Abtak Media Google News

સ્માર્ટ સિટીમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 90 ટકા અને અટલ સરોવર પ્રોજેક્ટનું કામ 81 ટકા પૂર્ણ: સપ્ટેમ્બર સુધીમાં કોઇપણ ભોગે કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને કરાતી તાકીદ

કોર્પોરેશનમાં હવે મોટાભાગના મહાકાય પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે સંપૂર્ણ પ્રાયોરિટી સ્માર્ટ સિટી પ્રોજેક્ટને આપવામાં આવશે. દિવાળી સુધીમાં રાજકોટવાસીઓને નવલું નજરાણું મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ સિટીનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અટલ સરોવરનું કામ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પુરૂં થઇ જાય તે માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરી દેવામાં આવી છે.

આજે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે કે.કે.વી.ચોક બ્રિજનું લોકાર્પણ કરાયા બાદ હવે કોર્પોરેશનના મોટાભાગના તમામ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે પ્રાધાન્ય સ્માર્ટ સિટીને આપવામાં આવશે. દિવાળીના તહેવાર પહેલા આ પ્રોજેક્ટનું લોકાર્પણ થઇ જાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ચોમાસાના કારણે હાલ અમૂક કામો થઇ શકતા નથી. છતાં અટલ સરોવર અને રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે એજન્સીને સપ્ટેમ્બર અંત સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મેન પાવર વધારીને પણ કામને સ્પિડ આપવા જણાવી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટીમાં અલગ-અલગ ત્રણ પ્રકારના કામો થઇ રહ્યા છે. જે આખો પ્રોજેક્ટ 980 કરોડનો છે. કેન્દ્ર સરકાર દ્વારા 392 કરોડ, રાજ્ય સરકાર દ્વારા 195 કરોડ અને કોર્પોરેશનના 196 કરોડ મળીને કુલ 783 કરોડના કામો અત્યાર સુધી થઇ ચુક્યા છે. રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી કંપની પાસે છે. જેનો 90 ટકા ફિઝીકલ અને 62.64 ટકા ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થઇ ચુક્યો છે. જ્યારે અટલ સરોવરનો રૂ.136 કરોડનો પ્રોજેક્ટ ક્યુબ ક્ધસ્ટ્રક્શન પાસે છે. જેનું 81 ટકા ફિઝીકલી પ્રોગ્રેસ અને 67.71 ટકા ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થઇ ચુક્યો છે. હવે માત્ર 19 ટકા જ કામગીરી બાકી છે.

પાન સિટી એમએસઆઇનો 298 કરોડનો પ્રોજેક્ટ છે. જેમાં અત્યાર સુધીમાં 87 ટકા ફિઝીકલી અને 78 ટકા ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થઇ ચુક્યો છે. તાજેતરમાં એજન્સી સાથેની મિટીંગમાં 30મી સપ્ટેમ્બર સુધીમાં કોઇપણ ભોગે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કામ પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી છે. છતાં ચોમાસાની સિઝનના કારણે કામ ન થઇ શકે તો દિવાળી સુધીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ શહેરીજનો માટે ખૂલ્લો મૂકી દેવાની ગણતરી સાથે કોર્પોરેશન આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.