Abtak Media Google News

વિજય કોરાટ અને જયેશ બોઘરાના નામો પણ ચર્ચામાં; વાઈસ ચેરમેન પદે જીતુભાઈ સખીયા કેશુભાઈ નંદાણીયા અને જયેશ પીપળીયાના બોલાતા નામ

રાજકોટ, ધોરાજી, જેતપુર અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડના હોદેદારો નકકી કરવા ગોંડલ યાર્ડ ખાતે ડિરેકટરોની સેન્સ લેતુ જિલ્લા ભાજપ

અબતક,રાજકોટ

રાજકોટ, ધોરાજી, ઉપલેટા અને જેતપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી આગામી બીજી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે ચારેય યાર્ડના હોદેદારો નકકી કરવા આજે ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અલગ અલગ યાર્ડના ડિરેકટણોની સેન્સ લેવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે પરસોતમભાઈ સાવલીયાનું નામ લગભગ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે.ડિરેકટરો તથા અન્ય આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયા દરમિયાન સિંગલ નામ મૂકવામાં આવશે જો પેનલ માંગવામાં આવશે તો વિજયભાઈ કોરાટ અને જયેશભાઈ બોઘરાના નામો મૂકવામાં આવશે.

આજે સવારથી ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા અને પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનિષભાઈ ચાંગેલા ઉપરાંત ધારાસભ્યો અને સંસદ સભ્યો દ્વારા ચાર યાર્ડના ચૂંટાયેલા ભાજપના ડિરેકટરોની સેન્સ લેવામાં આવી હતી.

સવારે 10 કલાકે જેતપુર યાર્ડના ડિરેકટરોને સાંભળવામાં આવ્યા હતા ત્યાર બાદ 10.30લાકે ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ડિરેકટરોની સેન્સ લેવામાં આવી હતી 11 કલાકે ધોરાજી માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટરોની સેન્સ લેવામાં આવી હતી અને સૌથી છેલ્લા 11.30 કલાકે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડિરેકટરોની સેન્સ લેવામાં આવી હતી.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદ માટે એક માત્ર પરસોતમભાઈ સાવલીયાનું નામ રજૂ કરવામાં આવશે. જો પેનલમાં મંગાશે તો પરસોતમભાઈ સાવલીયા, વિજયભાઈ કોરાટ અને જયેશભાઈ બોઘરાનું નામ રજૂ કરાશે.

જયારે વાઈસ ચેરમેન પદ માટે જીતુભાઈ સખીયા, કેશુભાઈ નંદાણીયા, હિતેશભાઈ મેતા અને જયેશભાઈ પીપળીયાના નામો ચર્ચામાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.