Abtak Media Google News
  • રાજ્યનાં 84 તાલુકાઓમાં વરસાદ: વિસાવદરમાં સૌથી વધુ ચાર ઇંચ ખાબક્યો, ગ્રામ્ય પંથકમાં 5 થી 6 ઇંચ સુધી વરસાદ
  • આજથી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી: એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થતા બુધવારથી મેઘાનું જોર વધશે
  •  ઉમરગામમાં સવારે બે ઈંચ વલસાડમાં સવા ઈંચ અને ખેરગામમાં એક ઈંચ: કોડીનાર, વેરાવળ, જૂનાગઢમાં ઝાપટા

એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 22મી જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાન 84 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. આદ્રા નક્ષત્રમાં સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસી જાય તેવા ઉજળા સંજોગો વર્તાય રહ્યા છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં વધુ વિસ્તારોમાં સક્રિય થઇ ગયું છે. ચોમાસાની નોર્ધન લીમીટ પોરબંદર-વડોદરા સુધી લંબાઇ છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન વેસ્ટ રાજસ્થાન અને ઉત્તર-પશ્ર્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઇ લેવલથી 4-5 કિમી ઊંચાઇ પર છે. જેના કારણે આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભડલી વાક્ય મુજબ જો આદ્રા નક્ષત્રમાં વરસાદનું આગમન થાય તો બારે માસ પાણીની કોઇ સમસ્યા રહેતી નથી. આગામી બુધવારથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યા છે અને બુધવારથી વરસાદનું જોર વધે તેવી આગાહી આપવામાં આવી છે. આ વર્ષ ચોમાસામાં સંતોષકારક વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસી જશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં જ્યારે કચ્છ જિલ્લામાં આવતીકાલે મંગળવારે દમણ-દાદરાનગર હવેલી, ખેડા, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને કચ્છ જિલ્લામાં બુધવારે દમણ એન્ડ દાદરાનગર, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ઉપરાંત કચ્છ પંથકમાં જ્યારે ગુરૂવારે દમણ-દાદરાનગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરતના કામરેજમાં 85 મીમી, નવસારીમાં 49 મીમી, જલાલપોરમાં 46 મીમી, વલસાડમાં 43 મીમી, વાપીમાં 40 મીમી, ઉનામાં 37 મીમી, ગીર ગઢડામાં 29, સાવરકુંડલામાં 24 મીમી, માળીયા હાટીનામાં 21 મીમી, અમરેલીમાં 19 મીમી, ભાવનગરમાં 19 મીમી, લાઠીમાં 19 મીમી, મેંદરડામાં 17 મીમી, મહુવામાં 15 મીમી, તાલાલામાં 13 મીમી, જેસરમાં 12 મીમી, ખાંભામાં 12 મીમી, ભેંસાણમાં 8 મીમી, રાજકોટ શહેરમાં 7 મીમી, વડીયામાં 7 મીમી સહિત રાજ્યના 84 તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. આજથી ચાર દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ પડ્યો નથી. આદ્રા નક્ષત્રમાં હૈયે ટાઢક આપતી વરસાદની આગાહી આપવામાં આવી હોય જગતાત માટે ચાલુ સપ્તાહ શુકનવંતુ રહેશે.

ન્યારી-ર અને મોતીસર સહિત ચાર ડેમમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે આજે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન ચાર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ જીલ્લાના ન્યારી-ર ડેમાં 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે. 20.70 ફુટની ઉંડાઇ ધરાવતા ન્યારી-ર ડેમની સપાટી 7.20  ફુટે પહોંચી જવા પામી છે. અને ડેમમાં હાલ 85 એમસીએફ ટી પાણી સંગ્રહિત છે આ ઉપરાંત મોતીસર ડેમમાં 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે. જો કે ડેમ હજી ડેડ વોટરમાંથી બહાર નીકળી શકયો નથી. જયારે સુરેન્દનગર જીલ્લાના વઢવાણ ભોગવો-ર (નાયકા) માં નવું 0.03 ફુટ પાણીની આવક થતાં 18.90 ફુટની ઉંડાઇ ધરાવતા 7.60 ફુટ જીવંત જળ સપાટી છે. અમરેલી જીલ્લાના થવા પામી છે. રપ ફુટની ઉંડાઇ ધરાવતા ડેમની સપાટી હવે 3.50 ફુટે પહોંચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.