Abtak Media Google News

અંતે જી.ટી.યુ.ના કુલપતિ તરીકે ડો. નવીન શેઠને રજા અપાઇ નવા  ઇન્ચાર્જ કુલપતિ તરીકે પંકજ પટેલની નિમણુંક

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠની મુદ્ત આજે પૂર્ણ થતા તેમના સ્થાને યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર પંકજ પટેલને કુલપતિ તરીકેનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. નવા કુલપતિની નિમણૂંક થાય અથવા તો સરકાર આગળનો આદેશ કરે ત્યાં સુધી તેઓ કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે. આમ, છેલ્લા કેટલાય દિવસથી યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કોને કામગીરી સોંપાશે તેની અટકળો પર પૂર્ણ વિરામ આવી ગયો છે.

જીટીયુના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠે 3 વર્ષ પહેલા 31મી ડિસેમ્બરે કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. નિયમ પ્રમાણે ગઇકાલે તેમની મુદ્ત પૂર્ણ થઇ જતા સરકારે તાકીદે નિર્ણય કરવો પડે તેમ હતો. ડો.નવીનચંદ્ર શેઠ બે ટર્મ માટે જીટીયુના કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેમના કાર્યકાર દરમિયાન યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અને એક્ટની રચના કરવા ઉપરાંત યુનિવર્સિટીને લેકાવાડા ખાતે 100 એકર જમીન ફાળવવા ઉપરાંત યુનિવર્સિટીને નેક જોડાણ માટે દરખાસ્ત કરવા સુધીના મહત્વના નિર્ણયો કરવામાં આવ્યાં હતાં.

સરકારે નવા કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટિની રચના કરી ન હોવાથી વર્તમાન કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠને જ એક્સટેન્શન આપવામાં આવશે. તેવી ચર્ચા શરૂ થઇ હતી. આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ યોજવાનું નક્કી કરાયું છે.

આ સ્થિતિમાં વર્તમાન કુલપતિની મુદ્તમાં બે કે ત્રણ માસનો વધારો કરવામાં આવે તેવી શક્યતા હતી. જો કે, ગઇકાલે છેલ્લા દિવસે સરકાર દ્વારા કુલપતિને એક્સટેન્શન આપવાના બદલે તેમના સ્થાને યુનિવર્સિટીના સ્કુલ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર પંકજ પટેલને કુલપતિ તરીકેની જવાબદારી સોંપવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં નવા કુલપતિની નિયુક્તિ ન થાય ત્યાં સુધી અથવા તો સરકાર બીજો કોઇ આદેશ કરે ત્યાં સુધી પંકજ પટેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.