Abtak Media Google News

શેઠ હાઇસ્કૂલનો હનુમાન કૂદકો, પરિણામમાં 55 ટકાનો વધારો: પદાધિકારીઓએ આપ્યા અભિનંદન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 6 પૈકી ચાર હાઇસ્કૂલના પરિણામમાં વધારો નોંધાયો છે. જ્યારે એક હાઇસ્કૂલના પરિણામમાં ઘટાડો થયો છે. કારકિર્દીના પ્રથમ પગલા સમાન બોર્ડની પરીક્ષામાં ઉતિર્ણ થનારા છાત્રોને પદાધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પી એન્ડ ટીવી શેઠ હાઇસ્કૂલનું ધોરણ-10નું પરિણામ ગત વર્ષે માત્ર 25 ટકા હતું. જે આ વર્ષે 55 ટકાના તોતીંગ ઉછાળા સાથે 80 ટકા નોંધાયું છે. જ્યારે સરોજની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલનું પરિણામ ગત વર્ષે 76.78 ટકા હતું. જે આ વખતે વધીને 83.33 ટકા નોંધાયું છે. મુરલીધર વિદ્યા મંદિરનું પરિણામ ગત વર્ષે 27.58 ટકા હતું. જે આ વખતે વધીને 36.58 ટકા થયું છે. જ્યારે એકનાથ રાનડે વિદ્યાલયના પરિણામમાં 8 ટકાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે શાળાનું પરિણામ 58.0 ટકા હતું. જે આ વખતે માત્ર 50 ટકા રહ્યું છે. જ્યારે વીર સાવરકર વિદ્યાલયના પરિણામમાં કોઇ ખાસ્સો વધારો નોંધાયો નથી. ગત વર્ષે 18.18 ટકા પરિણામ હતું. જે આ વખતે વધીને 18.42 ટકા થયું છે. મહારાણી લક્ષ્મીબાઇ ક્ધયા વિદ્યાલયે પરિણામની ટકાવારી યથાવત જાળવી રાખી છે. ગત વર્ષે અને આ વર્ષે 50 ટકા પરિણામ નોંધાયું છે. સરકારી શાળામાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં ઉતિર્ણ થનાર તમામ છાત્રોને મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યૂટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશ દેથરિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.