Abtak Media Google News

ચૂંટણીને અનુલક્ષીને લેવાયો નિર્ણય: ચાર આરોપીઓ પરના ચાર્જ પડતા મુકાયા

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજય સરકારે પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ પરત ખેંચવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં સરકારે કોર્ટ સમક્ષ ચાર પાટીદાર સામેના ચાર્જ પડતા મુકવા કરેલી અરજીને માન્ય રાખવામાં આવી છે.

સરકારે પાટીદાર અનામત આંદોલનકારીઓની ચાર માંગ માની લીધા બાદ તેનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે. બિન અનામત માટેનું પંચ રચવા તેમજ પાટીદારો સામેના કેસ પરત ખેંચવા સહિતના મામલે સરકાર તબકકાવાર આગળ વધી રહી છે. ૬૩ કેસમાંથી કૃષ્ણનગરનો પ્રથમ કેસ પરત ખેંચવા સરકારે કોર્ટમાં અરજી કરી હતી. જેને માન્યતા મળી ગઈ છે.

પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિકની ધરપકડ બાદ અનેક સ્થળોએ હિંસા ભળકી હતી. તે વખતે અમદાવાદની શ્યામપાર્ક સોસાયટીમાં રહેતા ભાજપના વોર્ડ પ્રમુખ શિવરામ પટેલના ઘરમાં ટોળુ ઘુસી ગયું હતું અને ત્યાં હાજર શિવરામભાઈના પુત્ર મહેશ સાથે મારામારી કરી હતી. ઘરમાં તોડફોડ કરી ટોળાએ ખિસ્સામાંથી ૬૩૦૦ રૂપિયા કાઢી લીધા હતા. જેથી આ મામલે મહેશ ઉર્ફે લાલો વઘાસીયા, શાહીલ હિરપરા, અસ્મીતા ઉર્ફે શ્ર્વેતા પટેલ અને આશા પટેલ સહિત એક બાળ આરોપી સામે ગુનો નોંધાયો હતો.

આ કેસમાં તપાસ કરી પોલીસે ચાર્જશીટ પણ કરી હતી. બીજી તરફ આ કેસ સેશન્સ કોર્ટમાં કમીટ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આ કેસ પરત ખેંચવા માટે અરજી કરી હતી જેને મંજૂરી મળી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી સરકારે પાટીદાર મતદારો રિસાઈ ન જાય તે માટે કેસ પરત ખેંચવાની તૈયારી કરી રહી હતી. જેના અનુસંધાને ચાર કેસ પરત ખેંચવામાં આવ્યા છે. ટૂંક સમયમાં વધુ આરોપીઓ સામેના કેસ સરકાર પરત ખેંચશે તેવું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.