Abtak Media Google News

મંદિરના  જિર્ણોધ્ધાર પ્રસંગે  ધાર્મિક  કાર્યક્રમો, સમુહ ભોજન પ્રસાદ અને રંગકસુંબલ ડાયરાના યોજાયા કાર્યક્રમો

સોરઠ પંથકમાં વંથલી નજીક આવેલ ઓજત નદીના કાંઠે બિરાજતા વણિક સમાજના વસા પરિવારના કુળદેવતા એવા રગતીયાં બાપાના પરચા અપરંપાર છે. ત્યારે સૌકાથી લાખો ભાવિકોના શ્રદ્ધાના સ્થાન એવા રગતિયાં દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ ધાર્મિક કાર્યક્રમો, સમૂહ ભોજન પ્રસાદ અને રંગ કસુંબલ ડાયરાની મોજ સાથે યોજાઇ ગયો. આ પ્રસંગે વસા પરિવાર ઉપરાંત આસપાસના લગભગ 8 થી 10 ગામના  ભાવિકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના કણજા ગામ નજીક આવેલ ઓજત નદીના કાંઠે નાગદેવતા રગતીયા દાદાનું સૌકાઓ જૂનું મંદિર આવેલ છે. જ્યાં રગતિયા દાદા તેમના બે ભાઈઓ સાથે બિરાજે છે, વણિક સમાજના વસા પરિવારના રગતીયા દાદા કુળદેવતા હોવાથી વસા પરિવાર પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે વર્ષ દરમિયાન વારંવાર દાદાના દર્શને આવે છે. આ સાથે વંથલી પંથકના લોકો તથા માનતા રાખનાર ભાવિકો ગુજરાતના છેડેથી અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

રાગતિયા દાદાના મંદિરના પૂજારી વલ્લભભાઈ મકવાણા દાદાના પ્રાગટ્ય અને ઇતિહાસ અંગે જણાવે છે કે, રગતીયા દાદા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાળા ગામે બિરાજતા હતા. અને ત્યાં વણિક સમાજના વસા પરિવાર દ્વારા તેમની સેવા પૂજા થતી હતી ત્યારે રગતિયા દાદા તેમના પર ખુશ થયા હતા. અને રગતિયા દાદાએ વસા પરિવારને જણાવ્યું હતું કે, અમારે ગિરનારના દર્શન કરવા જવા છે. અમને લઈ જાઓ, અમે તમારી પાછળ ચાલીશું પરંતુ તમારે પાછળ વળી જવાનું નથી. જો જોશો તો અમે ત્યાં જ સ્થિર થઈ જશું. ત્યારે વસા પરિવારના વડીલો આજથી લગભગ બે સૌકાઓ પહેલા રગતિયા દાદા અને તેમના પરિવારને લઈને પેઢાવાળા ખાતેથી પગપાળા નીકળ્યા હતા. આગળ વસા પરિવારના વડીલો અને પાછળ નાગદેવતાનો પરિવાર આવી રહ્યો હતો.

ત્યારે વંથલી નજીક આવેલ ઓજત નદીમાં ભારે પાણી હતા. તેથી છાતી ડૂબ પાણીમાં વસા પરિવારના લોકો આગળ વધી રહ્યા હતા. પરંતુ તેમને ચિંતા થતા તેમણે તેમનાથી પાછળ જોવાયું તો રગતિયા દાદા અને તેમનો પરિવાર નદીના સામા કાંઠે બેઠો હતો. અને રગતિયા દાદા તથા તેમનો પરિવાર ત્યાં જ સ્થિર થઈ ગયો. આ સાથે તેમણે વસા પરિવારના વડીલોને જણાવ્યું કે, તમે પાછળ જોયું જેથી હવે અમો આગળ નહીં આવીએ. અને હવે પછી જ્યાં સુધી તમે મારા કર નહીં કરો ત્યાં સુધી તમે અમારા દર્શને આવશો નહીં, માત્ર દિશાએ જ દીવાના દર્શન કરી લેજો. રગતિયા દાદાના આમ જણાવ્યા બાદ વસા પરિવારના લોકો હાલમાં પણ રગતિયાં દાદાની ઉજણી કરી અને બાદમાં જ મંદિર ખાતે દર્શન કરવા આવે છે અને દાદાના અપાર આશીર્વાદ મેળવે છે.

સ્થાનકો પર લોકોને અપાર શ્રધ્ધા

પૂજારી વલ્લભભાઈના વધુમાં જણાવ્યા અનુસાર, રગતિયા દાદા તેમના પરિવાર સાથે ઓજત નદી નજીક અસ્થિર થયા બાદ લોકો તેમના દેવ દર્શને આવતા હતા. ત્યારે વાળંદ જ્ઞાતિના વડીલાને બીમારી થતાં તેમણે દાદાની માનતા રાખી હતી. જેમાં તેને સારું થઈ જતા આ વાણંદ પરિવાર ખુંભડી ગામે ખુંભલા દાદાને લઈ ગયા હતા અને ત્યાં તેમની સ્થાપના કરી હતી. જેથી એક દાદા ખુંભળી ગામે બીરાજે છે. અને તેમનુ ખુંભલા દાદા નામ છે. જે વાણંદ સમાજના ટાટમિયા પરિવારના કુળદેવતા છે. જ્યારે માણેકવાડા ખાતે પણ શ્રદ્ધાળુ દ્વારા માલ બાપાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માલ બાપા બિરાજે છે અને માલ બાપા સોની સમાજના રાણીગા પરિવારના કુળદેવતા તરીકે પૂજાય છે.

મૂડ ખુંંબડી ગામના શાસ્ત્રી લલિતભાઈ જોશીના જણાવ્યા મુજબ,  રગતીયા દાદાનો ત્રણ ભાઈઓ તથા એક બહેનનો પરિવાર અહીં સોરઠના વંથલી પંથકમાં જ બિરાજે છે. અને તેમના ભારોભાર પરચાઓ ભાવિકોને મળ્યા છે. કણજાના ઓજત નદીના કાંઠે રગતિયા દાદા, ખુંભડી ગામે ખુંભલીયા દાદા અને માણેકવાડા ગામે માલ બાપા અને વંથલી ખાતે કાળી નાગ એમ ત્રણ ભાઈઓ અને એક બહેનના અહીં સ્થાનકો છે.

અમોને તેમના ઉપર અપાર શ્રદ્ધા છે. જો કે, વર્ષો પૂર્વે વંથલી પંથકમાં કોઈને પણ શરૂ દંશ થતો નહીં, તેવી લોકવાયકા છે તે સાથે રગતિયા દાદા અને તેમના પરિવારના માલ બાપા, ખુંભાળિયા દાદા, અને કાલી નાગની જે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા કરે તેમને કોઈ સર્પ દંશ થયો હોય તો તેમનું મોત પણ નથી થતા પરંતુ આ બધું શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે. અને એટલે જ વંથલી પંથકના તમામ લોકો દાદાના દર્શને વારે તહેવારે અચૂક પહોંચે છે. તથા વંથલી ગામમાં જે નવદંપતીના લગ્ન થાય છે તેઓ લગ્ન બાદ દાદા ના દર્શને અચૂક આવે છે.

રાજકોટના વસા પરિવાર દ્વારા મંદિરનું કરાયો જીર્ણોદ્ધાર

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મિતલભાઇ વસા અને તેમના પરિવાર દ્વારા તેમના કુળદેવતા એવા રગતીયા દાદાના મંદિરના જીણોદ્ધારની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે. જે જગ્યાએ પુરાણું મંદિર હતું તેમની આસપાસની જગ્યા વસા પરિવાર દ્વારા ખરીદી કરવામાં આવી છે. અને અહીં આવતા ભાવિકો માટે ભોજન પ્રસાદ અને રહેવા માટેની વ્યવસ્થા થાય તથા દાદાના ધાર્મિક પ્રસંગો સારી રીતે ઉજવાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

મિતુલભાઈ વસા તથા વસા પરિવાર દ્વારા દાદાના મંદિરનો રવિવારે જીર્ણોદ્ધાર પ્રસંગ હતો ત્યારે વંથલી પંથકના લગભગ 8 થી 10 ગામોને આ પ્રસંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, અને સવારથી યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ અને દાદાના પૂજન અર્ચન સાથે રાત્રીના હજારો ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું  તે સાથે માયાભાઈ ગઢવી, દિપક જોશી સહિતના નામાંકિત કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો. ત્યારે સમસ્ત વસા પરિવારના પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં ભાવિકોએ આ ધાર્મિક કાર્યક્રમ મન ભરીને માણીયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.