Abtak Media Google News

રાજુલા તાલુકામાં તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડામાં થયેલ ખાના ખરાબીનો અહેવાલ મેળવવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે રાજુલાના પ્રતિનિધિ  દ્વારા કથીવદર (પરા) કથીવદર વિસળીયા, દાતરડી, સમઢીયાળા-૧, ચાંચળંદર, ખેરા, પટવા વિગેરે ગામોની મુલાકાત લઇને આંખે દેખ્યો અહેવાલ અને લોકોને પડેલ તકલીફ, મુશ્કેલીની દર્દભરી દાસ્તાન, લોકોની કરૂણવ્યથા ધારાસભ્યને જણાવવામાં આવેલ છે. જેમાં કથીવદર(પરા) ગામની વસ્તી ૧૫૦૦ જેટલી છે. જેમાં ૯૦% મકાનો, જે કાચા જુનવાણી ગારા, માટીના બનેલા છે. આ ગામમાં અરજણભાઇ ગોબરભાઇ રાઠોડના ૨૫૦ જેટલા ગાડર બકરા દરિયાના પાણીના પ્રવાહના કારણે દિવાલ ધરાશાહી થવાથી મૃત્યુ પામેલા છે.

કથીવદર(પરા) બાદ કથીવદર ગામની મુલાકાત લીધેલ જેમાં વસ્તી ૧૫૦૦ થી ૨૦૦૦ છે. જેમાં પાકા મકાનો, ૧૨ અને કાચા મકાનો ૨૦૦ આવેલ છે. આ ગામમાં ૩ બળદના મૃત્યુ થયેલ છે. અને આ ગામના આહિર જ્ઞાતિના યુવાનો દ્વારા અન્ય જ્ઞાતિના લોકોને આશ્રય આપેલ વિસળીયા ગામની વસ્તી ૫ હજારની છે. જેમાં ૫૦૦ કાચા અને ૧૦૦ જેટલા પાકા મકાનો આવેલ છે. દાતરડી ગામમાં  ૨૫૦ પાકા મકાનો અને ૫૦૦ જેટલા કાચા મકાન આવેલ છે. તેમજ સમઢીયાળા ગામની વસ્તી ૬૦૦૦ હજારની જેમાં ૬૦૦ કાચા અને ૯૦ પાકા મકાનો આવેલા છે.

Img 20210526 Wa00261

રાજુલા તાલુકાનું વસ્તીની દ્રષ્ટિએ મોટુ ગામ એવુ ચાંચળંદર ગામ જે દરિયા કિનારાનું છેલ્લુ ગામ અને તેની ચારે બાજુ સમુદ્ર આવેલ છે. ચાંચળંદર ગામે આવેલ મંદિરમાં લક્ષ્મણજીની મૂર્તિ ખંડીત થયેલ છે. તેમજ ખેરા ગામ પણ સમુદ્ર કિનારે આવેલું ગામ છે. ખેરા ગામમાં ૫૦૦ પાકા અને ૯૦૦ કાચા મકાન છે અને વસ્તી ૬૦૦૦ જેટલી છે. આ વિસ્તારમાં એટલી બધી નુકશાની છે કે લોકો પોતાનું દર્દ ભૂલીને ધારાસભ્ય અંબરીશ ડેરને હનુમાનજીની ડેરી બનાવી આપવા જણાવેલ હતું. ત્યારબાદ પટવા ગામની મુલાકાતે ગયેલ અને ત્યાં ૪૫૦ કાચા મકાન અને ૧૬ પાકા મકાનો છે. તેમજ ભેરાઇ ગામે પણ રામજી મંદિરના હોલને પારાવાર નુકશાન થયેલ છે.

આ સમગ્ર વિસ્તારના ગામડાઓની મુલાકાતમાં ચાંચળંદર ખેરા, પટવા, સમઢીયાળા-૧, વિસળીયા, દાતરડી, કથીવદર(પરા) કથીવદર અને ભેરાઇ ગામમાં પાણીની સમસ્યા તેમજ લોકોને પુછેલ કે સરકાર દ્વારા શું શું સહાય મળી અને અત્યાર સુધી સરકારના પ્રતિનિધિઓ કે સત્તાધારી પક્ષના લોકો દ્વારા શું સુવિધા આપવામાં આવી ત્યારે ચાંચળંદરના લોકો દ્વારા એવું જણાવેલ કે જ્યારે સરકારી તંત્ર દ્વારા કેશડોલ્સ અને અન્ય વસ્તુઓના વિતરણમાં પણ જેમાં રાશનકીટ વિતરણમાં તેમજ નુકશાનીના સર્વેમાં વ્હાલા દવલાની નીતીઓ અખત્યાર કરે છે. અને રાજુલાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ દ્વારા જ્ઞાતિવાદ અને વ્હાલા દવલાની નીતી કરી તેમના મળતીયાઓનું કામ તેમજ તેમના અંગત ટેકેદારોને જ મદદ કરી રહ્યાં હોવાનું લોકો જણાવી રહ્યાં છે.

Img 20210526 Wa00221

લોકોએ આખી રાત માથે ખાટલા રાખી તેમજ કેટલીક જગ્યાએ કબાટમાં બેસી અને કેટલીક જગ્યાએ બાથરૂમ તેમજ શૌચાલયમાં ભરાઇ રહીને વાવાઝોડાની ગોજારી રાત ગુજરેલ હોવાનું જણાવેલ છે. તેમજ આ વિસ્તાર મજુરી કામ કરતા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. જેઓ આર્થિક રીતે ખૂબ જ ગરીબ છે. જેમાં આ વાવાઝોડાએ લોકોને પાઇમાલ કરી દીધેલ છે.

સરકાર કચ્છની જેમ આ વિસ્તારને ખાસ પેકેજ દ્વારા મદદ કરીને લોકોને ઉભા કરે તેવી પણ આ તમામ ગામડાઓની માંગ છે. આ તમામ ગામડાઓમાં આજે ૧૦-૧૦ દિવસ થયેલ હોવા છતા હજુ સુધી વિજળીના દર્શન થયેલ નથી. લાઇટ નહીં હોવાને કારણે લોકો પાણી તથા અન્ય સુવિધાઓથી વંચિત રહે છે તેમજ મોબાઇલ કવરેજ નહીં આવતું હોવાથી દુનિયાથી વિખૂટા પડી ગયેલ છે.  જો કે, પીજીવીસીએલ દ્વારા પુર જોશમાં કામગીરી શરૂ છે. પરંતુ નુકશાન જ એટલું મોટું છે કે તાત્કાલિક વીજ કનેક્શન આપી શકાતું નથી જેમાં વિજ પોલ ધરાશાહી થઇ ગયેલ હોય જેથી આ વિસ્તારમાં ફક્ત ડુંગર ફીડર જે ડુંગર ગામે આવેલ છે તે કાર્યરત થયેલ છે. તેમજ રાજુલા ૬૬ કે.વી.માં પાવર આવેલ હોવાના અહેવાલ મળી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.