Abtak Media Google News

પ.પૂ. હરિપ્રસાદ સ્વામીની કાલે બપોરે 2:00 કલાકે  અંત્યેષ્ટી; તીર્થજળથી અભિષેક બાદ અંતિમયાત્રા શરૂ થશે; શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદી અંતિમવિધિ કરાવશે: અંત્યેષ્ટિ સ્થળનું સંતો દ્વારા ભૂમિપૂજન

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કરીને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.  તા. 31 સુધી અંતિમ દર્શન ચાલુ રહેશે. . 1 ઓગસ્ટે બપોરે 2.00  હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ થશે.

પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યા અનુસાર હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડયો છે.  હરિધામ મંદિરમાં નીચેના ફ્લોર ઉપર જ્ઞાનયજ્ઞ દેરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને પધરાવવામાં આવ્યા છે.  દરરોજ બપોરે સાડાત્રણ કલાકે પ.પૂ. સ્વામીજી ત્યાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા પધારતા.  દેશ-વિદેશની ધર્મયાત્રા માટે હરિધામથી નીકળતાં પહેલાં જ્ઞાનયજ્ઞ દેરીએ અને ઉપરના મજલે ઠાકોરજીનાં દર્શન-પ્રાર્થના કરવાનું ચુકતા નહીં.  તે જ રીતે પરત પધારે ત્યારે પણ દર્શન-પ્રાર્થના કર્યા પછી જ વિશ્રામ માટે પધારતા.  નાદુરસ્ત સ્વાસ્થ્ય હોય તો પણ ગુરૂ પરંપરાને દંડવત પ્રણામ કરવાનો તેઓ આગ્રહ રાખતા.  આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની માફક લીમડાનું વૃક્ષ પરમ પૂજ્ય સ્વામીજીને પ્રિય રહ્યું છે.

પરમ પૂજ્ય સ્વામીજીનાં આ પ્રિય સ્થાનની સન્મુખ જ લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરવામાં આવશે.  અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે.  અંત્યેષ્ટિ સંસ્કાર માટે જરૂરી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જરૂરી ખોદકામ કરતાં પહેલાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય દાસ સ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.  એ પછી તત્કાળ ખોદકામ કરીને ફાઉન્ડેશન ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય સ્વામીજી લાખો ભક્તોના પ્રાણાધાર છે.  પ્રત્યેક ભક્તોનાં હ્રદય  તેઓનું સ્મૃતિ મંદિર છે.  પરંતુ ભક્તો પોતાના પ્રાણાધારની સ્મૃતિ કરીને ભાવો વ્યક્ત કરી શકે તેમજ સંકલ્પો-પ્રાર્થના કરી શકે તે માટે નિર્માણ પામનારૂં સમાધિ મંદિર ઉપયુક્ત તીર્થ બની રહેશે.

આજે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ભક્તોને પરમ પૂજ્ય સ્વામીજીનાં દિવ્ય વિગ્રહનાં દર્શનનો લાભ મળી રહ્યો છે.

દરમિયાનમાં આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા  પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ  હાર્દિક પટેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી  શંકરસિંહ વાઘેલાએ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દર્શનાર્થે પહોંચીને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

આવતીકાલે તા.31ના રોજ સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવશે. અંત્યેષ્ટિની આ શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવશે.  રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ. વજુભાઈ ત્રિવેદીના પૌત્ર  કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે.

અંત્યેષ્ટિ વિધિ અંગે વાત કરતાં  કૌશિકભાઈ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં સોળ સંસ્કાર કરવાના હોય છે.  જેમાં અંતિમ સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ છે.  જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે.  પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે.  દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે.  શાસ્ત્રોક્ત મંત્રોના ગાન વચ્ચે વડીલ સંતો દ્વારા આ અભિષેક થશે.

પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હ્રદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન થશે.  ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુભગવાનના પ્રતિનિધિરૂપ શાલિગ્રામજીણી પૂજા કરવામાં આવશે.  સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે.  પંડિતો દ્વારા પુરુષ સૂક્તના શ્લોકોનું સતત ગાન કરવામાં આવશે.

કૌશિકભાઈ શાસ્ત્રી ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા દિવ્ય સત્પુરુષોને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી.  પરંતુ શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૂરી છે.  લખો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર આવા મહાપુરુષોની  અંતિમવિધિ સમયે સંકલ્પ -પ્રાર્થના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે અને ગુરૂની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે.

શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂર્ણ થયા બાદ વિશેષ પાલખીમાં પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવશે.  મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોંચશે.  ત્યાં પણ પુરુષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધિ કરવામાં આવશે.  અંત્યેષ્ટિ માટે ચંદન, કેર, ઉમરો, પીપળો, સવન, તુલસી અને પરમ પૂજ્ય સ્વામીજીને પ્રિય નીમવૃક્ષનાં કાષ્ટનો ઉપયોગ થશે.  અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરવામાં આવશે.  પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને ચરણકમળથી અગ્નિનો સ્પર્શ કરાવીને ચિતા પ્રજ્વલિત કરાશે.

દરમિયાનમાં દિવસ દરમિયાન પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહના દર્શનાર્થે પહોંચીને શ્રધ્ધાંજલિ આપનારા મહાનુભાવોમાં નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટિલ, ગૃહ રાજ્યમંત્રી  પ્રદીપસિંહ જાડેજા,  સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજકોટ જિલ્લા પંચાયત  ભૂપતભાઇ બોદર,  મોટીવેશનલ સ્પીકર  સંજયભાઈ રાવલ વગેરેનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.