Abtak Media Google News

જીવંતપર્યત મહિલાઓના ઉત્કર્ષ માટે દિશાદર્શન આપવાની નેમ વ્યક્ત કરતાં હીરાબાઈ લોબી

સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના હીરાબાઈ લોબીને ગુજરાતનું નામ ઉજાગર કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા છે. આ તકે વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાએ હીરાબાઈના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરતાં પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતાં અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કર્યુ હતું. અ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન સંદેશ આપ્યો કે, આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર પ્રદાન બદલ આપને આઝાદીના અમૃતકાળમાં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા તે જાણીને અત્યંત આનંદ સહ ગર્વની લાગણી અનુભવું છું.

ગુજરાતના વિવિધ ક્ષેત્રને ઉજાગર કરનારા જૂજ વીરલાઓમાં આપનું અદ્વિતીય પ્રદાન રહ્યું છે. સમાજના ઉત્થાન માટે જીવન ખર્ચી નાખતાં આપના અનન્ય યોગદાન અંગે જાણી ખૂબ આનંદ થયો. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રીએ હીરાબાઈના કુટુંબીજનો સાથે હળવી પળો માણી હતી અને અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળતું રહે તેવી તેમની કાર્યશૈલીને બીરદાવી ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

આ તકે હીરાબાઈએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મારી મહેનતની કદર કરી છે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી છે. વિકાસની દિશામાં ડબલ એન્જિન સરકાર સર્વાંગી ક્ષેત્રે સારું કામ કરી રહી છે એવો ભાવ વ્યક્ત કરી જીવંતપર્યત મહિલાઓના ઉત્કર્ષ માટે દિશાદર્શન આપવાની નેમ વ્યક્ત કરી હતી. નોંધનીય છેકે, સીદી સમુદાયના બાળકો અને મહિલાઓના વિકાસમાં હીરબાઈનો સિંહફાળો રહ્યો છે. જેથી સમાજસેવા ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ તેમને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે.

આ તકે તાલાલા મામલતદાર શ્રી એન.સી.વ્યાસ, નાયબ મામલતદાર   જે.વી.સિંધવ,   વિક્રમભાઈ દેસાઈ, સર્કલ ઓફિસર   પથિકભાઈ પ્રજાપતિ, રેવન્યૂ તલાટી શ્રી રિટાબહેન કાંબલિયા, માધુપુર-જાંબુર સરપંચશ્રી વિમલભાઈ વાળોદરિયા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.