Abtak Media Google News

મધરાતથી શહેર અને આસપાસનાં વિસ્તારોમાં વરસી રહેલા અનરાધાર વરસાદનાં કારણે સવારે ૧૦નાં ટકોરે આજી ડેમ છલકાયો: કોર્પોરેશનનાં પદાધિકારીઓએ કર્યા નવા નીરનાં વધામણા: ડેમમાં વિશાળ જળરાશી નિહાળવા માટે શહેરીજનો ઉમટયા: ભારે આહલાદક નજારો

રાજકોટ વાસીઓને જેનાં પ્રત્યે અનન્ય લાગણી છે અને શહેરની જીવાદોરી જેને ગણવામાં આવે છે તે આજીડેમ ૨ વર્ષ બાદ આજે ઓવરફલો થતાં શહેરમાં ઘેર-ઘેર જાણે લાપસીનાં આંધણ મુકાયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મધરાતથી રાજકોટ અને આસપાસનાં વિસ્તારોમાં વરસેલા વરસાદનાં કારણે સવારે ૧૦નાં ટકોરે આજીડેમ ૦.૫ ઈંચથી ઓવરફલો થતાં શહેરીજનોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. ડેમ બન્યા બાદ આજે ૧૨મી વખત ઓવરફલો થતાં  મહાપાલિકાનાં પદાધિકારીઓએ આજીમાં નવા નીરનાં વધામણા કર્યા હતા. ડેમમાં વિશાળ જળરાશી નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડયા હતા.

મહાપાલિકા અને સિંચાઈ વિભાગનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા અને વર્ષ ૧૯૫૭-૫૮માં બનેલો આજીડેમ ગત ૩૦ જુલાઈ ૨૦૧૭નાં રોજ છેલ્લે ઓવરફલો થયો હતો. ગત વર્ષે અપુરતા વરસાદનાં કારણે ડેમમાં સંતોષકારક પાણીની આવક પણ થવા પામી ન હતી જોકે રાજય સરકારે સૌની યોજના અંતર્ગત સતત ૪ વખત ડેમમાં નર્મદાનું પાણી ઠાલવ્યું હતું. ગઈકાલે મધરાતથી રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનાં કારણે આજીડેમમાં પાણીની અનરાધાર આવક થવા પામી હતી. આજે સવારે ૧૦નાં ટકોરે આજી ડેમ ઓવરફલો થઈ ગયો હતો અને આ લખાય રહ્યું છે ત્યારે પણ ડેમ ૦.૫ ઈંચથી ઓવરફલો થઈ રહ્યો છે. ડેમનાં પાળા પરથી જે રીતે પાણી વહી રહ્યું છે તે નજારો ખરેખર ઐતિહાસિક છે. ડેમ ઓવરફલો થવાનાં કારણે હેઠવાસમાં આવતા બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી સહિતિંનાં ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ ડેમમાં ૧૧૫૭ કયુસેક પાણીની આવક છે જોકે આજી ડેમ પર એક પણ દરવાજો ન હોય ડેમમાં પાણીની જેટલી આવક છે તેની તેટલી જ જાવક છે. નદી કાંઠાનાં વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સલામત સ્થળે ઘસી જવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આજીડેમ ઓવરફલો થતા કોર્પોરેશનનાં પદાધિકારીઓએ નવા નીરનાં વધામણા કર્યા હતા. ડેમમાં વિશાળ જળરાશી નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.