદ પ્રથમ વખત ન્યારી ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવામાં આવશે.

મહાપાલિકા અને સિંચાઇ વિભાગનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલો મહાપાલિકાની માલિકો એકમાત્ર ડેમ એવો ન્યારી-૧ સંગ્રહશકિતનાં ૯૭ ટકા જેટલો ભરાઈ ગયો છે. ૨૫.૧૦ ફુટે ઓવરફલો થતા ન્યારી ડેમની સપાટી હાલ ૨૪.૯૩ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો થવામાં માત્ર ૦.૧૭ ફુટ જ બાકી રહ્યું છે. પાણીની ધીમીધારે આવક ચાલુ છે. આજ સાંજ સુધીમાં ડેમ ગમે ત્યારે ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. ન્યારી-૧ ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે જોકે ગત વર્ષે ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવાની મંજુરી આપવામાં આવી ન હતી. આ વખતે ડેમ પૂર્ણ ક્ષમતાથી ભરવાની મંજુરી આપવામાં આવી છે. ઓગસ્ટ માસમાં પડેલા અનરાધાર વરસાદમાં ન્યારી ડેમમાં પાણીની ધોધમાર આવક થવા પામી હતી પરંતુ સિંચાઈ વિભાગનાં નિયમ મુજબ રૂલ લેવલ જાળવવા માટે ૪ વખત ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું. આજે બપોરે ન્યારી ડેમ પોતાની સંગ્રહશકિતનાં ૯૭ ટકા જેટલો ભરાઈ જતા ડેમ સાંજ સુધીમાં ગમે ત્યારે ઓવરફલો થાય અને ફરી ડેમનાં દરવાજા ખોલવા પડે તેવી સંભાવના જણાતા હેઠવાસનાં ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતો આજી, ન્યારી-૨, લાલપરી ડેમ ઓવરફલો થઈ ગયા છે. ન્યારી-૧ ડેમ ૯૭ ટકા ભરાઈ ગયો છે. આમ શહેરનું જળસંકટ મહદઅંશે હલ થઈ ગયું છે. એકમાત્ર ભાદર ડેમ ૫૫ ટકા જ ભરાયો છે જોકે તેને રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાનાં પાણીથી ભરવામાં આવી રહ્યો છે. આ વર્ષે રાજકોટવાસીઓએ પાણીની કોઈપણ પ્રકારની હાડમારી વેઠવી નહીં પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.