Abtak Media Google News

અવેરનેસ અન્ડર સ્ટેન્ડિંગ મેડિટેશન, સેક્રેડ ડાન્સ અને સુફી ધ્યાન કરાવાશે

ઓશોના રંગે રંગાયેલા એવા ઓશો સંન્યાસી તથા સુફી માસ્ટર મા પ્રેમ નઝીલાના સેક્રેડ અર્થ ડાન્સ, અવેરનેસ અન્ડર સ્ટેન્ડીંગ મેડીટેશન અને સુફી ધ્યાનના સેશનનું આગામી રવિવારના રોજ ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે આવેલા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન બપોરે ૩ થી ૬ તેમજ રાત્રે ૯ થી ૧૨ દરમિયાન યોજાશે.

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરમાં છેલ્લા ૩૨ વર્ષથી ધ્યાન શિબિરો, સાહિત્ય પ્રદર્શનો, ઓશો સંન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન જેવા અનેક આયોજનો થાય છે. ઓશો સંન્યાસી મા પ્રેમ નઝીલા જેઓ મુળ ઈરાનના અને હાલ યુ.એસ.એ.ના કેલીફોર્નિયામાં વસવાટ કરે છે તેઓ છેલ્લા ૯ વર્ષથી ભારત આવે છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર તથા તેમના સંચાલક સ્વામી સત્યપ્રકાશ સાથે મા પ્રેમ નઝીરા અતુટ નાતો ધરાવે છે. મા પ્રેમ નઝીલાએ જર્મનીમાં અભ્યાસ કર્યો છે. કેલીફોર્નિયાથી સાયકોલોજીની ડિગ્રી મેળવી છે.

તેઓએ ૧૯૯૭માં ઓશોનો સંન્યાસ લીધો હતો. મા પ્રેમ નઝીલાને નાનપણથી જ સુફીઝમ પ્રત્યે ભારે લગાવ છે. તુર્કીમાં આવેલા કોનીયામાં અનેક સુફી ગ્રુપો તેમણે કર્યા છે. તેમણે વિશ્ર્વમાં સુફીના સૌથી મોટા તીર્થધામ તુર્કી ખાતે સંત જલાલુદીન ‚મીની સમાધી પર ધ્યાન કર્યા છે. તેઓને જીવનના પ્રારંભના વર્ષોમાં જ આત્મખોજ કરવાની તક મળી હતી. આત્મખોજ થકી જ તેઓ ઈરાનથી જર્મની અને ત્યારથી ભારત સુધીની મંઝીલ કાપી શકયા છે. તેઓ અનેક આત્મજ્ઞાની શિક્ષકોને મળ્યા છે અને વિવિધ બાબતોનો ઉંડો અભ્યાસ કર્યો છે. જયારે તેઓ ઓશોના પાઠ ભણ્યા ત્યારે તેમને જિંદગીની વાસ્તવિકતાના દર્શન થયા હતા.

મા પ્રેમ નઝીરા છેલ્લા ૧૦ વર્ષથી મેડીટેશનના વિશેષ સેશન યોજી રહ્યા છે. તેઓ ઈરાન, યુ.એસ.એ. અને ભારત સહિતના દેશોમાં સેશનનું આયોજન કરે છે.

મા પ્રેમ નઝીરા રાજકોટમાં ગોંડલ રોડ ખાતે આવેલા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે પધાર્યા છે. આગામી રવિવારે તેઓ અવેરનેસ અંડર સ્ટેન્ડીંગ મેડીટેશન, સુફી ધ્યાન અને ઓશો સેક્રેટ અર્થ ડાન્સના સેશન યોજશે. આ સેશનમાં જોડાવવા માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે નામ નોંધણી કરાવવાનું રહેશે. વધુ વિગત માટે સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.