Abtak Media Google News

૧૯ વિપક્ષો પેગાસસ, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો, કૃષિ કાયદા સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો માંડશે!!

ભાજપ સામે વિપક્ષને એકજૂથ કરવાના પ્રયાસ અંતર્ગત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે ૧૯ વિપક્ષી પાર્ટીના નેતાઓની વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કર્યું હતું. સોનિયા ગાંધીએ વિપક્ષના નેતાઓને દેશહિતમાં અંગત મજબૂરીઓ હાંસિયા પર ધકેલીને વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે આયોજન શરૃ કરવા આહ્વાન કર્યું હતું. સોનિયા ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંસદમાં વિપક્ષે અદ્દભુત એકતા દર્શાવી છે અને સંસદના આગામી સત્રોમાં પણ આ એકતા જળવાઇ રહેશે. જોકે તેમણે યાદ અપાવ્યું હતું કે, વિપક્ષે સંસદની બહાર આનાથી પણ મોટું રાજકીય યુદ્ધ લડવાનું છે.

વિપક્ષો દ્વારા કુલ ૧૧ દિવસ સુધી ૧૧ મુદા સાથે મોરચો માંડવામાં આવશે. જે ૧૧ મુદામાં પેગાસસ મુદ્દે સુપ્રીમ કોર્ટની જ્યુડિશિયલ ઇન્કવાયરીની માંગ, ત્રણ કૃષિ કાયદા દૂર કરવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઇઝ ઘટાડવી, કોરોના કાળમાં કેન્દ્ર સરકારનું મિસ મેનેજમેન્ટ, બેરોજગારી, મોંઘવારી, નબળું અર્થતંત્ર, વેકસીનમાં મિસમેનેજમેન્ટ, પરિવારોને રૂ. ૭૫૦૦ની સહાય, કાશ્મીરમાં વહેલી ચૂંટણી અને રાજકીય લોકોને જેલમુક્તિ તેમજ શૈક્ષણિક સંકુલો ખોલવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, આપણી સામે મોટો પડકાર છે પરંતુ આપણે સાથે મળીને તે પડકાર ઝીલી શકીએ છીએ. આપણે આ પડકારનો સામનો કરવો જ પડશે કારણ કે એકજૂથ થયા વિના આપણી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. આપણી બધાની કેટલીક મજબૂરીઓ છે પરંતુ દેશહિતમાં તેમને હાંસિયામાં ધકેલી દેવાનો સમય આવી ગયો છે. સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, પિૃમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી, એનસીપીના વડા શરદ પવાર, ઝારખંડના સીએમ હેમંત સોરેન, સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી, સીપીઆઇના નેતા ડી રાજા અને અન્ય પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યાં હતાં.

બેઠક બાદ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં વિપક્ષી પાર્ટીઓએ જણાવ્યું હતું કે, ૧૯ વિપક્ષી પાર્ટીઓ ૨૦થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ભાજપ સરકારની નીતિઓવિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. તેમણે દેશની જનતાને બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક અને લોકતાંત્રિક મૂલ્યોનું જતન કરવા આગળ આવી દેશને બચાવવા જોરશોરથી સરકાર સામે દેખાવો કરવા આહવાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.