Abtak Media Google News

જિલ્લાની ૯૦૩ જેટલી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૭ જૂનથી શરૂ થઇ રહેલા નવા શિક્ષણ સત્રમાં ઓનલાઇન ભણતર શરૂ કરવા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તખ્તો ગોઠવાઇ રહ્યો છે. જો કે, આ રીતના શિક્ષણમાં ગામડાના કેટલા વિદ્યાર્થી જોડાઇ શકશે તે મોટો સવાલ છે.

Advertisement

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ૬૮૫ સરકારી અને ૨૧૮ ખાનગી શાળાઓમાં કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને તા. ૭ જૂનથી શરૂ થઇ રહેલાં નવા શૈક્ષણિક સત્રમાં ગત વર્ષની માફક ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા તખ્તો ગોઠવાઇ રહ્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફત હાલ તમામ શાળાઓમાં વ્યવસ્થા માટે મીટીંગનો દૌર ચાલી રહ્યો છે. જિલ્લા પ્રા.શિ. અધિકારી બી.આર.દવેએ વીડિયો કોન્ફરન્સથી તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની તેમજ બીઆરસી કો-ઓર્ડીનેટરોની મીટીંગ યોજી આગામી તા. ૭થી તમામ પ્રા.શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણની સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓનલાઇન અને ટીવી દ્વારા શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ મોટા ભાગે નિષ્ફળ રહ્યો હતો.

કેટલાંક કર્મયોગી શિક્ષકોએ ગામડાઓમાં જઇને અલગ-અલગ ફળીયાઓ, અગાસીઓ અને ઓટલાઓ પર વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપીને ફરજ બજાવી હતી. આ વર્ષે પણ ગ્રામ્ય વિસ્તારના કેટલા ગરીબ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે તે એક સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.