Abtak Media Google News
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : અમુક વિસ્તારોમાં વાવણી શરૂ, મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણીલાયક વરસાદની જોવાતી રાહ
સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણી થઈ છે. હવે  મેઘરાજા મન મુકીને વરસે તો વાવણીની જમાવટ થશે. જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં અમુક વિસ્તારોમાં વાવણી શરૂ થઈ ગઈ છે પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણીલાયક વરસાદની રાહ જોવાઇ રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ-અલગ ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. કેટલીક જગ્યાઓ પર અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. અમદાવા, સુરત, વડાલી, જૂનાગઢ, કપરાડા, ધરમપુર, વલસાડ, ઉમરગામ, વિજયનગર, રાજકોટ, ગોંડલ, સુલતાનપુર સહિતના સ્થળો પર વરસાદ થયો હતો. આગામી દિવસોમાં પણ રાજ્યના અમદાવાદ સહિતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
કર્ણાટકમાં આઠ દિવસથી અટકેલા ચોમાસાનો એક છેડો ગુજરાત પહોંચી ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 91 તાલુકામાં વરસાદ થયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 75 મિમી. વરસાદ ખાબક્યો છે,
રાજકોટ જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી મેઘરાજાની મહેર થઈ રહી છે. આ તરફ સૌરાષ્ટ્રના અમરેલીમાં પાંચ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. જે વિસ્તારોમાં વરસાદ થયો છે ત્યાં તાપમાન ઘટ્યું છે અને ખેડૂતોમાં પણ ખુશહાલી જોવા મળી રહી છે. હવે સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. મધ્ય ગુજરાતના અમદાવાદ સહિત આણંદ, ગાંધીનગર, કલોલ જેવા વિસ્તારોમાં વરસાદ થયો હતો.
રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે હવામાન પલટાયું હતું. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના સુલતાનપુર, વીંજીવડ, નાના-મોટા સખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ગોંડલ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટું વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.