Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોલામાં ઉમિયાધામના ત્રી દિવસીય શિલાન્યાસ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

વડાપ્રધાન મોદી 13 ડિસેમ્બરે ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાશે

પાટીદાર સમાજનો વિકાસ અને ગુજરાતનો વિકાસ બે ગ્રાફ સમાંતરે જાય છે, પાટીદાર સમાજે અનેક ક્ષેત્રોમાં ભવ્ય પુરુષાર્થ કરીને યોગદન આપ્યું , વેપાર -ટેકનોલોજી – ટ્રેડિંગ હોય કે વિદેશમાં મોટેલના ધંધા બધામાં પાટીદાર સમાજ છે : ગૃહમંત્રી
અબતક, રાજકોટ : અમદાવાદના સોલામાં ભવ્ય ઉમિયાધામનો આજે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડવા માટે મને મોકો આપ્યો, મને નિમંત્રણ આપ્યું. આજે આ પવિત્ર કામમાં ધામના શિલાન્યાસમા મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે.
1500 કરોડના ખર્ચે અનેકવિધ ગતિવિધિઓ મંદિરના શિલાન્યાસ સાથે થવાની છે. અહીં એક વિશાળ મોડેલ છે. અનેક વર્ષોથી આ જગ્યા લીધા પછી અમદાવાદમાં કડવા પાટીદાર સમાજનું એક કેન્દ્ર બને એ માટે પાટીદાર સમાજે જે સંકલ્પ લીધો છે એ માટે હું સમાજને ખૂબ શુભકામનાઓ આપું છું. આ ભવ્ય મંદિર જ્યારે પણ બને ત્યારે મને બોલાવજો હું નિશ્ચિંતપણે આવીશ.
મોદીજીએ ભૂલાયેલા આપણા મંદિરોના જિર્ણોદ્ધારનું કામ શ્રદ્ધા સાથે શરૂ કર્યું છે. કેદારનાથમાં પુરથી બધું તહસનહસ થઈ ગયું હતું. પણ મોદીજીએ ત્યાં અધ્યતન કેદારનાથની સ્થાપના કરી કરોડો હિન્દુઓના શ્રદ્ધા કેન્દ્રને ફરીથી જીવંત કરી દીધું. ઓરંગઝેબના જમાનામાં ક્ષતિ પામેલું કાશી વિશ્વનાથનું મંદિરનો ફરીવાર જિર્ણોદ્ધાર થશે,.
પાટીદાર સમાજનું કેન્દ્ર એવુ ઉમિયાધામ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં બનાવવાનો સંકલ્પ પાટીદાર સમાજે લીધો છે. મા ઉમિયા તમારા સંકલ્પ પૂરા કરે તેવી પ્રાર્થના છે. વિદ્યાર્થીઓ અહી રહીને કરિયરની તૈયારીઓ કરી તેવી તમામ વ્યવસ્થા અહી છે. પાટીદાર સમાજ પુરુષાર્થી છે. 100 વર્ષોથી કોઈ સમાજ પોતાની બુદ્ધિમત્તા અને પુરુષાર્થ ન માત્ર પોતાના સમાજને આગળ વધારે, પરંતુ પ્રદેશ અને દેશમાં પણ કેટલું મોટું યોગદાન કરે તે મોટુ ઉદાહરણ છે. તેમની ગાથા ગાવી જોઈએ. પાટીદાર સમાજનો વિકાસ અને ગુજરાતનો વિકાસ બે ગ્રાફ સમાંતરે જાય છે.
પાટીદાર સમાજે અનેક ક્ષેત્રોમાં ભવ્ય પુરુષાર્થ કરીને યોગદન આપ્યું છે. વેપાર, ટેકનોલોજી, ટ્રેડિંગ, વિદેશમાં મોટેલ બધામાં પાટીદાર સમાજ છે. મારા અભિનંદન છે કે, સમાજે જે પ્રાપ્ત કર્યું છે તે સમાજ માટે ખર્ચે છે. તેનાથી દરેક સમાજને પ્રેરણા મળશે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું જે યોગદાન છે. એ જ્યારે પણ ગુજરાતના વિકાસની ગાથા લખાશે એમાં સુવર્ણમય અક્ષરોથી લખાશે. અનેક ક્ષેત્રોમાં પાટીદાર સમાજો પુરુષાર્થ કરીને પોતાનું યોગદાન નોંધાવ્યું છે. હમણાં હું અરૂણાચલ ગયો હતો. ત્યાં બહુ ઓછા ગુજરાતીઓ છે. મેં ત્યાં જમતાં જમતાં પુછ્યું કે ભાઈ કોઈ ગુજરાતીઓ છે અહીંયાં? તો જવાબ મળ્યો કે લકડે કા બિઝનેસ કરને વાલે હમારે પાટીદાર સમાજ કે જો હે વો ગુજરાતી હૈ. અરુણાચલની બોર્ડર પર હતાં તેમણે પણ ખબર હતી કે આ ગુજરાતી છે અને પાટીદાર સમાજના છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ અને પુછો કે મોટેલ કોની હોય તો એવું સાંભળવા મળશે કે પટેલની હોય.
ઉલ્લેખનીય છે કે, આજે શિલાન્યાસ બાદ 12 ડિસેમ્બરે નવચંડી અને 13 ડિસેમ્બરે શિલાપૂજન કરાશે. 13 ડિસેમ્બરે 501 શીલાપુજન યજમાન સાથે સવારે 9.30 કલાકે પ્રારંભ થશે. ત્રણ દિવસ શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે 51 કરોડ શ્રી ઉમિયા શરણમ મમ મંત્રના લેખની પોથીયાત્રા ભાગવત વિદ્યાપીઠથી સોલા શ્રી ઉમિયધામ કેમ્પસ સુધી યોજવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં 1001 મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અમદાવાદમાં 1,500 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ઉમિયા ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર પાટીદાર સમાજના યુવક-યુવતીઓને અભ્યાસ માટે વ્યવસ્થા મળી રહે તેમજ સમાજ એક તાંતણે બંધાય એ હેતુથી આ ઉમિયાધામ આકાર લઈ રહ્યું છે. અહીં નિર્માણ થઈ રહેલી 13 માળ ઊંચી બિલ્ડિંગમાં 400 રૂમ, જેમાં 1200 જેટલા યુવક-યુવતીઓ રહી શકે એવી વ્યવસ્થા હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.