Abtak Media Google News

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનીયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા તેમજ ફાર્મસી અભ્યાક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ફરજિયાત રીતે લેવાતી ગુજકેટ પરીક્ષાની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી છે. ૩૧ માર્ચના ૨૦૨૦ના રોજ ગુજકેટ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે ગુજકેટની તારીખની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ગુજકેટની પરીક્ષા ૩૧ માર્ચ ૨૦૨૦ના મંગળવારના રોજ સવારે ૧૦થી સાંજના ૪ કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો પર યોજવાનો નિર્ણય બોર્ડે કર્યો છે.

ગુજકેટ માટેના આવેદનપત્ર ભરવાની માહિતી પુસ્તિકા ઓનલાઈન મૂકવામાં આવશે તેમ બોર્ડે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ આવેદનપત્ર સાથે ફી રૂ.૩૦૦ ઓનલાઈન ભરવાના રહેશે.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ગ્રુપ-એ, ગ્રુપ-બી તેમજ ગ્રુપ-એ,બી ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટ પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. શિક્ષણ બોર્ડે ૨૦૧૭થી ગુજકેટને ફરજીયાત બનાવી છે. આ કોમન એન્ટ્રસ ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે મેરિટ પર વિદ્યાર્થીઓને રાજ્યમાં વિવિધ એન્જિનીયરિંગ ડિગ્રી અને ડિપ્લોમા તેમજ ફાર્મસી બેઠકો પર પ્રવેશ ફાળવવમાં આવે છે.

બોર્ડે જણાવ્યા મુજબ ગુજકેટમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું ૪૦-૪૦ પ્રશ્નોનું એટલે કે કુલ ૮૦ પ્રશ્નોનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું તેટલા જ માર્કટનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. સંયુક્ત પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીઓને ૧૨૦ મિનિટનો સમય ફાળવાશે જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતના પેપર માટે ૬૦ મિનિટ (એક કલાક)નો સમય ફાળવાશે. ઓએમઆર આન્સર શિટ પર વિદ્યાર્થીઓએ પોતાના જવાબો લખવાના રહેશે અને પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.