Abtak Media Google News

લૂંટ કરવાના ઈરાદે છરી વડે હુમલો કરતો પ્રૌઢનું  મોત નિપજયુ ‘તું: બે ભાઈનો છૂટકારો

પડધરીના સામાકાંઠે મોવૈયામાં છ વર્ષ પહેલા અગાઉના ઝઘડાના મનદુ:ખને કારણે સતિષભાઈ નારણભાઈ રાઠોડની છરીના ઘા ઝીંકી થયેલી હત્યા અને લૂંટના કેસમાં સેશન્સ અદાલતે આરોપી ઝાકીર ઉર્ફે લાલો મહોબતખાન બ્લોચને સાપરાધ મનુષ્ય વધના ગુનામાં તકસીરવાર ઠરાવી 10 વર્ષની સજા અને એક લાખ દંડનો હુકમ કર્યો છે. આ બનાવમાં મૃતકના પત્ની કિરણબેન સતિષભાઈ રાઠોડ (રહે. મોવૈયા પડધરી)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, ગઈ તારીખ 11/ 5/ 2016ના રોજ પતિ સતિષભાઈ નારણભાઈ રાઠોડ અને પત્ની કિરણબેન પડધરીમાં પોતાના માવતરના ઘરેથી પરત નીકળી રહ્યા હતા ત્યારે રસ્તામાં ગીતાનગર ખાતે દયાબેનના ઘરે થોડું રોકાયા હતા તે દરમિયાન ઝાકીર લાલો મહોબતખાન બલોચ (રહે. મેમણ શેરી પડધરી) અને તેના બે ભાઈઓએ આવી જઈને જુના ઝગડાનું વેર રાખીને છરીથી હુમલો કર્યો હતો, તેમાં પતિ સતિષભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જે દરમિયાન ઝાકીર ઉર્ફે લાલો વગેરે સતિષભાઈના ખિસ્સામાંથી 35 હજારની લૂંટ ચલાવીને ભાગી છૂટયા હતા.

Img 20220616 Wa0059

દરમિયાન સતિષભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પડધરી પોલીસે આ ફરિયાદના આધારે આરોપી ત્રણ સગાભાઇઓ ઝાકીર ઉર્ફે લાલો મહોબતખાન બલોચ, સાદતખાન ઉર્ફે સાજીદ અને અમજદખાન ઉર્ફે કાળુ (રહેવાસી મેમણ શેરી પડધરી) સામે આઈપીસી 302, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ અને કાર્યવાહી બાદ ચાર્જશીટ મૂક્યું હતું.

જે કેસ રાજકોટ સેશન્સ અદાલતમાં કમિટ થયો હતો. આ કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી કિરણબેન અને તેમના સંબંધી દંપતી દયાબેન અને મનોજભાઇ નજરે જોયા સાક્ષી હતાં, પરંતુ કેસ દરમિયાન આ દંપતી હોસ્ટાઇલ થયું હતું. જ્યારે અદાલતે નજરે જોયા ફરિયાદી પત્નીની જુબાની માની હતી. તેમજ આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ બિનલબેન રવેશિયાની રજૂઆતો, દલીલો જેવી કે અગાઉ ઓળખ પરેડમાં પણ ઉપરોક્ત સંબંધી દંપતીએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા, તેમજ બનાવ વખતે હો-ગોકીરો સાંભળી નજીકમાં જ રહેતા સાહેદો મૃતકના સસરા અને સાળો આવી પહોંચ્યા હતા તેમને સતીષભાઈએ “લાલાએ પડખામાં છરી મારી” હોવાનું જણાવ્યું હતું, આ જુબાનીને પણ મરણોત્તર નિવેદન માનવા રજૂઆત કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ જજ બી. ડી. પટેલે આરોપી ઝાકીર ઉર્ફે લાલો મહોબતખાન પઠાણને  આઇપીસી 304 પાર્ટ 2ના ગુનામાં તકસીરવાર ઠરાવી 10 વર્ષની કેદ અને રૂપિયા એક લાખ દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તેમજ અન્ય બે આરોપીઓ મુખ્ય આરોપીના બે સગા ભાઈઓ સાદતખાન ઉર્ફે સાજીદ અને અમજદ ખાન ઉર્ફે કાળુને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ બિનલબેન રવેશિયાએ રજૂઆતો કરી હતી.

દંડની એક લાખ રકમ મૃતકના બાળકોના નામે ડિપોઝિટ કરવાનો હુકમ

પડધરીના ચકચારી હત્યા કેસમાં રાજકોટ સેશન્સ અદાલતે આરોપી ઝાકીર ઉર્ફે લાલાને સજા અને દંડના હુકમમાં દંડની રકમ રૂપિયા એક લાખ મૃતક સતિષભાઈના સગીર પુત્ર અને પુત્રીના નામે બેંકમાં ડિપોઝિટ કરવાનો હુકમ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.