Abtak Media Google News

18 ડિસેમ્બરે  દળદાર સોવેનિયરનું પ્રકાશન: દાતાઓનું સન્માન કરાશે

આજથી સો વર્ષ પહેલાં હાલાર પંથકનાં દિર્ઘદ્રષ્ટા જૈન શ્રેષ્ઠીઓએ કેળવણીનું મહત્વ સમજી સમાજના બાળકોના શિક્ષણમાં સહાયરૂપ થવાના ઉમદા ધ્યેય સાથે નાના એવા સરપદડ ગામમાં એક સંસ્થાની સ્થાપના કરી હતી. એ જમાનામાં શ્રેષ્ઠીઓએ ખુદ પોતાના પૈસે ફંડ એકત્ર કરી સ્થાપના કરેલ સંસ્થા આજે વરસો બાદ હજારો વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ રૂપી છાંયડો પાથરવામાં નિમિત બની છે અને આજે 100માં વરસે પણ સંસ્થા એ જ ઉત્સાહ-ઉમંગ સાથે કાર્યરત છે.

આગામી તા. 18મી ડિસેમ્બર  ના રોજ જામનગર મુકામે સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં સંસ્થાના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે એમ સંસ્થાના પ્રમુખ રાજુભાઈ મહેતા અને મંત્રી મહેન્દ્રભાઈ શેઠની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. શતાબ્દી વર્ષ નિમિતે સંસ્થા દ્વારા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સમારોહમાં ફક્ત સંસ્થાના મેમ્બર જ ઉપસ્થિત રહી શકશે.

રાજુભાઈ મહેતાના જણાવ્યા અનુસાર હાલાર પંથકના વિશાશ્રીમાળી જૈનોની સંસ્થા  ગો.ડા.શાહ વિશાશ્રીમાળી વણીક વિદ્યોતેજક સંસ્થા હાલ 100માં વર્ષમાં પ્રવેશી છે ત્યારે સંસ્થાનો શતાબ્દી મહોત્સવની ઉજવણી જામનગર ખાતે રાખવામાં આવી છે. આગામી તા. 18મી ડિસેમ્બર 2022‘ે રવિવારના રોજ ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર ખાતે શતાબ્દી મહોત્સવ ઉજવાશે.

દાનેશ્ર્વરી  હરકિશનભાઈ મણીલાલ ઠક્કરના પ્રમુખસ્થાને યોજાનારા આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે મુંબઈ જૈન સમાજના અગ્રણી  કિરણભાઈ ઓધવજીભાઈ મહેતા, દુબઈ જૈન સમાજના અગ્રણી  જયપ્રકાશ પ્રભુદાસ મહેતા, સંસ્થાના આદ્યસ્થાપક પરિવારના સદસ્ય અને જાણીતા ઉદ્યોગપતિ  કુમુદચંદ્ર શામળદાસ દોશી ઉપસ્થિત રહેશે. શતાબ્દી વર્ષ નિમિતે સંસ્થાની 99 વરસની પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા કલરફુલ સોવેનિયરનું પ્રકાશન કરવામાં આવ્યું છે. ખિલોસ જૈન સમાજમા પ્રમુખ  વિજયભાઈ સંઘવીના વરદ્ હસ્તે આ સોવેનિયરનું વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે  જામનગર એન્ડ હાલાર વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ-મુંબઈના પ્રમુખ  પંકજભાઈ શાપરીયા તથા સંસ્થાના સભ્ય અને જામનગરના મેયર  બીનાબેન કોઠારી ઉપસ્થિત રહેશે. શતાબ્દી મહોત્સવના મુખ્ય દાતા તરીકે મિનાબેન નિરંજનભાઈ વોરા પરિવારે લાભ લીધો છે. સંસ્થાના 100 વરસની યાદગીરી રૂપે દરેક સભ્યને  ચેતનભાઈ જયસુખલાલ મહેતા પરિવાર દ્વારા શતાબ્દી સ્મૃતિ ભેટ આપવામાં આવશે. મહોત્સવ અંતર્ગત દરેક દાતા પરિવારનું બહુમાન કરવામાં આવશે.

સંસ્થાના મંત્રી  મહેન્દ્રભાઈ શેઠે સંસ્થા વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે, હાલાર પંથકના જૈનોની અમારી આ સંસ્થા 99 વર્ષ પૂર્ણ કરી 100માં વર્ષમાં પ્રવેશી છે. 1923‘ની સાલમાં દિર્ઘદ્રષ્ટા જૈન શ્રેષ્ઠીઓએ દરેકના જીવનમાં શિક્ષણનું મહત્વ સમજી જૈન સમાજના બાળકોમાં શિક્ષણ વધે અને એ માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડી શકાય એવા ઉમદા ધ્યેય સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી. આટલા વરસોમાં અનેક દાતાઓએ સંસ્થાના વિકાસમાં યોગદાન આપ્યુ છે. કાળ ક્રમે જૈન પરિવારો ગામડામાંથી સ્થળાંતર કરી શહેરોમાં વસવાટ કરવા લાગતાં નાના એવા સરપદડ ગામેથી સંસ્થાની ઓફિસ મુખ્ય જિલ્લા મથક જામનગર ખાતે શરૂ કરવામાં આવી હતી. વણીક વિદ્યોતેજક સંસ્થાના નામથી શરૂ થયેલી સંસ્થાને અમુક વરસો બાદ  ગોકળદાસ ડાયાભાઈ શાહ પરિવાર દ્વારા માતબર રકમનું દાન મળતાં સંસ્થા સાથે તેમના પરિવારનું નામ જોડવામાં આવ્યું હતું અને  ગો. ડા. શાહ વિશાશ્રીમાળી વણીક વિદ્યોતેજક સંસ્થા નામકરણ કરાયુ હતું.

શતાબ્દી વરસની ઉજવણીને યાદગાર બનાવવા અને સંસ્થાની 99 વરસની યાત્રાની ઝાંખી કરાવતા આકર્ષક સોવેનિયરનું પ્રકાશન કરવામાં આવ્યુ છે. આ સોવેનિયરના સંકલન કર્તા જાણીતા વકિલ  ચંદ્રકાન્તભાઈ પટેલે જણાવ્યું છે કે, સંસ્થાના 99 વરસ દરમિયાન સમાજના અનેક શ્રેષ્ઠીઓ દ્વારા સંસ્થાને તન-મન-ધનથી સહયોગ મળ્યો છે અને આજે પણ મળી રહ્યો છે. સોવેનિયરમાં તમામ દાતા પરિવારનું યોગ્ય સન્માન જળવાય એ રીતે નોંધ લેવામાં આવી છે. સંસ્થા દ્વારા ગત વરસે ડોનેશન માટે નવી સ્કીમ જાહેર કરવામાં આવી હતી જેમાં દાતા પરિવાર દ્વારા અમુક ચોક્ક વરસ જેમકે 5, 10, 11, કે 15 વરસ સુધી દર વરસે અમુક ચોક્કસ રકમ દાનમાં આપવાની જાહેરાત કરવામાં આવે અને સંસ્થાની આ યોજના-અપીલને બહોળો પ્રતિસાદ મળ્યો છે. અનેક દાતા પરિવાર દ્વારા દર વરસે રૂા. 11 હજાર થી લઈ રૂા. એક લાખ સુધીના દાનની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

દાતા પરિવારના સહયોગથી સોવેનિયર દળદાર અને મલ્ટીકલર બન્યો છે. આ ઉપરાંત વર્તમાન વધુને વધુ વિદ્યાર્થીઓને શક્ય એટલી મોટી રકમની સ્કોલરશીપ આપી શકાય એવા ધ્યેય સાથે સંસ્થા દ્વારા ફંડ એકત્ર કરવાની ટહેલ નાખવામાં આવતાં જ્ઞાતિના ઉદારદિલ દાતાઓ દ્વારા મોટી રકમની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાની સ્કોલરશીપ મેળવી આજે ખુબ સુખી જીવન જીવતા અનેક વિદ્યાર્થીઓ દ્વારા પણ સંસ્થાને સારો એવો આર્થિક સહયોગ મળી રહ્યો છે.શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ રાજુભાઈ મહેતા, મંત્રી મહેન્દ્રભાઈ શેઠ, સોવેનિયર કમીટીના ચંદ્રકાન્તભાઈ પટેલ, જાણીતા બિલ્ડર ભરતભાઈ પટેલ,  કિશોરભાઈ શાહ, મહેન્દ્રભાઈ સંઘવી, જતીનભાઈ શાહ, અશ્ર્વિનભાઈ કોઠારી, વિરેન્દ્રભાઈ મહેતા, ભુપેશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા કમીટીના સભ્યો કાર્યરત છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.